<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

શહેરના ૧૫૦ ફૂટ રોડ પર થેલેસીમીયા પીડીતોને તંત્રની હેરાનગતી : રજુઆત

મનપાની દબાણ શાખા માનવીય અભિગમ રાખે : નડતર રૂપ નહી હોવા છતા અવાર-નવાર ફુડની લારી હટાવાય છે : મ્‍યુનિ.કમિશનરને લેખીત પત્ર પાઠવતા અસરગ્રસ્‍ત

થેલેસીમીયા પીડીતોને શહેરના ૧૫૦ ફૂટ રોડ પર ખાણીપીણીનાં ધંધા માટે છુટછાટ આપવા મ્‍યુનિ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. જે તસ્‍વીરમાં થેલેસીમીયાગ્રસ્‍ત અમીત પરમાર, પાયલ વેગડા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)(૨૫.૫)

રાજકોટ,તા.૧૫ : થેલેસિમીયા પીડીત યુવાનોને ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર ખાણી-પીણીની લારી રાખવા માટે પરવાનગી આપવા અનિલ પરમાર અને પાયલ વેગડા દ્વારા મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવી યોગ્‍ય કરવા માંગ કરવામાં આવી રહી છે.

આ અંગે થેલેસિમિયા અસરગ્રસ્‍તોએ પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, અમો બીમારીથી પીડીત છીએ. અમો બન્‍ને અરજદારોના પરિવારની આર્થિક પરિસ્‍થિતી ખુબજ નબળી છે. આમારા પરિવારનું  ગુજરાન ચલાવવા અમોના પરિવારને ખુબજ મુશ્‍કેલીઓ પડતી હોય છે. આશરે ૨-૩ વર્ષથી નોકરીની અરજીઓ આપીએ છીએ અને નોકરીની તલાસ કરતા હતા પરંતુ આ ગંભીર બીમારીના કારણે અમો અરજદારોને નોકરી ઉપર રાખવા કોઇ તૈયાર નથી અમો અરજદારોએ નોકરી મેળવવા માટે ખુબજ વલખાઓ માર્યા છે. પંરતુ અમોને કોઇપણ જગ્‍યાએ નોકરી મળેલ નહી. ત્‍યારબાદ અમેં બંને એ એક યોગ્‍ય વિચાર કરી અને પોતાના પરિવારની  આર્થિક પરિસ્‍થિતીને ધ્‍યાને લઇ મળીને આશરે ૨-૩ વર્ષ પહેલા વોર્ડનં.-૨માં આવેલ અયોધ્‍યા ચોક પાસે‘‘એક વાર તો આવો'' નામની ફુડઝોનની શરૂઆત  કરેલ છે. જે ફૂડ ઝોનની આવક પણ સારી થઇ રહી છે. પરંતુ ફુડઝોન વાળી જગ્‍યાએ મહાનગરપાલિકાના દબાણ-હટાવ શાખા દ્વારા અવાર નવાર દબાણ હટાવવામાં આવે છે.

અંતમાં તેઓએ જણાવ્‍યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા જે શરતો મુકે તેનું ચુસ્‍ત પણે પાલન કરીશું તેમજ એમના ફુડઝોન પાસેથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આવવા જવા મુશ્‍કેલી ન પડે તે રીતે આ ફુડઝોનનો વ્‍યવસાય કરીશું.

થેલેસીમીયા પીડીત યુવાનોને યોગ્‍ય પ્રોત્‍સાહન મળે તેમજ ફુડઝોન અંગે મંજુરી આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

(3:16 PM IST)