News of Monday, 15th July 2024
ભાભા બજારના દુકાનદારોને ૭ દિ'ની મુદતઃ ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ
મનપા દ્વારા ગઇકાલે આગના બનાવ બાદ પગલુઃ ફાયર સાધનો છે : વેપારીઓની તર્કબધ્ધ રજૂઆત બાદ તંત્રએ આપી મહેતલ

રાજકોટ તા. ૧પ :.. શહેરમાં રપ જુનના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનામાં બે ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો, આ ઘટનાના પડઘા દેશભરમાં પડયા હતા. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા ફાયર એનઓસી માટે કડક પગલા લેવા આદેશ અપાયો હતો. રાજકોટ મનપા દ્વારા પણ આ અંગે ધડાધડ સીલ મારવામાં આવ્યા હતાં.
જો કે હજી બે મહિના પહેલાની આ ઘટના ગઇકાલે ફરી સર્જાતા રહી ગઇ હતી. શહેરના જુના વિસ્તાર બંગડી બજારમાં આવેલ ભાભા બજારમાં વેલ્ડીંગ કામ દરમિયાન આગ ભભૂકી ઉઠેલ. જો કે રવિવાર હોવાથી લોકોની ભીડ ન હોવાથી અઘીટત કંઇ બન્યું ન હતું. ઉપરાંત ફાયર બ્રીગેડના ૪ થી પ ફાયર ફાઇટરોએ તુરંત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.
આજે મનપા દ્વારા ફાયર સેફટીના મુદ્્ે સમગ્ર ભાભા બજારને સીલ મારવા કાર્યવાહી કરવામાં આવતા ૧૦૦ થી ૧પ૦ જેટલા વેપારીઓએ મ્યુ. કમિશનરને રજૂઆત કરેલ કે અહીં ફાયર સાધનો છે અમને સમય આપો જેથી એનઓસી ન હોવાથી ૭ દિ' માં એનઓસી લઇ લેવા તંત્ર દ્વારા સમય અપાયો છે.
સમગ્ર બનાવની વિગત એવી છે કે, ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ, રાજકોટના ઘી કાટા રોડ પર આવેલી ભાભા બજારમાં કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે ગીફ્ટ આર્ટીકલનો માલ સામાન ભર્યો હતો. તેમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ ૫ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ખૂબ સાંકળી જગ્યા હોવાથી ફાયર બ્રિગેડના સ્ટાફને ૨ કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબૂમાં આવી હતી. આગથી અન્ય કોઈ જાનહાની થઈ નથી. કોમ્પ્લેક્ષના ત્રીજા માળે પતરાથી સ્ટોરેજ ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. તેના માલિક દુષ્યંતભાઈ મહેતા છે. તેઓએ નિલેશ મહેતા અને કામેશ ભૂપતાણીને ભાડે આપ્યું છે. ફાયર સિસ્ટમ દ્વારા દુકાન અને ગોડાઉનના લોકોએ આગ બુજાવવા માટેની કામગીરી કરી હતી. બાકીની અન્ય દુકાન અને ગોડાઉન ફાયર બ્રિગેડએ બચાવી લીધા છે.
ભાભા બજાર કોમ્પલેક્ષ વોર્ડ નંબર ૭માં આવેલું છે. આ કોમ્પલેક્ષનું ફાયર NOC નથી. ઘટના સમયે સ્થળ પર પોલીસ અને PGVCLનો સ્ટાફ હાજર હતો.
રાજકોટ મહાનગરપાલિકાને આ પ્રકારનું ગેરકાયદે પતરાનું સ્ટ્રક્ચર શા માટે ન દેખાયું. રાજકોટની બંગડી બજાર અને આસપાસના વિસ્તારમાં સાંકડી શેરીઓ છે અને તેને કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ એટલે પહોંચવામાં તકલીફ પડે છે. આ સાથે જ ૧૦૮ એમ્બ્યુલન્સ પણ અહીં એન્ટર થાય તો ફસાઈ જાય છે. આ પ્રકારની પરિસ્થિતિમાં તમામ ગેરકાયદેસર સ્ટ્રકચરો હટાવવા જોઈએ. તેથી આ પ્રકારની આગની દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની ન થાય. શહેરની બંગડી બજારના ભાભા કોમ્પલેક્ષના છેલ્લા માળે પતરાના સ્ટ્રક્ચરમાં બનેલા ગોડાઉનમાં ગઈકાલે ે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. જેને લીધે સ્થાનિક વેપારી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં ધુમાડાના ગોટેગોટા ચાલુ રહ્યા હતા.
ભાભા બજારમાં આગની ઘટના સહેજમાં અટકી
ગઇકાલે ત્રીજા માળે વેલ્ડીંગ કામ દરમિયાન બંગડી બજાર સ્થિત ભાભા બજાર માં આગ ભભુકી ઉઠી હતી. બનાવની જાણ થતા ફાયર બ્રીગેડ દ્વારા તુંરંત પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આજે ભાભા બજારમાં દુકાનો અડધી બંધ અને અડધી ખુલી રહી હતી. મનપા દ્વારા ૭ દિ' માં ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરી સીલની કાર્યવાહી મોકુફ રાખી હતી. (તસવીરઃ અશોક બગથરીયા)
(3:37 PM IST)










