News of Monday, 15th July 2024
મચ્છરજન્ય રોગનો ઉપાડો : પ કેસ : અટલ સરોવર પાસે ર૦ વર્ષીય યુવકને કોલેરા
મનપા દ્વારા ૧ લાખથી વધુ સ્થળોએ પોરાનાશક કામગીરી : મચ્છર ઉત્પતિ સબબ ૬ર૦ને નોટીસ : શહેરમાં શરદી-તાવના ૧ર૦૦ થી વધુ દર્દીઃ મેલેરીયાના ર તથા ડેન્ગ્યુના ૩ તથા ટાઇફોડના ૪ દર્દીઓ નોંધાયા

રાજકોટ, તા. ૧પ : શહેરમાં છેલ્લા અઠવાડીયામાં મચ્છરજન્ય રોગ તથા કોલેરાએ માથુ ઉંચકયું છે. ઉપરાંત ટાઇફોઇડના પણ દર્દી નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧ થી ૭ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય
રોગચાળાના પ કેસ
છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના એક કેસ નોંધાયો છે. સીઝનનાં મેલેરીયાના ૧ર, ડેન્ગ્યુના ૨૩ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.
શરદી-તાવના
૧ર૬૧ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧ર૬૧ તેમજ સામાન્ય તાવના પપ૯ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૪૦૧ તથા ટાઇફોડનો ૪ તથા મરડા શૂન્ય ૧ અને કોલેરાના ૧ સહિત કુલ રરર૭થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ
સબબ ૬ર૦ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧,૦૭,૩૦૧ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૪૧૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય પ૯૩ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૬ર૦ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે પ૬ હજારનો વહીવટી ચાર્જ પણ વસુલાયો હતો.
ન્યુ રાજકોટમાં કોલેરા દેખાયો : ર૦ વર્ષીય યુવક દર્દી : વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટ : શહેરના લોહાનગરમાં ગત અઠવાડીયે કોલેરાના બે બાળ દર્દીઓ નોંધાયા બાદ ફરી ન્યુ રાજકોટમાં પણ એક કેસ નોંધાયો છે.
નવા ૧પ૦ ફૂટ રીંગ રોડ સ્થિત અટલ સરોવર પાસેના એલએનટી સાઇટ ખાતે મજુરી કામ કરતા ર૦ વર્ષીય યુવકને કોલેરા વળગ્યો છે. હાલ યુવકની તબીયત સ્થિર છે.
કાલેરાનો નવો દર્દી નોંધાતા મનપાની આરોગ્ય ટીમ દોડતી થઇ છે. આસપાસના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉપરાંત કેસ નોંધાતા સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.
(3:43 PM IST)










