News of Wednesday, 17th July 2024
ગોપાલ નમકીનના આંગણે શનિ-રવિ સુવર્ણપ્રાશન કેન્દ્ર અને ગર્ભ સંસ્કાર કેન્દ્રના સંચાલકોનું સંમેલન
પૂ. વિશ્વનાથ ગુરૂજીએ આપેલ મંત્રોષધિ અને સંસ્કારો વધુને વધુ લોકો સુધી પહોંચાડવા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્ અને ગોપાલ નમકીનનો સહીયારો પ્રયાસ : નિઃશુલ્ક રજીસ્ટ્રેશન : ગુરૂપૂર્ણીમા નિમિતે થશે વિશેષ કાર્યક્રમ : ભારતભરમાં મંત્રૌષધિ ગર્ભસંસ્કાર કેન્દ્ર પર ગર્ભાવસ્થા પૂર્વે પુત્રેષ્ટિ યાગ તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પુંસવન સંસ્કાર, અનવલોભન સંસ્કાર તેમજ સિમંત્તોનયન સંસ્કાર માટે ઓનલાઇન અને ઓફલાઇન નિઃશુલ્ક વ્યવસ્થા હોય છે

રાજકોટ તા. ૧૭ : સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ દ્વારા ગોપાલ નમકીનના આંગણે આગામી તા. ૨૦-૨૧ ના શનિ-રવિ બે દિવસ માટે ભારતભરનાં મંત્રોષધિ સુવર્ણપ્રાશન કેન્દ્ર અને ગર્ભ સંસ્કાર કેન્દ્રના સંચાલકોનું એક સંમેલન યોજવામાં આવ્યુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્ના મેહુલભાઇ આચાર્ય અને ગોપાલ નમકીન પરિવારના શીવાંગીબેન હદવાણીએ જણાવ્યુ હતુ કે મંત્રોષધિ સુવર્ણપ્રાશન બાળકો માટે ઇમ્યુનીટી ટોનિક છે. જેના ખુબ સકારાત્મક પરિણામો મળે છે. સુવર્ણપ્રાશનથી બાળકની ઇમ્યુનીટી અને મેમરીમાં વધારો થાય છે તેમજ પ્રાણશક્તિ વધે છે. પાચનતંત્ર-શ્વસનતંત્રમાં સુધારો જોવા મળે છે.
ગોપાલ નમકીનના સહયોગથી સમાજનાં ચાર લાખ બાળકોને દર પુષ્યનક્ષત્રના દિવસે મંત્રોષધિ સુવર્ણપ્રાશનના ડોઝ આપવામાં આવે છે. રાજકોટમાં સુવર્ણપ્રાશનના ૪૦ થી વધુ કેન્દ્રો છે.
વારાણસીના રાજવૈદ્ય અને વૈદ્યસભાના પ્રમુખ પૂ. વિશ્વનાથ ગુરૂજીની આગેવાનીમાં મંત્રોષધિ સુવર્ણપ્રાશનનું નિર્માણ કરાયુ છે. જેમાં સુવર્ણ, મધુ, બ્રાહ્મી, શંખપુષ્પી જેવી દિવ્યૌષધિ દ્વારા વેદોના મંત્રો દ્વારા કરવામાં આવ્યુ છે. આ સેવાને સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ્ દ્વારા ભારતભરમાં પહોંચાડવામાં આવી રહી છે.
સંસ્થા દ્વારા ભારતભરમાં અનેક રાજયોમાં મંત્રૌષધિ ગર્ભસંસ્કાર કેન્દ્ર ચાલે છે. જેમાં ગર્ભાવસ્થા પૂર્વે પુત્રેષ્ટિ યાગ, ગર્ભાવસ્થા દરમિયાન ત્રણ સંસ્કારો - પુંસવન સંસ્કાર, અનવલોભન સંસ્કાર તેમજ સિમંત્તોનયન સંસ્કાર ઓનલાઇન તેમજ ઓફલાઇન નિઃશુલ્ક કરવામાં આવે છે.
ત્યારે ગુરૂજીએ આપેલ આ મંત્રોષધિ અને વિવિધ સંસ્કારોનું જ્ઞાન અને સેવા વધુને વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી આગામી તા. ૨૦-૨૧ ના શનિ-રવિ સવારથી સાંજ સુધી ગોપાલ નમકિન, બીજો ગેઇટ, મેટોડા જીઆઇડીસી, રાજકોટ ખાતે સંમેલન યોજવામાં આવેલ છે. જેમાં સુવર્ણપ્રાશન કેન્દ્રો કે ગર્ભસંસ્કાર કેન્દ્ર ખોલવા માંગતા લોકોને તાલીમ અને જરૂરી માર્ગદશન અપાશે. સાથો સાથ ગુરૂપૂર્ણિમાની વિશેષ ઉજવણી કરાશે.
રજીસ્ટ્રેશન નિઃશુલ્ક છે. આ માટે મો.૯૬૬૪૯ ૧૧૧૮૨ અથવા મો.૮૧૪૦૧ ૪૦૦૧૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મેહુલભાઇ આચાર્ય, ગોપાલ નમકીન પરિવારના શીવાંગીબેન હદવાણી અને કરણભાઇ વોરા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:29 PM IST)










