તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th July 2024
મનપાની કાયદા સમિતિના ચેરમેન કોણ : કાલે જાહેરાત
દેવુબેન જાદવના સ્થાને કંકુબેન ઉધરેજાની પસંદગી થવાની શકયતાઃ બોર્ડ બેઠકમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્તની સંભાવના

રાજકોટ તા.૧૩: મહાનગરપાલિકાની ૧૫ ખાસ સમિતિઓ પૈકી કાયદા સમિતિઓના નવા ચેરમેનની નિયુક્તિ કરવા માટે આગામી જનરલ બોર્ડની બેઠકમાં અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મુકવામાં આવે તેવી સંભાવના છે.આવાસ યોજનામાં ક્વાર્ટર ફાળવણીમાં પતિદેવની સંડોવણી ખૂલતા ભાજપે દેવુબેન જાદવને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેઓ પાસેથી કાયદો અને નિયમોની સમિતિના ચેરમેનનું પદ પણ આંચકી લેવાયું છે.
જયારે બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરીયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓએ પણ ચેરમેનપદ છોડવાની લાગણી વ્યક્ત કરી છે. ત્યારે આ બંને સમિતિના ચેરમેન બદલાવાની વિચારણા શાસક પક્ષમાં ચાલી રહ્યાનું સુત્રોએ જણાવ્યું હતું.
આ અંગે સુત્રોમાંથી મળતી વિગત મુજબ વોર્ડ નં. ૬ના ભાજપના નગરસેવિકા દેવુબેન જાદવના પતિદેવ મનસુખ જાદવે આવાસ યોજના કવાર્ટર ફાળવણીમાં આચરેલા મહા કૌભાંડ બાદ તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દેવુબેન જાદવ પાસેથી કાયદો અને નિયમોની સમિતિનું ચેરમેન પદ પણ આંચકી લેવામાં આવ્યું છે.આ સમિતિનું ચેરમેનપદ છેલ્લા ઘણા સમયથી ખાલી પડ્યું હોય કોર્પોરેશનમાં આવતીકાલે ૧૮મી જુલાઈએ મળનાર જનરલ બોર્ડની બેઠકમાં અરજન્ટ દરખાસ્ત મૂકી વોર્ડ નં.૪ના નગરસેવિકા કંકુબેન ઉધરેજાને કાયદા સમિતિના નવા ચેરમેન બનાવવા વિચારણા ચાલી રહી છે.
(2:57 PM IST)










