<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th July 2024

રોડ - રસ્‍તા, પેવિંગ બ્‍લોક, પાઇપલાઇનની કામગીરી ટલ્લે મનપાના ઝોનલ કોન્‍ટ્રાકટરોની અચોક્કસ મુદ્દતની હડતાલ

એજન્‍સીના કર્મચારીઓના વ્‍યવસાય વેરો ભરવાના તંત્રના નિર્ણય સામે ઝોનલ કોન્‍ટ્રાકટરોમાં રોષ : પાણી વિતરણ અને ડ્રેનેજ સહિતની આવશ્‍યક સેવાઓ ચાલુ

રોષ... :મનપા દ્વારા વિવિધ કામ કરતા ઝોનલ એજન્‍સીના કર્મચારીઓના વ્‍યવસાય વેરો તથા જીએસટી વધારા સામે કોન્‍ટ્રાકટરો આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે અને વિવિધ પ્રશ્નોનું તાત્‍કાલિક નીરાકરણ લાવવા માંગ કરવામાં આવી છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૧૭ : કોર્પોરેશનના ૧૦૮ ઝોનલ કોન્‍ટ્રાક્‍ટર આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા અનેક પ્રાથમિક કામગીરી રઝળી પડી છે. કોન્‍ટ્રાક્‍ટરોએ લેબરના પ્રોફેશનલ ટેક્‍સ વર્ષ ૨૦૦૮થી ભરવા અને જીએસટીની ડીફરન્‍સની રકમ મજરે ન આપવાના કોર્પોરેશનના આ નિર્ણય સામે કોન્‍ટ્રાક્‍ટરોમાં રોષ ફેલાયો છે. આજે પાણી વિતરણ અને ડ્રેનેજ ફરિયાદ નિકાલ સહિતની આવશ્‍યક સેવાની કામગીરી ચાલુ રાખવામાં આવી  હતી. આજે સવારે તમામ કોન્‍ટ્રાક્‍ટર રેસકોર્સ ખાતે એકત્રિત થયા હતા અને હડતાલને આગળની રણનીતિ નક્કી કરવાની વ્‍યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી.

 આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરના દરેક વોર્ડમાં છ ઝોનલ કોન્‍ટ્રાક્‍ટર હોય છે.જે  ઝોનલ વોટર વર્કસ,ઝોનલ ડ્રેનેજ સહિતના કામગીરી કરતી હોય છે. કોર્પોરેશન દ્વારા ગત ૨૪મી એપ્રિલના રોજ તમામ ઝોનલ કોન્‍ટ્રાક્‍ટરને નોટિસ આપવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૦૮થી લઈ આજ સુધીનો તમામ લેબરોનો પ્રોફેશનલ ટેક્‍સ ભરવા જણાવવામાં આવ્‍યું હતું. મજુર દીઠ ૨૦૦ રૂપિયા પ્રોફેશનલ ટેક્‍સ ભરવાનો થાય છે. જેની સામે કોન્‍ટ્રાક્‍ટર હોય એવા મતલબની રજૂઆત કરી હતી કે ૨૦૦૮થી કાયદો અમલમાં હોવા છતાં કોર્પોરેશન દ્વારા એમને ૨૦૨૪માં આ અંગે જાણ કરવામાં આવી હોય અમો આ વર્ષનો પ્રોફેશનલ ટેક્‍સ ભરવા તૈયાર છીએ. જૂનું લેણું માફ કરવાની માંગ કરાય હતી. જેનો કોઈ જ પ્રત્‍યુતર અધિકારીઓ દ્વારા આપવામાં આવ્‍યો નથી. સાથોસાથ કોન્‍ટ્રાક્‍ટરોના બિલ અટકાવી દેવામાં આવ્‍યા છે બીજી તરફ ઝોનલ કોન્‍ટ્રાક્‍ટર પાસેથી જે ૧૨% જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે વધારી ૧૮% કરવામાં આવ્‍યો છે. રાજ્‍ય સરકાર દ્વારા એવો આદેશ આપવામાં આવ્‍યો છે કે જીએસટીની ૬%ની ડિફરન્‍સની રકમ કોન્‍ટ્રાક્‍ટરોને મજરે ચૂકવી દેવી છતાં આજ સુધી કોર્પોરેશન દ્વારા કોઈ જ રકમ ચૂકવવામાં આવી નથી. આજે સવારથી ૧૦૮ ઝોનલ કોન્‍ટ્રાક્‍ટર હડતાલ પર ઉતરી જતા ડામર એક્‍શન પ્‍લાનના કામો, રોડ રસ્‍તા પર પડેલા ખાડા બુરવાની કામગીરી, પેવિંગ બ્‍લોક લગાવવાની કામગીરી, ફિલ્‍ટર પ્‍લાન મેઈન્‍ટેનન્‍સની કામગીરી, સ્‍ટ્રીટ લાઇટ રીપેરીંગની કામગીરી અને ટ્રાફિક ડીવાઇડર રીપેરીંગ કરવા સહિતની તમામ કામગીરી રઝળી પડી હતી. જો કે, શહેરીજનોએ હડતાલના કારણે હાલાકી ન ભોગવી પડે તે માટે કોન્‍ટ્રાક્‍ટરોએ માનવતાવાદી અભિગમ દાખવી પાણી વિતરણ વ્‍યવસ્‍થા અને ડ્રેનેજ ફરિયાદ નિકાલની કામગીરી ચાલુ રાખી હતી. સવારે રેસકોર્સ ખાતે તમામ કોન્‍ટ્રાક્‍ટર એકત્રિત થયા હતા અચોક્કસ મુદતની હડતાલમાં આગામી રણનીતિ નક્કી કરવા અંગે નિર્ણય લેવા અને તખ્‍તો ઘડી કાઢવામાં આવ્‍યો છે.

(3:05 PM IST)