તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
છ બાળ આરોપીએ ડમ્બેલ-પાઇપથી બેંચ, કેમેરા, પંખા, ખુરશીઓમાં તોડફોડ કરી એસઆરપી મેનને ફટકાર્યા
ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં બાળ સુધાર ગૃહ (ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફટી)માં બનાવ : બુધવારે નિયમ મુજબ સંસ્થાના લેન્ડલાઇન ફોનમાંથી એક સગીર વાલી સાથે વાત કરતો હોઇ સમય પુરો થતાં ગાર્ડએ ફોન મુકી દેવાનું કહેતાં તેને ન ગમ્યું: બીજા પાંચ સગીરને બોલાવી બેફામ ધમાલ મચાવીઃ એ-ડિવીઝન પોલીસે ઇન્ચાર્જ અધિક્ષક સાગરભાઇ શુક્લાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: શહેરના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલા બાળ સુધાર ગૃહ (ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફટી) ખાતે છ બાળ આરોપીઓએ ધમાલ મચાવી ક્લાસ રૂમની બેંચમાં ડમ્બેલ ફટકારી તોડફોડ કરી તેમજ પીડબલ્યુડીમાંથી આવેલા સામાન જેમાં સીસીટીવી કેમેરા, પંખા, ખુરશીઓ, ટયુબલાઇટમાં પણ તોડફોડ કરતાં અને તેમને સમજાવવા આવેલા એસઆરપી મેનને પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં પોલીસે ગુનો નોંધ્યો છે. છ પૈકીનો એક બાળ આરોપી બુધવારે નિયમ મુજબ ઓફિસના લેન્ડલાઇન ફોન પરથી વાલી સાથે વાત કરતો હતો ત્યારે વાત કરવાનો સમય પુરો થઇ જતાં ગાર્ડએ તેને ફોન મુકી દેવાનું કહેવા છતાં ફોન નહિ મુકતાં ગાર્ડએ ફોન મુકાવી દેતાં આ સગીરે ખાર રાખી બીજા પાંચ સગીરને બોલાવી ધમાલ મચાવી હતી.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે પાળ રોડ પર સંસ્કાર સિટી એપાર્ટમેન્ટ ડી-૪૦૩માં રહેતાં અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ કમ પ્લેસ ઓફ સેફટી (બાળ સુધાર ગૃહ) ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર કાઉન્સેલર તરીકે નોકરી કરતાં અને ઇન્ચાર્જ અધિક્ષકનો પણ ચાર્જ સંભાળતાં સાગરભાઇ દિલીપભાઇ શુક્લા (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી ઓબ્ઝર્વેશન હોમમાં રખાયેલા છ બાળ આરોપીઓ વિરૂધ્ધ બીએનએસની કલમ ૧૨૧ (૧), ૧૮૯ (૨), ૧૯૧ (૨), ૧૯, ૩૨૪ (૪), ૩૫૨, ૫૪ અને જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.
સાગરભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે ફરજ બજાવુ છું. ગઇકાલે ૧૭મીએ જાહેર રજા હતી. રાતે નવેક વાગ્યે સરકારી ગાર્ડ તરીકે નોકરી કરતાં રમણીકભાઇ ભીખાભાઇ લીંડીયાનો મને ફોન આવ્યો હતો કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો એસઆરપી મેન સાથે ઝઘડો કરે છે અને તેને મારે છે. આથી હું તુર તજ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ ખાતે પહોંચ્યો હતો. ગેઇટની અંદર આવતાં જ સામાન વેરવ્ખિેર જોવા મળ્યો હતો. રમણીકભાઇને બનાવ વિશે પુછતાં તેમણે કહેલું કે બુધવારનો દિવસ હોઇ આપણે ત્યાં નિયમય મુજબ પ્રાઇવેટ ગાર્ડ ટીડાભાઇ ઉર્ફ શૈલેષ વેજાભાઇ બાંભવા બાળકોને તેમના વાલીઓ સાથે ઓફિસના લેન્ડલાઇન ફોન પરથી વાત કરાવતાં હતાં.
રાત્રીના સવા નવેક વાગ્યે એક બાળક આરોપી તેના વાલી સાથે ફોનમાં વાત કરતો હોઇ તેનો વાત કરવાનો સમય પુરો થઇ જતાં ટીડાભાઇએ તેને ફોન મુકી દેવાનું કહેવા છતાં તેણે ફોનમાં વાત ચાલુ રાખી હતી. આથી મેં પણ તેને ફોન મુકી દેવા સમજાવ્યો હતો. તેમ છતાં તેણે વાત ચાલુ રાખી હતી. જેથી મેં તેની પાસેથી ફોન લઇ લીધો હતો. આ પછી આ સગીર ઓફિસમાંથી બહાર નીકળી ગયો હતો અને પોતાની સાથે રહેતાં બીજા પાંચ બાળકોને બોલાવ્યા હતાં. આ પછી છએય ભેગા થઇ ક્લાસ રૂમમાં ગયા હતાં અને જીમના સાધનો પડયા હોઇ તેમાંથી ડમ્બેલ ઉપાડી તેના વડે ક્લાસ રૂમમાં રહેલી બેંચમાં ઘા ફટકારવા માંડયા હતાં. જેથી બેંચમાં નુકસાની થઇ હતી.
ત્યારબાદ આ છએય બાળકોએ ક્લાસરૂમાંથી બહાર આવી ગાળો બોલી પીડબલ્યુડીમાંથી આવેલા સામાનમાં તોડફોડ ચાલુ કરી હતી. જેમાં ૬ સીસીટીવી કેમેરા, ૧૦ પંખા, ૦૫ ખુરી અને ૦૧ ટયુબ લાઇટમાં આ બધાએ કચરા પોતાના પાઇપ તથા પ્લાસ્ટીકના પાઇપથી તોડફોડ કરી હતી. આ કારણે આશરે ૩૦ હજાર જેટલી નુકસાની થઇ હતી. તોડફોડનો અવાજ આવતાં ગાર્ડ તરીકે નોકરી પર આવતાં એસઆરપીના હથીયારધારી કોન્સ્ટેબલ અરવિંદસિંહ અજીતસિંહ જાડેજા હાજર હોઇ તે લોબીમાં દોડી ગયા હતાં અને તોડફોડ કરી રહેલા બાળકોને સમજાવ્યા હતાં. પરંતુ આ બાળકોએ એસઆરપી મેન અજીતસિંહને પણ હાથમાં રહેલા કચરા પોતા કરવાના પાઇપથી માર માર્યો હતો.
રમણીકભાઇએ આગળ જણાવ્યું હતું કે માથાકુટ થઇ ત્યારે હું, અરવિંદસિંહ, ટીડાભાઇ ઉર્ફ શૈલેષભાઇ એમ ત્રણ જ લોકો હતાં. છએય બાળકો એસઆરપી મેન શૈલેષભાઇને સંસ્થાના મેઇન ગેઇટ પાસે માર મારતાં હોઇ હું અને ટીડાભાઇ છોડાવવા ગયા હતાં. આ પછી બાળકો હોલમાં જતાં રહ્યા હતાં. એસઆરપી મેનને ડાબા ખભે, જમણા કાંડા અને ડાબા પડખામાં તથા શરીરે મુંઢ ઇજાઓ થઇ હતી. આ પછી રમણીકભાઇએ મને (સાગરભાઇને) ફોન કરતાં હું સંસ્થા ખાતે પહોંચ્યો હતો. અમે સંબંધીત અધિકારીઓને જાણ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ આર. જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. મોવલીયા સહિતે ગુનો દાખલ કર્યો હતો. જો કે આ બનાવમાં આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર હોઇ તેની ધરપકડ થતી નથી. માત્ર વાલીને બોલાવીને નિવેદન નોંધવામાં આવશે. સ્થળ પર પંચનામુ કરવા કે નિવેદન નોંધવા માટે પણ પોલીસને નિયમ મુજબ બાળ અદાલતની મંજુરી લેવી પડતી હોય છે.
(2:36 PM IST)










