તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
પોલીસ કન્ટ્રોલ રૂમની બાતમી પરથી યુનિવર્સિટી પોલીસે ૮ વેપારીઓને જૂગાર રમતાં પકડયા
ગંગોત્રી પાર્ક રોડ શિલ્પન નોવા એપાર્ટમેન્ટના ફલેટ નં. ૧૧૦૪માં દરોડો : રવિ થડેશ્વરના ફલેટમાં પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં ડી. સ્ટાફના રઘુવીરસિંહ વાળા, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલસિંહ સહિતની ટીમ ત્રાટકીઃ રૂા. ૧.૫૫ લાખની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૮: શહેરના ગંગોત્રી પાર્ક રોડ પર શિલ્પન નોવા એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં જૂગાર રમાતો હોવાની બાતમી પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાગૃત નાગરિકે આપતાં તેના આધારે યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ફલેટ માલિક સહિત ૮ને પકડી લઇ દોઢ લાખથી વધુની રોકડ કબ્જે કરી હતી.
વિસ્તારમાં ડી. સ્ટાફની ટીમ મહોરમના તાજીયા અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોઇએ ફોન કરી શિલ્પન નોવાના ફલેટ નં. ૧૦૦૪માં જૂગાર રમાતો હોવાની જાણ કરતાં પીએસઓ ફતેહસિંહ સોલંકીએ જાણ કરતાં હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, કોન્સ. ગોપાલસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વનરાજભાઇ લાવડીયા સહિતની ટીમ ત્યાં પહોંચી હતી. બાતમી મુજબના ફલેટનો દરવાજો ખખડાવતાં એક ભાઇએ દરવાજો ખોલ્યો હતો. તેણે પોતાનું નામ રવિ થડેશ્વર જણાવ્યું હતું અને પોતે ફલેટ માલિક હોવાનું કહ્યું હતું.
અંદર જઇ તપાસ કરતાં હોલના ભાગે સાત શખ્સો બેઠેલા જણાયા હતાં. વચ્ચે ગંજીપાના અને રૂપિયા પડયા હોઇ તમામને પોલીસને ઓળખ આપી હતી અને જૂગારધારાનો કેસ નોંધવાની કાર્યવાહી કરી હતી. પોલીસે ઘરધણી રવિ અશોકભાઇ થડેશ્વર (ઉ.વ.૩૧-રહે. શિલ્પન નોવા એપાર્ટમેન્ટ વીંગ એ-૧, ફલેટ નં. ૧૦૦૪, ગંગોત્રી પાર્ક રોડ) તથા જૂગાર રમવા આવેલા સંજય રમણીકભાઇ થડેશ્વર (ઉ.વ.૫૪-રહે. મીચીસ રેસ્ટોરન્ટ પાસે ઇન્દિરા સર્કલ દેવાલય એપાર્ટમેન્ટ એ-૪૦૧), દેવાંગ દિનેશભાઇ જગડા (ઉ.વ.૩૪-રહે. નંદનવન એપાર્ટમેન્ટ એ-૩૦૨, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે), દર્શન રમેશભાઇ ધકાણ (ઉ.વ.૩૪-રહે. જીવરાજ પાર્ક સુવર્ણભુમિ એપાર્ટમેન્ટ બી-૫૦૩), બ્રિજેશ અશોકભાઇ ધકાણ (ઉ.વ.૩૬-રહે. રહે. રૈયાધાર સન સ્ટિી હેવન ઇ-૫૦૧), વિશાલ પ્રવિણભાઇ જગડા (ઉ.વ.૪૦-રહે. ગોપાલ ચોક ગોલ્ડ એપાર્ટમેન્ટ એ-૧૦૨), આશિષ પ્રદિપભાઇ ધકાણ (ઉ.વ.૪૦-રહે. ચિત્રલેખા એપાર્ટમેન્ટ ૫૦૪, ગિરીરાજ હોસ્પિટલ પાસે દોઢસો ફુટ રીંગ રોડ) તથા મિલન પ્રવિણભાઇ ધાનક (ઉ.વ.૩૮-રહે. અંબિકા પાર્ક મકાન નં. ૭, રૈયા રોડ દેવપુષ્પ મેડિકલની બાજુમાં)ને પકડી લઇ રૂા. ૧,૫૫,૦૦૦ રોકડા તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.
ઝડપાયેલા આઠે સોની વેપારીઓ છે અને સોની કામ કરે છે. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અનુસાર પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ બી.આર. ભરવાડ, રઘુવીરસિંહ વાળા, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલસિંહ સહિતે આ દરોડો પાડયો હતો. પોલીસની પ્રાથમિક પુછતાછમાં આ બધાએ જાહેર રજા હોઇ બધા વેપારી મિત્રો એકબીજાથી પરિચીત હોઇ જૂગાર રમવા બેસી ગયાનું રટણ કર્યુ હતું.
(11:41 AM IST)










