<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th July 2024

ગીતાનો આખો સાર ર કલાકમાં સમજાવી દેતી ફિલ્‍મ ‘ઇશ્વર કયાં છે?' : ૨૬ મીએ સિનેમાઘરોમાં રીલીઝ

બાળ કિશનના પાત્રમાં સ્‍વસ્‍તિક જોષી અને તેના માતા-પિતાના પાત્રમાં મૌલિક પાઠક તથા હેમાલી ગોહીલનો કાબીલેદાદ અભિનય : મેહુલ વ્‍યાસે નારદમુનીના અને ઓજસ રાવલે ક્રિષ્‍નના પાત્રને ન્‍યાય આપ્‍યો છે : મ્‍યુઝીક માસ્‍ટર રાણાનું છે : હરેશ પટેલ દિગ્‍દર્શીત ફિલ્‍મ પારિવારિક હોવા સાથે ધાર્મિક સંદેશો આપે છે : ગરબો અને ટાઇટલ ગીત સહીત ત્રણેક ગીતોની જમાવટ

રાજકોટ તા. ૧૭ : ફકત ર કલાકમાં આખી ગીતાનો સાર સમજાવી દે તેવું ધાર્મિક અને પારિવારિક ગુજરાતી ફિલ્‍મ ‘ઇશ્વર કયાં છે?' આગામી તા. ૨૬ જુલાઇથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહ્યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મ ‘ઇશ્વર કયાં છે?' ની ટીમે જણાવ્‍યું હતુ કે આ ફિલ્‍મમાં એક ચુસ્‍ત વૈષ્‍ણવ પરિવારની વાત છે. હવેલી દર્શન, ઠાકોરજીને થાળ વગેરે બાબતો વણી લેવામાં આવી છે. પછી જયારે આતંકવાદી હુમલો થાય છે અને ભગવાનની મુર્તિને નુકશાન પહોંચાડવામાં આવે છે. ત્‍યારે એક બાળકને સવાલો ઉઠે છે કે જો ઇશ્વર હોય તો આવું કેમ થયું? ઇશ્વર કયાં છે? આ સવાલોના જવાબો રજુ થાય છે. એ રીતે ધીરે ધીરે ગીતાનો આખો સાર આપી દેવામાં આવે છે.

બાળ હઠ કરનાર કિશનનું પાત્ર મુળ સુરતના સ્‍વસ્‍તિક જોષીએ નિભાવ્‍યુ છે. જયારે તેની માતાનું પાત્ર હેમાલી ગોહીલ અને પિતાનું પાત્ર મૌલિક પાઠકે નિભાવ્‍યુ છે. નારદમુનીના પાત્રમાં મેહુલ વ્‍યાસ છે. વિષ્‍ણુનું પાત્ર ઓજસ રાવલે કર્યુ છે.

કિશનની માતા ‘નંદની'નું પાત્ર કરનાર હેમાલી ગોહીલ આ પહેલા ‘રખેવાળ', ‘લોકડાઉનનું લફરૂ', ‘પત્‍ની નચાવે ભગવાન બચાવે' ફિલ્‍મો કરી ચુકયા છે. તેમજ તેમનું આગામી ફિલ્‍મ ‘પરવરીશ' આવી રહ્યુ છે. અહીં હેમાલી ગોહીલે જણાવ્‍યુ હતુ કે આ ફિલ્‍મમાં મા-દિકરાનું જે બોન્‍ડીંગ રજુ થયુ છે તે અદ્દભુત છે. ગીતાના શ્‍લોક સમજાવવા ખુબ સરસ પ્રયાસ થયો છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્‍મ જગતના ભિસ્‍મપિતામહ ગણાતા સ્‍વ. ગોવિંદભાઇ પટેલના પુત્ર હરેશભાઇ પટેલે આ ફિલ્‍મનું દિગ્‍દર્શન કાર્ય સંભાળ્‍યુ છે. જેઓ આ પહેલા ‘દિકરો કહું કે દેવ', ‘ડ્રાઇવર દીલવાલો', પ્રીત જનમોં જનમની ભુલાશે નહીં' જેવી ફિલ્‍મો આપી ચુકયા છે.

‘ઇશ્વર કયાં છે?' ફિલ્‍મને મ્‍યુઝીક માસ્‍ટર રાણાએ પીરસ્‍યુ છે. તેમણે જ ત્રણેક ગીતો પણ આપ્‍યા છે. જેમાં એક ટાઇટલ ગીત, એક ‘કાન તારી મોરલીયએ' ગરબો તેમજ ‘મારે ઘેરે આવ્‍યા ઠાકોરજી' ગીતનો સમાવેશ થાય છે.

ફિલ્‍મના સંવાદ કેશવ રાઠોડે લખ્‍યા છે. અન્‍ય અભિનય કલાકારોમાં જીતુભાઇ પંડયા, નિશિથ બ્રહ્મભટ્ટ, કૃપાદેવ યાજ્ઞિક,  પ્રિયાલ ભટ્ટ, લલિત શર્માએ ખુબ સરસ કામ કર્યુ છે.

સમગ્ર ફિલ્‍મનું શુટીંગ વડોદરા, પાવાગઢ અને હાલોલ સહીતના સ્‍થળોએ કરાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલાકારો સ્‍વસ્‍તિક જોષી, મૌલિક પાઠક, હેમાલી ગોહીલ, મેહુલ વ્‍યાસ, મ્‍યુઝીશ્‍યન માસ્‍ટર રાણા અને દિગ્‍દર્શક-પ્રોડયુસર હરેશ પટેલ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:32 PM IST)