તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th July 2024
બે કરોડ ૧૪ લાખની શંકાસ્પદ રોકડ સાથે માર્કેટ યાર્ડના બે વેપારીને સકંજામાં લેતી ક્રાઇમ બ્રાન્ચ
બેડી ચોકડી નજીક મહિન્દ્રા એકસયુવી આંતરી તલાશી લેતા મોરબી લઇ જવાઇ રહેલા ૯૦ લાખ મળ્યા બાદ નિલેષ ભાલોડીની ઓફીસમાંથી ૧ કરોડ ર૪ લાખ વધુ મળી આવ્યાઃ વેપારીઓના નાણા પોતાના એકાઉન્ટમાં લઇ અનાજની ખરીદી દર્શાવી કમીશન લેતા હતા : ઇન્કમટેકસ વિભાગને જાણ કરાઇ

રાજકોટ, તા., ૧૮: ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમીક ઓફેન્સ વીંગ (ઇઓડબલ્યુ)ને મળેલી બાતમીના આધારે બેડી ચોકડી નજીકથી મહિન્દ્રા એકસયુવીને આંતરી તલાશી લેવાતા ઇન્કમટેકસ બચાવવા માટે કરાતા હવાલા કબાડાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટુકડીએ કારમાંથી ૯૦ લાખ અને ઝડપાયેલા આરોપી નિલેષ મનસુખભાઇ ભાલોડીની ઓફીસમાંથી ૧ કરોડ ર૪ લાખ મળી ર કરોડ ૧૪ લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. સાથોસાથ કારમાં નિલષ ભાલોડી સાથે રહેલા જયસુખ સુંદરજીભાઇ ફેફર (રહે. અગાભી પીપળીયા, તા. વાંકાનેર)ની પણ અટકાયત કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ. કૈલા, પોલીસ સબ ઇન્સ્પેકટર સી.બી.જાડેજા, એએસઆઇ આર.કે.જાડેજા, વિરમભાઇ ધગલ, મયુરભાઇ પાલરીયા, વિરેન્દ્રસિંહ જાડેજા, સ્મીત કુમાર વૈષ્નાની અને ચેતનસિંહ ગોહીલની ટુકડીએ મોડી બપોરે આ કામગીરી હાથ ધરી છે.
જીજે ૦૩ એનકે ૩પ૦ર નંબરની એકસયુવી કારને બેડી ચોકડીથી બેડી તરફ જતા રોડ ઉપર આંતરી પુછપરછ કરવામાં આવતા નિલેષ મનસુખભાઇ ભાલોડી (ઉ.વ.૪૩, રહે. અંબીકા ટાઉનશીપ, અક્ષર એવરન્યુ-૪૦૧, ધંધો શ્રોફ) અને જયસુખ સુંદરજીભાઇ ફેફર (પટેલ) (ઉ.વ.ર૩, રહે. અગાભી પીપળીયા) નામના યાર્ડના વેપારી હોવાનું જણાવ્યું હતું. કારની તલાશી લેતા તેમાંથી ૯૦ લાખ મળી આવ્યા હતા. જે મોરબીની કોઇ પાર્ટીને આપવા જઇ રહયાનું પ્રાથમીક પુછપરછમાં જણાવ્યું હતું. ત્યાર બાદ ઇકોનોમીક ઓફેલ્સ વીંગની ટુકડીએ નિલેષ ભાલોડીની નાનામૌવા મેઇન રોડ ઉપર નાઇન સ્કેવર બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલી ૬૦૮ નંબરની ઓફીસમાં છાનબીન કરતા ત્યાંથી વધુ ૧ કરોડ ર૪ લાખની શંકાસ્પદ રોકડ મળી આવી હતી. ઇઓડબલ્યુએ નવા કાયદા મુજબ બીએનએસ ૧૦૬ મુજબ શંકાસ્પદ રોકડ કબ્જે કરી બંને વેપારીઓની પુછપરછ હાથ ધરી છે. સાથોસાથ ઇન્કમટેકસની ચોરીની આશંકાએ આઇટી વિભાગને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(3:46 PM IST)










