News of Monday, 22nd July 2024
રાજકોટમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં વધુ એક બાળકનું મોતઃ બે બાળકી સારવાર હેઠળ
ગોંડલના અનીડામાં રહેતાં મુળ મધ્યપ્રદેશના પરિવારના ૭ માસના બાળકે રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૨: સ્વદેશી વાયરસ ચાંદીપુરા બાળકોનો શિકાર કરી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને કારણે અગાઉ ચોૈદથી વધુ બાળકોના મૃત્યુ થયાનું આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ હતું. બીજી તરફ આ રોગના પાંચ શંકાસ્પદ કેસ રાજકોટની સિવિલ હોસ્પિટલ સંલગ્ન ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં સારવાર માટે આવ્યા હતાં. આ પાંચેય બાળકોના અગાઉ સારવાર દરમિયાન મોત થયા હતાં. દરમિયાના ચાંદીપુરા વાયરસના વધુ એક શંકાસ્પદ કેસમાં ૭ મહિનાના બાળકનું મોત થયું છે. અન્ય બે બાળકી હાલ સારવાર હેઠળ છે. જે બાળકનું મોત થયું છે તેના માતા પિતા અને પરિવારજનો મુળ મધ્યપ્રદેશના છે. હાલ તેઓ ગોંડલ પંથકમાં રહે છે.
અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે પાંચ શંકાસ્પદ ચાંદીપુરા કેસના મૃત્યુ થયા હતાં તે બાળકોની ઉમર છ મહિનાથી માંડી તેર વર્ષની વય સુધીની હતી. આ પાંચેય બાળકો હતાં અને તે જેતપુર, મોરબી, એમપીના હતાં. દરમિયાન વધુ એક આવા શંકાસ્પદ કેસમાં મધ્યપ્રદેશના પરિવારના ૭ મહિનાના બાળકનું મૃત્યુ નિપજ્યું છે. સિવિલ હોસ્પિટલના સિનીયર તબિબ ડો. હેતલ કયાડાએ વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે ગોંડલના અનીડા ગામે રહેતાં મધ્યપ્રદેશના પરિવારના ૭ માસના દિકરાને ચાંદીપુરા વાયરસ લાગુ પડયાની શંકાએ રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરી સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. રવિવારે આ બાળકને સારવાર માટે રાજકોટ ખસેડાયુ હતું. આ પરિવાર એકાદ મહિના પહેલા એમપીથી ગોંડલ પંથકમાં આવ્યો હતો. ૭ માસના આ બાળકનો રિપોર્ટ આવે એ પહેલા આજે સવારે તેનું મૃત્યુ થયું છે.
બીજી તરફ વધુ એક શંકાસ્પદ કેસમાં વધુ બે બાળકી સારવાર હેઠળ છે. પડધરી તાલુકામા રહેતાં દાહોદના મજૂર પરિવારની ૭ વર્ષની દિકરીને ચાંદીપુરાની શંકાને આધારે સારવાર માટે દાખલ કરી સેમ્પલ લઇ પરિક્ષણમાં મોકલવામાં આવ્યા છે. હાલ બાળકીની હાલત ગંભીર નથી, તેણી સારવાર હેઠળ છે. તેમજ કાલાવડ પંથકની એક બે વર્ષની બાળકીને પણ ચાંદીપુરાની શંકા સાથે દાખલ કરવામાં આવી છે. આ બાળકીનો પરિવાર મુળ મહિસાગર જીલ્લાનો વતની છે. તેમ ડો. હેતલ કયાડાએ જણાવ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર આ વાયરસ ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સજ્જ છે. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાની રાહબરીમાં આરએમઓ ડો. દૂસરા અને ટીમ દ્વારા ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ૧૦૦ બેડની અહિ સુવિધા છે તેમાંથી ૭ બેડ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કે પોઝિટીવ દર્દીઓ માટે અલાયદા કરી દેવામાં આવ્યા છે અને આ આઇસીયુ બેડ છે. અહિ તબિબો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે છે.
(3:25 PM IST)










