<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

પરિવાર અને પ્રેમની ભાષા સમજાવતી ફિલ્‍મ ‘વાર તહેવાર'

૨ ઓગષ્‍ટે સીનેમાઘરોમાં થશે રીલીઝ : એમ.મોનલ ગજજર, પરિક્ષિત ટમાલીયા અને ટીકુ તલસાણીયા મુખ્‍ય ભુમિકામાં : પ્રોડયુસર મનિષ દેશાઇ નિર્મિત આ ફિલ્‍મ પારિવારિક હોવા સાથે ગહન સંદેશ છોડી જાય છે ‘પ્રેમ જેવો કોઇ વાર નથી, એના જેવો કોઇ તહેવાર નથી' ટેગ લાઇને ફિલ્‍મને ઉંચી ઉડાન આપી આપણી ભાષાનું આપણે પોતે જતન નહીં કરીએ તો કોણ કરશે ?: ટીકુ તલસાણીયા

રાજકોટ તા. ૨૨ : પરિવાર અને પ્રેમની ભાષા સમજાવતી ગુજરાતી ફિલ્‍મ ‘વાર તહેવાર' આગામી તા. ૨ ઓગષ્‍ટથી સીનેમાઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.

‘અકિલા' ખાતે ફિલ્‍મ વિષેની રોચક વાતો વર્ણવતા મુખ્‍ય અદાકારો એમ. મોનલ ગજજર, પરિક્ષિત ટમાલીયા અને ટીકુ તલસાણીયાએ જણાવ્‍યુ હતુ કે પારિવારિક ગુજરાતી ફિલ્‍મો ભલે ઘણી આવી હોય પણ આ ફિલ્‍મ કઇક અલગ જ સંદેશ છોડી જાય તેવી બની છે. ખાસ કરીને બે પેઢી વચ્‍ચેની જે વિચારધાર અલગ પડતી જાય છે અને તેની સમાજ જીવન પર શું અસર થાય તેની વાત છે.

ફિલ્‍મમાં પ્રિતલ પાઠકનું મુખ્‍ય પાત્ર ભજવતા એમ. મોનલ ગજજરે જણાવેલ કે આજની પેઢી પોતાનું ધાર્યુ કરવા પ્રયત્‍નશીલ રહે છે. લગ્નની વય થઇ જાય છતા એ વાતને ગંભીરતાથી ન લ્‍યે. જયારે સામે પરિવારના વાલી મોટા કોડ લઇને બેઠા હોય છે. આવી ગડમથલ હાલ દરેક પરિવાર અનુભવતો હોય છે. ત્‍યારે આ નાજુક તંતુ પર આ આખી ફિલ્‍મ નિર્માણ પામી છે. આ પહેલા ‘કસુંબો', ‘વીકકીડાનો વરઘોડો', ‘થઇ જશે' જેવી ફિલ્‍મોમાં પણ કામ કર્યુ છે. પરંતુ ‘વાર તહેવાર' મારા રマદયની સ્‍પર્શી ગઇ છે.

ફિલ્‍મમાં રોબોટીક એન્‍જીનીયર શુભ મહેતાનું પાત્ર ભજવતા અને આ પહેલા ‘હું અને તુ', ‘થર્ટી ફસ્‍ટ' જેવી ફિલ્‍મોમાં અભિનય આપી ચુકેલા પરિક્ષિત ટમાલીયાએ જણાવેલ કે આ ફિલ્‍મમાં મે રોબોટીક એન્‍જીનીયરનું પાત્ર કર્યુ છે. જે રોબોટ સાથે કામ કરીને પોતે જ રોબોટ જેવો બની જાય છે. જીવન જ યંત્રવત બની જાય છે. પણ વાસ્‍તવીકતા જુદી હોય છે. પરિવારને પણ સમય આપવો પડે તે તેને  ફીલ થાય છે અને પછી ફિલ્‍મ નવો વળાંક લ્‍યે છે.

એક દિકરીના વાલી કમલ પાઠક તરીકેના પાત્રને ન્‍યાય આપનાર ખુબ જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયાએ જણાવેલ કે   દીકરી હોય તે પરિવાર હર્યો ભર્યો રહે છે. દીકરી જ મોટો તહેવાર હોય છે. આવી દીકરીને ઘરમાંથી લાડકોડથી વિદાય આપવાની તૈયારીમાં તેના મા-બાપ જીવનભર મથતા રહે છે. ગંભીર જવાબદારી શું કહેવા તે આ ફિલ્‍મમાં દર્શકોને સ્‍પર્શ થશે.

ઉપરાંત હાલ ગુજરાતી ફિલ્‍મોનો જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તે વાતને લઇને ટીકુ તલસાણીયાજીએ જણાવેલ કે વધારે વધારે લોકો ગુજરાતી ફિલ્‍મો જોતા થશે તો વધુ સારી ફિલ્‍મો બનતી થશે. વધારે લોકોને કામ પણ મળશે આપણી ભાષાનું આપણે જતન નહીં કરીએ તો કોણ કરશે?

પ્રોડયુસર મનિષ દેશાઇએ જણાવ્‍યુ હતુ કે ઓગષ્‍ટમાં તહેવારોનો સમય છે અને એવા મોકે જ તહેવારના વિષય વસ્‍તુને લઇને બનેલી ફિલ્‍મ ‘વાર તહેવાર' રીલીઝ થવા જઇ રહી છે. એટલે દર્શકોને જરૂર પસંદ પડશે. ફિલ્‍મનું શટીંગ અમે અમદાવાદ અને આસપાસના સ્‍થળોએ કર્યુ છે. ફિલ્‍મમાં ‘તારી સાથે હરદીન હરપળ વાર તહેવાર' ટાઇટલ સોંગ ઉપરાંત હોળીના ગીત સહીત ચારેક ગીતો આવરી લેવાયા છે.

ચિન્‍મય પી. પુરોહિત લિખિત અને દિગ્‍દર્શીત આ ફિલ્‍મ માંગલ્‍ય મીડિયા એન્‍ડ એન્‍ટરટેઇનમેન્‍ટ એલએલપીના બેનર હેઠળ બની છે. મનીષ દેસાઇ અને રીટા દેસાઇ પ્રોડયુસર છે. અન્‍ય કલાકારોમાં અરવિંદ વદ્ય, આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્‍પેશ પટેલ, કલ્‍પના ગગદેકર, ભુમિકા પટેલે પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે ફિલ્‍મ ‘વાર તહેવાર'ની વિગતો વર્ણવતા એમ. મોનલ ગજજર, પરિક્ષિત ટમાલીયા, ટીકુ તલસાણીયા, મનિષ દેસાઇ નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:10 PM IST)