News of Monday, 22nd July 2024
આજીડેમમાં ન્હાવા પડી ‘મોજ' માણનારા ૭ શખ્સોને પોલીસ સ્ટેશનના ‘દર્શન' કરાવાયા
રાજકોટમાં નદી, તળાવ, ડેમ સહિતના જળાશયોમાં ધૂબાકા મારતાં પહેલા વિચાર કરજો પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ઇન્ચાર્જ પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને ટીમની ભાવેશ, ધર્મેશ, મુકેશ, કલ્પેશ, વિજય, પ્રવિણ, રાકેશ સામે ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: ચોમાસામાં રાજ્યભરમાં નદી નાળા તળાવો ડેમો સહિતના જળાશયોમાં પાણીની આવક થતાં આવા સ્થળોએ ન્હાવાની ઇચ્છા અમુક લોકો રોકી શકતાં નથી. પણ ઘણીવાર આવા જળાશયો જીવલેણ બની જતાં હોય છે. ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જાહેરનામુ બહાર પાડી નદી, તળાવો, ડેમ સહિતના જળાશયોમાં ભયજનક રીતે અંદર ઉતરવા અને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. આમ છતાં આજીડેમમાં ગઇકાલે ૭ શખ્સો ન્હાવાની મજા માણવા પડયા હોઇ પોલીસે પકડી લઇ ગુનો નોંધી પોલીસ સ્ટેશનના દર્શન કરાવ્યા હતાં.
શહેરમાં જુદી-જુદી જગ્યાઓએ નદી, તળાવો, નહેર વિગેરે ભયજનક સ્થળોએ કોઇ પણ વ્યક્તિઓ/પ્રવાસીઓને અંદર ઉતરવા પર ન્હાવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયુ હોઇ જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહીલ, ડીસીપી સજ્જનસિંહ પરમાર તથાએસીપી બી.વી. જાદવએ આ જાહેરનામાનો અમલ કરાવવા સુચના આપી હોઇ આજીડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા અને ટીમે રવિવારે આજીડેમના ઉંડા જળાશયમાં ભયજનક રીતે નહાવા પડેલ સાત શખ્સોને પકડી જાહેરનામાના ભંગના અલગ અલગ સાત ગુન્હા દાખલ કરી કાર્યવાહી કરી હતી.
પકડાયેલા શખ્સોમાં પ્રવિણ વિજયભાઇ ચાવડા (ઉ.૪૦ રહે. કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર, કલ્પેશ હેમંતભાઇ બારૈયા (ઉ.૨૫ રહે.માંડાડુંગર મહાકાળી મંદિર વાળી શેરી), ભાવેશ પ્રતાપભાઇ ચૌહાણ (ઉ.૨૫ રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર), ધર્મેશ દલસુખભાઇ યાદવ (ઉ.૩૩ રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર, વિજય દેવજીભાઇ ચાવડા (ઉ.૩૦ રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર, રાકેશ ટીડાભાઈ વાધેલા (ઉ.૩૫ રહે.પરમેશ્વર શેરી નં.૦૨ અને મુકેશ કાંતીભાઇ વાઘેલા (ઉ.૨૯ રહે. શીતળાધાર શેરી નં.૦૩)નો સમાવેશ થાય છે.
આ કામગીરી આજીડેમ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ એ.જે.પરમાર, પીએસઆઇ એચ.જે. સોલંકી, હેડકોન્સ. રાજેન્દ્રસિંહ પરમાર, રવિરાજસિંહ ઝાલા, કોન્સ. હરેશભાઇ કુકડિયા તથા કુલદિપસિંહ જાડેજાએ કરી હતી.
પોલીસે જાહેર જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે-ઉંડા જળાશયોમાં ભયજનક સ્થળોએ પ્રવેશવા અંગ પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું હોઇ અને આવા સ્થળોએ પ્રવેશવાથી પોતાની જિંદગી જોખમમાં મુકાઇ શકે તેમ હોઇ જેથી આવા સ્થળઓએ કોઇએ પ્રવેશવું નહિ.
(3:13 PM IST)










