<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

ભગવતીપરામાં છોટુભાના પરિવારજનો પર ભાજપ કાર્યકર સહિતનો સશષા હુમલોઃ વાહનોમાં તોડફોડઃ સામે અજયની હત્‍યાનો પ્રયાસ

યુવતિના લગ્ન થઇ ગયા બાદ પણ મયુર મઠીયા મેસેજ કરતો હોઇ તેણીના પતિ યશપાલસિંહ સહિતે ઠપકો આપતાં ડખ્‍ખો કરાયો : છોટુભાના માસા રણજીતસિંહ જાડેજાની ફરિયાદ પરથી મયુર મઠીયા, તેના ભાઇ સાગર, ભાજપ કાર્યકર હિતેષ મઠીયા, ભરત મઠીયા અને લક્ષ્મણભાઇ મઠીયાના બે દિકરા વિરૂધ્‍ધ ગુનોઃ સામે બાંધકામના ધંધાર્થી ‘બંધુલીલા'માં રહેતાં સાગર મઠીયાની ફરિયાદ પરથી છોટુભા, તેના પુત્ર બ્રિજરાજસિંહ, જમાઇ અને છત્રપાલસિંહ વિરૂધ્‍ધ હત્‍યાની કોશિષનો ગુનોઃ હુમલામાં ઘાયલ મયુર, સાગરને હોસ્‍પિટલે લઇ જવાયા પછી આ બંનેનો પિત્રાઇ અજય હોન્‍ડા લઇને હોસ્‍પિટલે જવા નીકળતાં કોઇએ તેને માથામાં પાઇપ ફટકારતાં હેમરેજઃ બી-ડિવીઝન પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૨૨: શહેરના ભગવતીપરામાં રાતે બે પરિવારો વચ્‍ચે તલવાર, ધોકા, પાઇપથી મારામારી થતાં   એક વૃધ્‍ધ તેમજ તેની સાથેના બે લોકોને ઇજા થઇ હતી. તેમજ આ પરિવારના ટુવ્‍હીલર અને કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સામે પક્ષે બે સગા ભાઇઓને અને તેના એક પિત્રાઇને પણ તલવાર, પાઇપથી ઇજા કરવામાં આવતાં પોલીસે સામ-સામે ગુના દાખલ કર્યા છે. એક પક્ષની ફરિયાદ પરથી હત્‍યાની કોશિષનો અને બીજા પક્ષની ફરિયાદ પરથી ટોળકી રચી તોડફોડ, હુમલો, ધમકીનો ગુનો દાખલ કરાયો છે. અગાઉ એક પરિવારની દિકરી અને સામા પક્ષના યુવાન વચ્‍ચે મિત્રતા હતી. પરિવારની દિકરીના લગ્ન થઇ ગયા પછી પણ સામેના પક્ષનો યુવાન મોબાઇલમાં મેસેજ કરતો હોઇ તે મામલે આ માથાકુટ થઇ હતી.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ભગવતીપરા બોરીચા સોસાયટી દરબારવાળી શેરીમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રણજીતસિંહ ખેંગારજી જાડેજા (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી નજીકની બોરીચા સોસાયટી પાસે દત્તાત્રેય સ્‍ૂકલ નજીક મેઇન શેરીમાં રહેતાં મયુર દેવાણંદભાઇ મઠીયા, સાગર દેવાણંદભાઇ મઠીયા, હિતેષ ચકુભાઇ મઠીયા અને ભરત ચકુભાઇ મઠીયા તથા લક્ષ્મણભાઇ મઠીયાના બે દિકરા મળી છ જણા વિરૂધ્‍ધ બીએનએસ કલમ ૧૧૮(૧), ૧૧૫ (૨) ૩૫૨, ૩૫૧ (૨), ૩૨૪ (૪), ૧૮૯ (૨), ૧૯૦, ૧૯૧ (૨), ૧૯૧ (૩) અને જીપીએક્‍ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો છે.

રણજીતસિંહ જાડેજાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. તેમજ બાજુમાં મારા સગા મોટા સાળી સજ્જનબાના દિકરા છોટુભા જાડેજા તેના પરિવાર સાથે રહે છે. તેમના દિકરી ધર્મિષ્‍ઠાબા (ઉ.વ.૨૪)ના હાલ લગ્ન થઇ ગયા છે. અગાઉ તેને બોરીચા સોસાયટીમાં રહેતા મયુર મઠીયા સાથે મિત્રતા હતી. પણ જે તે વખતે બંને પરિવાર વચ્‍ચે સમાધાન થઇ ગયું હતું. ૨૧/૭ના રાતે હું મારા ઘરે હતો ત્‍યારે શેરીમાં બોલાચાલીનો અવાજ થતાં બહાર નીકળીને જોતાં છોટુભાના ઘર બહાર માણસો ઉભા હતાં. હું ત્‍યાં જતાં મારા પત્‍નિ, છોટુભાના પત્‍નિ, તેનો દિકરો બ્રીજરાજસિંહ અને દિકરી ધર્મિષ્‍ઠાબા જે હાલ આટો દેવા આવ્‍યા હોઇ તે , તેણીના પતિ યશપાલસિંહ નરેન્‍દ્રસિંહ ઝાલા સહિતના હતાં. આ વખતે દેવાણંદભાઇ મઠીયાના બે દિકરા મયુર અને સાગર, તેના કાકા ચકુભાઇના બે દિકરા હિતેષ અને ભરત તથા બાજુની શેરીવાળા લક્ષમણ મઠીયાના બે દિકરા પણ હતાં. મયુર અને સાગર બંનેના હાથમાં તલવાર હતી.

ધર્મિષ્‍ઠાબાના લગ્ન થઇ ગયા હોવા છતાં અગાઉ મયુરે તેને મેસેજ કર્યા હોઇ તેમણે ઘરમાં જાણ કરતાં મયુરને ઠપકો અપાયો હોઇ તેનું મનદુઃખ રાખી રાત્રીના તેણીના પતિ યશપાલસિંહ ભગવતીપરામાં સાસરિયે આવ્‍યા હોઇ તેની જાણ મયુરને થતાં મયુર તેના સગાઓને લઇને મંડળી રચીને છોટુભાના ઘરે આવ્‍યો હતો અને ઝઘડો કરતો હતો. આ તમામ પાસે તલવાર, ધોકા હતાં. આ બધાએ બ્રિજરાજસિંહના  ટુવ્‍હીલર જીજે૦૩એચએમ-૦૨૯૯માંતોડફોડ કરી હતી. તેમજ જમાઇ યશપાલસિંહની ઇનોવા કારના કાચ ફોડી નાખ્‍યા હતાં. હું આ બધાને રોકવા જતાં મારી સાથે ગાળાગાળી કરી હતી. યશપાલસિંહને મયુરે ‘તું બહાર નીકળજે તને મારી નાખોવો છે' કહી ધમકી આાપી હતી. તેમજ તલવારનો ઘા મારવા જતાં તેમણે ડાબો હાથ આડો રાખી દેતાં છરકો થઇ ગયો હતો. દરમિયાન મીનાબા છોડાવવા છતાં સાગરે તેમને ધોકો ફટકારી દીધો હતો. બ્રિજરાજસિંહ તેમને છોડાવવા જતાં હિતેષ અને ભરત તથા લક્ષમણના બંને દિકરાએ હાથ-પગથી મારકુટ ચાલુ કરી હતી. હું છોડાવવા છતાં મયુરે તલવારનો ઘા કરતાં હું ખસી જતાં ડાબી નેણ પાસે અને ખભ્‍ભા પર ઇજા થઇ હતી.

દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ પોલીસને અને ૧૦૮ને જાણ કરતાં મને ઇજા થઇ હોઇ સારવાર માટે લઇ જતાં ચાર ટાંકા લઇ ડોક્‍ટરે રજા આપતાં ફરિયાદ કરવા બી-ડિવીઝન પહોંચ્‍યો હતો. તેમ વધુમાં રણજીતસિંહે જણાવ્‍યું હતું. હુમલો કરનારાઓમાં હિતેષ મઠીયા વોર્ડ નં. ૪ના ભાજપ કાર્યકર હોવાનું જણાવાયું હતું.

સામે પક્ષે પોલીસે ભગવતીપરા મહાકાળી સોસાયટી-૨માં બંધુલીલા મકાન ખાતે રહેતાં સાગર દેવાણંદભા મઠીયા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી છોટુભા જાડેજા, છોટુભાના દિકરા બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ અને છોટુભાના દિકરી ધર્મિષ્‍ઠાબાના પતિ વિરૂધ્‍ધ આપીસી ૧૦૯, ૧૧૮ (૨), ૧૧૫ (૨), ૩૫૨, ૫૪, ૧૩૫ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધ્‍યો છે.

સાગર મઠીયાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું બાંધકામને લગતો વ્‍યવસાય કરુ છું. મારા નાના ભાઇ મયુરના લગ્ન થઇ ગયા  છે. અગાઉ મયુરને અમારી સોસાયટીમાં રહેતાં છોટુભા જાડેજાના દિકરી સાથે મિત્રતા હોઇ અમારા બંને પરિવારને જાણ થતાં સામાધાન કરી લીધુ હતું. રવિવારે ૨૧મીએ હું મારા બાંધકામના ધંધાર્થે બેડી ગામે ગયો હતો ત્‍યારે મયુરે ફોન કરી ઘરે આવ મારી સાથે ધર્મિષ્‍ઠાબાના ભાઇ બ્રિજરાજસિંહ અને તેણીના પતિ છત્રપાલસિંહ અગાઉની માથાકુટનો ખાર રાખી ઝડઘો કરી ગાળો આપે છે.

આ વાત સાંભળી મેં મોટા બાપુના દિકરા હિતેષને ફોન કરી મયુર સાથે માથાકુટ થઇ રહી હોઇ ત્‍યાં જવા અને હું પણ પહોંચુ છું તેમ કહ્યું હતું. બાદમાં હું ભગવતીપરા ત્રિમુર્તિ ચોક ખાતે પહોંચ્‍યો હતો. ત્‍યાં મારો ભાઇ મયુર, પિત્રાઇ હિતેષ, મયુરનો મિત્ર ચિરાગ હાજર હતાં. તેમજ બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ સહિતના ગાળાગાળી કરતાં હતાં. અમારી સાથેના ચિરાગને આ લોકોએ ઢીકાપાટુ મારી ટી-શર્ટ ફાડી નાખ્‍યુ હતું. એ પછી અમે છુટા પડયા હતાં અને રાતે સાડા નવેક વાગ્‍યે હું, મારો ભાઇ મયુર, પિત્રાઇ હિતેષ, તેનો ભાઇ સંજય, મયુરનો મિત્ર ચિરાગ એમ બધા છોટુભાના ઘરે માથાકુટની વાત કરવા ગયા હતાં. આ વખતે છોટુભા, તેના દિકરા બ્રિજરાજસિંહ, છત્રપાલસિંહ , તેની દિકરીના પતિ એમ ચારેયનેઅમે સમજાવતાં હતાં ત્‍યારે છત્રપાલસિંહે ગાળો દઇ તલવારથી મને માથામાં ઘા મારી દીધો હતો. ત્‍યારબાદ ધર્મિષ્‍ઠાબાના પતિ પાસે રહેલ તલવારનો ઘા મારા ઉપર કરવા જતાં  મેં ડાબો હાથ આગળ કરતાં કોણી પાસે ઇજા થઇ હતી. નાનો ભાઇ મયુર છોડાવવા જતાં બ્રિજરાજસિંહે તલવારનો ઘા કરતાં મયુરને ગળામાં ઇજા થતાં લોહીલુહાણ થઇ ગયો હતો. છોટુભાએ અમને બધાને ઢીકાપાટુ મારી ગાળો દીધી હતી. ટોળુ ભેગુ થઇ જતાં અમને છોડાવ્‍યા હતાં. મને અને મયુરને ઇજા પહોંચી હોઇ ગોકુલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં.

 આ વખતે મારા મોટા બાપુના લક્ષમણભાઇના દિકરા અજય તથા હિતેષભાઇના દિકરા કકરણ બાઇક લઇ ઘરેથી હોસ્‍પિટલે આવતાં હોઇ આ બંનેનો અમારી સાથે ઝઘડો કરનારા અથવા તેના સગાઓએ પીછો કરી લોખંડના પાઇપથી હુમલો કરી અજયને માથામાં ઘા મારી દેતાં તેને ગંભીર ઇજા પહોંચતા તેને પણ ગોકુલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. તબિબની તપાસમાં અજયને માથામાં હેમરેજ થઇ ગયાનું જણાયુ હતું. તેનું મોત નિપજે એ પ્રકારની ગંભીર ઇજા પહોંચી હતી. અમારી સાથેના ચિરાગે તેની રીતે સારવાર લીધી હતી.

બી-ડિવીઝનના ઇન્‍ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, હીરાભાઇ રબારી, હરેશભાઇ, હેડકોન્‍સ. હિતેષભાઇ જોગડાએ બંને પક્ષની ફરિયાદ નોંધી હતી. બનાવને પગલે રાતે ભગવતીપરામાં પોલીસની ટીમો દોડી ગઇ હતી અને મામલો થાળે પાડવા પ્રયાસો હાથ ધર્યા હતાં. બંને પક્ષની ફરિયાદ દાખલ કરી આગળ તપાસ યથાવત રાખવામાં આવી છે.

(3:51 PM IST)