તા. ૧૯ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ - ૪ મંગળવાર
News of Monday, 22nd July 2024
રાજકોટ મહાનગર પાલિકાને સુપરસિડ કરોઃ કોંગ્રેસની ફરી રજૂઆતઃ કાનુની ચીમકી
વહીવટદાર શાસન લાગુ કરવા વિપક્ષની માંગઃ શાસકોને રાજીનામા આપવા આગેવાનોનો પડકારઃ કોર્પોરેશનમાં વાર્ષિક બજેટની રકમ કરતા બમણી રકમનો વાર્ષિક ભ્રષ્ટાચારઃ કોંગ્રેસનો આરોપ

રાજકોટ તા. રરઃ શહેરમાં થયેલ અગ્નિકાંડ દુર્ઘટનાને આગામી તા. રપ જુલાઇએ બે મહિના પૂર્ણ થશે છતાં મૃતકો-પિડીતોના પરિવારને આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી. હાલ સુધીમાં ફકત અધિકારીઓની બદલી, સસ્પેન્ડ તેમજ ધરપકડ જેવી ધોરણસરની કાર્યવાહીઓ થઇ છે પરંતુ તમામ કાર્યવાહી ફકત અધિકારીઓ અને ઇજનેરો સામે જ થઇ છે. અગ્નિકાંડ માટેની મુખ્ય જવાબદારી તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જ થાય ત્યારે અગ્નિકાંડ મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરસીડ કરવા કોંગ્રેસનો આગેવાનો દ્વારા મ્યુનિ. કમિશ્નર દેવાંગ દેસાઇ શહેરી વિકાસે સચિવને રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે આજે બપોરે મ્યુનિ. કમિશ્નરને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, યુનુસભાઇ જુણેજા, સલીમભાઇ કારીયાણી, મેઘજી રાઠોડ, ધરમ કાંબલિયા, ડી. પી. મકવાણા, કૃષ્ણદત્ત રાવલ, સંજય લાખાણી, વશરામ સાગઠીયા, કોમલબેન ભારાઇ, મકબુલ દાઉદાણી, ભાનુબેન સોરાણી, દિપ્તિબેન સોલંકી, નયનાબા જાડેજા, મનિષાબા વાળા, રાજદિપસિંહ જાડેજા, રણજીત મુંધવા, સુરેર બથવાર, ગૌરવ પુજારા, ગીરીશ ધરસણિયા, સંજય અજુડિયા, પ્રભાત ડાંગર, સુરેશ ગરૈયા, ઘનશ્યામસિંહ જાડેજા, સહિતના સર્વે પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક, તમામ ૧પ પેટા કમિટિઓના ચેરમેન સહિત શાસક પક્ષ ભાજપના તમામ ૬૮ કોર્પોરેટરો અગ્નિકાંડ મુદે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલીક રાજીનામું આપે.
મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થતા અનેકના કરૂણ મોત નિપજયા હતા ત્યારે મોરબી નગરપાલિકા સુપરસીડ કરી શાસકોને ઘર ભેગા કરાયા હતા તો રાજકોટમાં અગ્નિકાંડ અને બેફામ ભ્રષ્ટાચાર બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને શા માટે સુપરસીડ ન કરી શકાય? હાઇકોર્ટમાં પી.આઇ.એલ. દાખલ કરવા કોંગ્રેસની તૈયારી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાર્ષિક બજેટની કુલ રકમ કરતા વધુ ભ્રષ્ટાચાર કોર્પોરેશનના કામો, મંજુરીઓ, પરવાનગીઓ મેળવવા, ડિમોલિશન કરવા અને નહીં કરવા જેવા કામોમાં થાય છે. તેવો કોંગ્રેસનો આક્ષેપ છે.
(4:08 PM IST)










