News of Monday, 22nd July 2024
સફાઇ-બાંધકામ વેસ્ટ શહેરીજનો માટે પ્રાણ પ્રશ્નઃ પ૩ ફરિયાદ
મનપા દ્વારા મેયર તમારે દ્વારે લોક દરબારનો પ્રારંભઃ વોર્ડ નં. ૧ માં પદાધિકારીઓ-અધિકારીઓએ લોકોની મુશ્કેલી સાંભળી : કાલે વોર્ડ નં. ર કાર્યક્રમઃ આજે યોજાયેલ આયોજનમાં કુલ ૯ વિભાગના ૮ર પ્રશ્નોનો ધોધઃ સમસ્યા હલ કરવા ખાત્રી

રાજકોટ, તા. રર : મનપા દ્વારા આજે વોર્ડ નં. ૧ માં મેયર તમારા દ્વારે લોક દરબારનો શુભારંભ થયો હતો. આ લોકદરબારમાં વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારના મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગના કુલ -૮ર પ્રશ્નો રજુઆતો કરી હતી. આ સમસ્યા ઉકેલવા તંત્રવાહકોએ ખાત્રી આપી હતી.
કાલે તા. ર૩ મંગળવારના સવારે ૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં. રમાં મેયરશ્રી તમારા દ્વારે કાર્યક્રમ યોજાશે.
મહાનગરપાલિકા દ્વારા મેયર માન.શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડવાઈઝ મેયરશ્રી તમારા દ્વારેઙ્ઘ(લોક દરબાર)નું તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૧૩/૦૮/૨૦૨૪ દરમ્યાન વોર્ડવાઈઝ સવારે ૦૯ થી ૧૧ કલાક સુધી આયોજન કરેલ છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત આજ તા.૨૨ સોમવારના રોજ સવારે ૦૯થી ૧૧ દરમ્યાન વોર્ડ નં.૧માં ધરમનગર કો.ઓપ.હા.સોસા. પ્લોટ, ધરમનગર સોસાયટી શેરી નં.૩ના ખૂણે, ર્સ્ટલિંગ હોસ્પિટલ પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો.
આ લોક દરબારમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરેલ. કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, ડૉ. અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા દ્વારા મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ વડે સ્વાગત કરવામાં આવેલ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મંચસ્થ મહાનુભાવોનું અને વોર્ડ નં.૧ના નાગરિકોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવેલ કે, વર્ષ ૨૦૦૫થી પૂર્વ મેયર ડૉ.ધનસુખભાઈ ભંડેરી દ્વારા લોક દરબાર શરૂ કરી એક પહેલ કરવામાં આવેલ હતી કે, ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાની વચ્ચે જઈ પ્રજાના પ્ર‘ો અને રજુઆતો સાંભળી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવે. આ પહેલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ સુધી યથાવત રાખવામાં આવેલ છે. મેયરશ્રીની અધ્યક્ષતામાં વોર્ડવાઈઝ દરરોજ સવારે ૦૯: થી ૧૧ દરમ્યાન લોકોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ આવે તે માટે ઙ્કલોક દરબારઙ્ઘ યોજાશે. આ એક પ્રકારનો સેવાકીય યાત્રાનો રથ છે જેનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલ યાત્રામાં વધુને વધુ નાગરિકો લાભ ઉઠાવે તેવી અપીલ કરું છું. આ કાર્યક્રમની આભારવિધિ શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ.
આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.૧ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૮૨ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નોનો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે.
પ્રશ્નોની છડી વરસાવતા વોર્ડવાસીઓ
શાખા/ વિભાગનું નામ સંખ્યા
૧. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ર૮
ર. રોશની ૩
૩. ડ્રેનેજ ૪
૪. બાંધકામ રપ
પ. ટી.પી. ૬
૬. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ૩
૭. દબાણ હટાવ ૬
૮. ગાર્ડન ૧
૯. પરચુરણ ફરીયાદ ૬
કુલ -૯ વિભાગને લગત-૮ર
આવતીકાલ તા.૨૩ને, મંગળવારના રોજ સવારે ૦૯ થી ૧૧ દરમ્યાન વોર્ડ નં.૨માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૨-અ, ગીત ગુર્જરી સોસા., રામેશ્વર ચોક પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે મેયરશ્રી તમારા દ્વારે (લોક દરબાર) કાર્યક્રમ યોજાશે.
આ લોક દરબાર કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડૉ.માધવ દવે, વોર્ડ નં.૧ના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરજરીયા, હિરેનભાઈ ખીમાણીયા, નાયબ કમિશનર સી.કે.નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી, ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ, આસી.કમિશનર સમીર ધડુક, ઈ.ચા.ડાયરેક્ટર પાર્કસ એન્ડ ગાર્ડન આર.કે.હીરપરા, સિટી એન્જીનિયર બી.ડી.જીવાણી, વોર્ડ નં.૧નાં ઈ.ચા.એન્જીનિયર એમ.બી. ગાવિત, એ.ટી.પી. મનોજ શ્રીવાસ્તવ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, નાયબ કાર્યપાલક ઈજનેર (રોશની) બીરજુ મહેતા, ઈ.ચા.મેનેજર ફાલ્ગુની કલ્યાણી, વોર્ડ ઓફિસર મહેશ મુલીયાણા, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, મેનેજર કૌશિક ઉનાવા, પી.એસ.ટુ મેયર અને મેનેજર વી.ડી.ઘોણીયા, અન્ય કર્મચારીઓ, વોર્ડ નં.૧ના પ્રભારી કાથડભાઈ ડાંગર, પ્રમુખ કાનાભાઈ ખાણધર, મહામંત્રી નાગજીભાઈ વરૂ તથા વોર્ડના બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. (૯.૪૦)
રવિ રેસીડેન્સી-ઋષી વાટીકા સોસા. પાછળકચરાના ઢગલા તાકિદે સાફ કરવા સુચના
વોર્ડ નં. ૧ના લોકદરબારમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન તથા સ્ટે. ચેરમેન જયમીનભાઇની કડક તાકિદથી લોકોમાં ખુશાલી
રાજકોટ તા. રરઃ શહેર ભાજપ દ્વારા વોર્ડવાઇઝ મેયર તમારે દ્વાર લોક દરબાર કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નં. ૧માં ધરમનગર ખાતે યોજાયેલ લોક દરબાર કાર્યક્રમમાં રવિ રેસીડેન્સી તથા ઋષી વાટીકા સોસાયટીના આગેવાનોએ સોસાયટી પાછળ લોકોના આરોગ્ય માટે જોખમકારક વર્ષોથી પડેલા ર૦૦થી રપ૦ ડમ્પર થાય તેટલા કચરાઓના ઢગલા દુર કરવા લેખીત રજુઆત કરતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મેયર નયનાબેન પેઢડીયા તથા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ કોર્પોરેશનના અધિકારીઓને તાકિદે આ કચરાના ઢગલા દુર કરવા કડક સૂચના આપી હતી. શહેર ભાજપ પ્રમુખ તથા કોર્પોરેશનના પદાધિકારીઓની ત્વરીત કાર્યવાહીથી બન્ને સોસાયટીના રહીશોમાં ખુશાલી વ્યાપી ગઇ છે.
રવિ રેસીડેન્સી સોસાયટી તથા ઋષી વાટીકા સોસાયટીના આગેવાનોએ ઉકત સ્થળેથી કચરાના ઢગલાઓ દુર કરી ધરમનગર મેઇન રોડથી દ્વારકેશ પાર્કનો રસ્તો જે બંધ છે તે તાકિદે ચાલુ થાય તો આ સ્થળે ફરી કચરાના ઢગલાઓ કોઇ ન નાંખે તેવી રજુઆત કરી હતી. તેમજ રવિ રેસીડેન્સી સોસાયટીના ચારેય ગેઇટ પાસે સ્ટ્રીટ લાઇટ નાંખવા અને અગાઉ સોસાયટીમાં જાહેર રસ્તામાં ગેરકાયદે બાંધકામો અંગે રજુઆત થઇ છે તે અંગે તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
આ રજૂઆતમાં રવિ રેસીડેન્સી સોસા.ના પ્રમુખ ઘનશ્યામભાઇ ગીડા, અરજણભાઇ કેશવાલા, એડવોકેટ રાજભા ઝાલા, જયપ્રકાશભાઇ રાવલ, દિપેનભાઇ સૃૂચક, કિરીટભાઇ પંડયા, યજ્ઞેશભાઇ જોષી તથા ઋષીવાટીકા સોસાયટીના કેતનભાઇ લખતરીયા સહિતના આગેવાનો જોડાયા હતાં. (૭.૩પ)
અમે તો એક જ કોર્પોરેટરને ઓળખીએ છીએઃ ૪ તો આજે હાજર છેઃ સ્થાનીકોની રાવથી ખળભળાટ
સફાઇ પણ કાર્યક્રમ સ્થળ અને આસપાસ જ છે, બાકી તો કચરાના ઢગલાઃ ઝોન-વોર્ડ ઓફીસે અધિકારીઓ પુરો સમય હાજર નથી હોતાઃ વિસ્તારવાસીઓએ મોઢે-મોઢે ચોપડાવતા લોક દરબારમાં હડકંપ
રાજકોટ તા. રરઃ આજથી મનપા દ્વારા તમામ ૧૮ વોર્ડમાં લોક દરબારનો વોર્ડ નં. ૧૧થી પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે પદાધિકારીઓ-અધિકારીઓની હાજરીમાં જ વિસ્તારવાસીઓ દ્વારા ફરિયાદો અને મુશ્કેલીનો પહાડ ઉભો કરી દેતા તેઓ અવાચક બની ગયા હતા.
વોર્ડ નં. ૧ ના લોક દરબારમાં સ્થાનીકોએ કોર્પોરેટરોની સક્રીયતા સામે ભારે રોષ વ્યકત કર્યો હતો. વિસ્તારના એક મહિલાએ ૪ કોર્પોરેટર અત્યારે હાજર હોવાનું પણ અમે તો ફકત એક ને જ ઓળખતા હોવાનું જણાવતા લોક દરબાર મૂક દરબાર બની ગયો હતો. તંત્રવાહકોને નિચા જોવા જોણું થયાનું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.
ઉપરાંત અન્ય રહેવાસીઓએ ઝોન અને વોર્ડ ઓફીસમાં પણ અધિકારી પુરતો સમય હાજર ન હોવાની ફરિયાદ ઉઠાવતા સ્થળ પર હાજર મ્યુ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે ગંભીર નોંધ લેવામાં આવી હતી.
મનપાને જાણે પ્રથમ ગ્રાસે જ મક્ષીકા આવી હોય તેમ લોક દરબારના પ્રથમ વોર્ડમાં જ સફાઇ અંગે સૌથી વધુ ફરિયાદો મળી હતી. સાથે કાર્યક્રમ સ્થળ અને પ૦૦ મીટર આસપાસ જ બધું ચોખ્ખું ચણાંક છે પણ થોડે દુર જતા ગંદકી, કચરો તેમનો તેમ જ હોવાનું એક નિવાસી દ્વારા મોઢે-મોઢ ચોપડાવી દેવામાં આવ્યું હતું.
(4:09 PM IST)










