<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

૯.૮૫ લાખનું એમડી ડ્રગ્‍સ પકડાયું: ‘માલ' આવે એટલે સાહિલ વ્‍હોટ્‍સએપમાં ‘પડીકી'નો ફોટો મુકી ગ્રાહકોને જાણ કરતો'તો

મહિલા પેડલર સહિતના જેલભેગા થયા બાદ સાહિલે મિત્ર પાર્થ સાથે મળી પોતે જ મુંબઇની ટ્રીપ મારવાનું શરૂ કર્યુ'તું: અગાઉ પણ બે વખત માદક પદાર્થ લાવીને વેંચી માર્યો હતોઃ રાજકોટમાં દારૂ પછી ડ્રગ્‍સના બંધાણીઓમાં ચિંતાજનક રીતે વધારોઃ મોટા ભાગના ટીનેજર્સ અને યુવાનો : શહેર એસઓજી પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ ડી. પી. ગોહિલની ટીમે ૧૫૦ રીંગ રોડની ભક્‍તિ સોસાયટીમાં ફલેટમાં દરોડો પાડી સાહિલ સોઢા અને જસદણ તાલુકા ભાજપના આગેવાનના પુત્ર પાર્થને દબોચ્‍યાઃ પડીકી બનાવવની કોથળીઓ, ચમચી, બે વજનકાંટા પણ કબ્‍જે : હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. હાર્દિકસિંહ પરમારની બાતમી પરથી સફળ દરોડો : સાહિલ લોકડાઉન વખતે નશાના રવાડે ચડયો હતોઃ જીમમાં જતો હોઇ પાર્થ સાથે મિત્રતા થતાં તે પણ બંધાણી બન્‍યોઃ હવે બંને પેડલર બની ગયાઃ મુંબઇ વસઇથી ૧.૯૮ લાખમાં ડ્રગ્‍સ લાવ્‍યા હતાં: જેની આંતરરાષ્‍ટ્રીય કિંમત ૯.૮૫ લાખ જેવી થાય : એમ.ડી.નો નશો એકવાર કરે તેને ૪૮ કલાકમાં ફરી નશો કરવો જ પડેઃ નશેડીઓ કદી પણ પેડલરની બાતમી ન આપે

રાજકોટ તા. ૨૪:  શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થ એમડી ડ્રગ્‍સ સાથે બે શખ્‍સને પકડી લીધા છે. બાતમીના આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ પર ભક્‍તિધામ સોસાયટી સાગર પાર્ટી પ્‍લોટ પાસે ભક્‍તિધામ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૯માં દરોડો પાડી બે બોડી બિલ્‍ડર મિત્રો સાહિલ ઉર્ફ નવાબ અયુબભાઇ સોઢા (ઉ.વ.૨૪-રહે. ખોડિયારનગર-૧૫, હૈદરી મસ્‍જીદ પાછળ) તથા પાર્થ દેવકુભાઇ મકવાણા (ઉ.વ.૨૧-રહે. ભક્‍તિધામ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૯)ને પકડી લઇ રૂા. ૯,૮૫,૦૦૦નું ૯૮.૫૪ ગ્રામ એમડી ડ્રગ્‍સ કબ્‍જે કરી માલવીયાનગર પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો છે. તપાસમાં ખુલ્‍યા મુજબ લોકડાઉનમાં ડ્રગ્‍સના નશાના રવાડે ચડી ગયેલો સાહિલ ઉર્ફ નવાબ બાદમાં જીમમાં જતો હોઇ ત્‍યાં પાર્થ સાથે મિત્રતા થયા બાદ પાર્થ પણ નશાના રવાડે ચડયો હતો. શહેરમાં મહિલા પેડલર સહિતના હાલ જેલહવાલે હોઇ સાહિલે જ મિત્ર પાર્થ સાથે મળી મુંબઇથી એમડી લાવવાનું અને વેંચવાનું ચાલુ કર્યુ હતું. ‘માલ' આવી જાય પછી તે બાંધેલા ગ્રાહકોને વ્‍હોટ્‍સએપમાં ‘પડીકી'નો ફોટો મુકીને જાણ કરતો હતો.

શહેરમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા ‘સે નો ટુ ડ્રગ્‍સ'  મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા શખ્‍સો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચૌહાણ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા અને કોન્‍સ. હાર્દિકસિંહ પરમારને મળેલી બાતમી પરથી ભક્‍તિધામ સોસાયટી ૧૫૦ ફુટ રિંગ રોડ અમૃત સાગર પાર્ટી પ્‍લોટ ભક્‍તિધામ એપાર્ટમેન્‍ટ ફલેટ નં-૧૯માં દરોડો પાડી બંને મિત્રો સાહિલ ઉર્ફ નવાબ અને પાર્થને એમડી ડ્રગ્‍સ સાથે પકડી લઇ બે મોબાઇલ ફોન, એક નાનો વજન કાંટો, એક મોટો વજન કાંટો, નાની ચમચી, એમડી પેક કરવા માટેની નાની મોટી વેક્‍યુમ પેક ખાલી કોથળીઓ ૧૦૭ નંગ, એક રોકર્ઝ  ૩૩૦ લખેલુ બોક્‍સ મળી કુલ રૂા. ૧૦,૦૫,૬૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પ્રાથમિક પુછતાછમાં સાહિલ અને પાર્થએ જણાવ્‍યું હતું કે પોતે જ મુંબઇ જઇ વસઇ વિસ્‍તારમાંથી આ એમડી ડ્રગ્‍સ એક લાખ અઠ્ઠાણુ હજારની કિમતથી ખરીદી લાવ્‍યા હતાં. તેની પડીકીઓ બનાવીને ૨૫૦૦-૨૫૦૦ લેખે બાંધેલા ગ્રાહકોને વેંચવાની હતી. અગાઉ પણ આ રીતે બે વખત મુંબઇની ટ્રીપ મારી આવ્‍યા હતાં. સાહિલ નવ ચોપડી ભણેલો છે અને તેના પિતા અગાઉ દારૂમાં પકડાઇ ગયા છે. જ્‍યારે પાર્થએ બીસીએ સુધી અભ્‍યાસ કર્યો છે અને તેના પિતા જસદણ તાલુકામાં ભાજપના આગેવાન છે. સાહિલ અને પાર્થ બંને જીમમાં બોડી બિલ્‍ડીંગ માટે જતાં હોઇ સાહિલ મોટે ભાગે પોતાના બાંધેલા ગ્રાહકોને જ ડ્રગ્‍સ વેંચતો હતો. એક પડીકીએ સાતસોથી આઠસોનો નફો થતો હોઇ જેથી પોતાનો ખર્ચો કાઢવાની સાથે સાથે પોતાના નશાના રૂપિયા પણ રળી લેતાં હતાં.

 પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, ડીસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની રાહબરી હેઠળ પીઆઇ   જે.એમ.કૈલા, પીએસઆઇ ડી.પી.ગોહેલ, હેડકોન્‍સ. ઈન્‍દ્રસિંહ જાડેજા, હેડકોન્‍સ. ધનશ્‍યામસિંહ ચૌહાણ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, કોન્‍સ. હાર્દીકસિંહ પરમાર અને ડ્રા.કોન્‍સ ધર્મેન્‍દ્રસિંહે આ કામગીરી કરી હતી. ઉલ્લેખનિય છે કે શહેરમાં દારૂના બંધાણીઓની જેમ હવે માદક પદાર્થના બંધાણીઓ પણ વધી ગયા છે જે ચિંતાજનક બાબત છે. તેમાં પણ ટીનેજર્સ અને યુવાનો વધુ આ રવાડે ચડી ગયાનું જાણકારો કહે છે. એક વખત એમડીનો નશો કરનારને અડતાલીસ કલાક પછી ફરીથી નશો કરવો જ પડે છે. જો પદાર્થ ન મળે તો તબિયત લથડે છે અને સારવાર માટે દોડવું પડે છે.

નશેડીઓ બંધાણીઓ કદી પણ પોતે કોની પાસેથી માલ ખરીદે છે તેની માહિતી કોઇને પણ આપતા નથી. ઝડપાયેલા બંને મિત્રો પહેલી જ વખત પોલીસના હાથે આવ્‍યા છે. એમડી આવે એટલે સાહિલ વ્‍હોટ્‍સએપમાં પડીકીનો ફોટો મુકી ગ્રાહકોને જાણ કરતો હતો. મુંબઇમાં તે કોની પાસેથી ડ્રગ્‍સ લાવે છે? રાજકોટમાં કોને કોને આપે છે?  તે સહિતની તપાસ હવે થશે.

(11:13 AM IST)