<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

પત્‍નિના આડાસંબંધની ફરિયાદ કરનાર નાના ભાઇની હત્‍યાના કેસમાં પકડાયેલ આરોપી મોટાભાઇને ૧૦ વર્ષની સજા

રૈયા ગામની સીમમાં બનેલા ચકચારી કેસમાં કોર્ટ દ્વારા સાપરાધ મનુષ્‍યવધ હેઠળ સજા ફટકારી

રાજકોટ તા. ૨૪ : સાત વર્ષ પહેલા રૈયા ગામની સીમમાં વાડીએ વાવેતર કરતા ગુજરનાર મુકેશભાઈ મોહનભાઈ રોજાસરાએ પોતાની ભાભીને અન્‍ય પુરૂષ સાથે આડા સબંધો હોવાની ફરીયાદ કરતા આરોપી મોટા ભાઈ રાજુભાઈ મોહનભાઈ રોજાસરા ઉ.વ. ૪૫ એ ગુજરનારને બોલેરો વાહનની હડફેટે લઈ હત્‍યા કરતા રાજકોટના પ્રિન્‍સીપાલ સેશન્‍સ જજ શ્રી વી. બી. ગોહીલે આરોપીને દશ વર્ષની સખ્‍ત કેદની સજા અને રૂપીયા દશ હજારનો દંડ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે રાજકોટની ભાગોળે રૈયા ગામની સીમમાં પોતાની વાડીએ વાવેતર કરતા મુકેશભાઈ મોહનભાઈ રોજાસરાને ખ્‍યાલ આવેલ કે તેમના ભાભીને ગામના વ્‍યકિત દેવાભાઈ સાથે આડા સબંધો છે. આથી મુકેશભાઈએ આ બાબતની જાણ પિતાને કરી જણાવેલ હતુ કે ભાભીની દીકરીના હાલમાં લગ્ન છે તેથી આવા સબંધો યોગ્‍ય ન કહેવાય. આરોપી રાજુ ઉર્ફે રાજાભાઈ મોહનભાઈ રોજાસરાને આ બાબતે ગુજરનાર સાથે ઝઘડો થયેલ અને જણાવેલ કે તેઓ કુટુંબની આબરૂને ઉછાળે છે. તા. ૫/૦૭/૨૦૧૭ ના રોજ ગુજરનાર પોતાની વાડીએ હતા ત્‍યારે સમ્‍પમાંથી પાણી આવવાનું બંધ થતા તેઓ પોતાનું મોટર સાયકલ લઈને કૂવા તરફ જઈ રહેલ હતા. આ સમયે ગુજરનારના પત્‍ની પણ વાડીએ હાજર હતા અને તેણીએ જોયેલ કે તેમના પતિના મોટર સાયકલની પાછળ આરોપી રાજુ રોજાસરા બોલેરો યુટીલીટી વાહન પુર ઝડપે ચલાવીને ગુજરનારની પાછળ જઈ રહેલ છે.

આ બાબતની જાણ કરવા માટે ફરીયાદી પત્‍નીએ ગુજરનાર પતિને ફોન કરેલ પરંતુ ફોન સ્‍વીચ ઓફ આવેલ. આથી ફરીયાદી પત્‍ની દોડીને કૂવા તરફ ગયેલા ત્‍યારે તેમના પતિની લાશ મોટર સાયકલની બાજુમાં પડેલ હતી અને મોટર સાયકલમાં ઘણુ બધુ નુકસાન થયેલ હતુ. આ કારણે ફરીયાદી પત્‍નીએ પોલીસમાં ફરીયાદ કરી જણાવેલ કે તેમના પતિનું અકસ્‍માત થયેલ નથી પરંતુ તેમના મોટા ભાઈ આરોપી રાજુ રોજાસરાએ ઈરાદા પૂર્વક વાહનથી તેમના પતિનું મોત નિપજાવેલ છે.

આ કેસમાં પુરાવો નોંધાયા બાદ આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ કે લાશનું પોસ્‍ટમોર્ટમ કરનાર ડોકટરની ખૂદની જુબાની પ્રમાણે ગુજરનારનું મળત્‍યુ વાહન અકસ્‍માતથી થઈ શકે તેમ હતુ, તેથી આરોપીને હત્‍યાના ગુન્‍હા સબબ તકસીરવાન ઠરાવી શકાય નહીં.

શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરાએ રજુઆત કરેલ હતી કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં જે જગ્‍યાએ અકસ્‍માત થયેલ છે તે રસ્‍તો કાચો અને સાંકડો હોવાથી ફોરવ્‍હીલ વાહન અતીશય સ્‍પીડમાં ચાલી શકે તેમ ન હોવા છતાં આરોપી ફુલ સ્‍પીડમાં ફોરવ્‍હીલ વાહન ચલાવીને ગુજરનારની પાછળ જઈ રહેલ હતા. તેથી, આકસ્‍મીક રીતે આવો અકસ્‍માત થાય તે અશકય છે. આ ઉપરાંત આટલા સાંકડા રસ્‍તામાં અતીશય સ્‍પીડે વાહન ચલાવવા પાછળ કોઈનું ઈરાદાપૂર્વક મળત્‍યુ નિપજાવવાનો જ ઉદ્દેશ હોઈ શકે.

આ કેસની ખાસીયત એ છે કે મોટાભાઈએ અતીશય સ્‍પીડમાં વાહન ચલાવી નાનાભાઈના મોટર સાયકલ સાથે પાછળથી ભટકાડેલ છે તે સાબીત કરે છે કે આવુ કળત્‍ય અકસ્‍માત નહીં પરંતુ ઈરાદાપૂર્વકની હત્‍યા છે. આ ઉપરાંત આરોપી મોટો ભાઈ થતો હતો પરંતુ આ વિસ્‍તારમાં ફોરવ્‍હીલ ગાડી લઈને આવવા માટેનો કોઈ ઉદ્દેશ સમગ્ર બચાવ દરમ્‍યાન લેવામાં આવેલ નથી. આ હકીકત પણ આરોપીનું ગુનાહીત માનસ સ્‍પષ્ટ કરે છે. શ્રી સરકાર તરફેની આ રજુઆતને અંતે પ્રિન્‍સીપાલ સેશન્‍સ જજ શ્રી વી. બી. ગોહિલે આરોપી રાજુભાઈ ઉર્ફે રાજાભાઈ મોહનભાઈ રોજાસરાને સાપરાધ મનુષ્‍ય વધના ઈરાદાપૂર્વકના આચરેલ ગુન્‍હા સબબ દશ વર્ષની સખત કેદની સજા અને રૂપીયા દશ હજારનો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ  સંજયભાઈ કે.વોરા રોકાયેલ હતા.

(3:20 PM IST)