<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

કોઠારીયા-કોટડા અને લોધિકા-ચાંદલી રોડ માટે ૫૩.૩૦ કરોડ મંજૂરઃ ભાનુબેન

રાજકોટ,તા. ૨૪: રાજકોટ, લોધિકા અને કોટડા સાંગાણીના ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવતા રોડ રસ્‍તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી તેમજ સ્‍થાનિકે વાહનોની અવર જવર પણ વધુ પ્રમાણમાં રહેતી હતી. તેથી સ્‍થાનિક પ્રજાજનોને આ ખરાબ રસ્‍તાઓને કારણે ઘણી બધી હાલાકી ભોગવવી પડતી હતી.

ગ્રામ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, રીસરફેસ, વાઈડનીંગ તેમજ મજબૂતીકરણ કરવા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવતા તેઓએ આ  રજૂઆતને ધ્‍યાને લઈ ગ્રામ્‍ય વિસ્‍તારની પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતુ માટે આ બાબત સત્‍વરે મુખ્‍યમંત્રીશ્રીના ધ્‍યાને મુકી હતી.

મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા ઔદ્યોગિક વિસ્‍તાર ધરાવતા કોઠારીયા-કોટડા સાંગાણી રોડ (૧૨.૪૨ કિ.મી) જે અગાઉ ૫.૫ મીટર રોડ ની પહોળાઈ હતી તે વધારીને ૧૦.૦૦ મીટર પહોળાઈ માટે રૂ.૩૨.૦૦ કરોડ તેમજ  લોધિકાના પીપરડી પાસે નવી જી.આઈ.ડી.સી મંજુર થતાં ઔદ્યોગિક વિસ્‍તારને અનુલક્ષીને લોધિકા-ચાંદલી-આંણદપર રોડ(૧૨.૨૦ કિ.મી) જે અગાઉ ૩.૬૬ મીટર પહોળાઈ હતી તે વધારીને ૭.૦૦ મીટર પહોળાઈ, સ્‍ટ્રકચર વાઈડનીંગ, સ્‍ટ્રેન્‍ધનીંગ, તથા પ્રોટેકશન વોલ માટે રૂ. ૨૧.૩૦ કરોડ એમ કુલ મળી રૂ. ૨૪.૬૨ કિ.મી ના રોડના નવીનીકરણ માટે રૂ. ૫૩.૩૦ કરોડની સૈધાંતિક મંજુરી આપી છે.

રાજકોટને જોડતા આ મુખ્‍ય માર્ગની મંજુરી મળતાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે તેમજ આસપાસના ગામડાઓને આનો લાભ મળશે તેમજ રાજકોટના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રજાજનોએ હર્ષની લાગણી અનુભવી હતી.

ઉકત મંજુરી મળતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા સર્વે ગ્રામજનો વતી  મુખ્‍યમંત્રીશ્રીનો આભાર માન્‍યો હતો.

(4:30 PM IST)