હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરીબ-મધ્યમવર્ગને બદલે માલેતુજારોને ફાયદો કરાવતુ બજેટ : અતુલ રાજાણી

રાજકોટ તા.૨૪ : કેન્દ્રની ભાજપ પ્રેરિત એનડીએ સરકારના નાણામંત્રીએ આજે રજૂ કરેલા દેશના વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટ અંગે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું છે કે ખુરશી બચાવાના પ્રયાસરૂપ આ બજેટમાં ખાસ કરીને ગુજરાત સહિતના રાજ્યોના ભોગે સરકારને ટેકો આપનાર સાથી પક્ષોની ખુશામત કરવામાં આવી છે. બિહારને અને આંધ્રપ્રદેશને કરોડો ફાળવી ગુજરાત સહિત દેશના રાજ્યોને નિરાશ કર્યા છે.
અનાજ, કરિયાણું, તેલ, ખાદ્ય પદાર્થો જેવી જીવનજરૂરી ચીજ વસ્તુઓ સસ્તી કરવાને બદલે સોનું સસ્તું કર્યું છે. ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગના બદલે સોનું ખરીદતા માલેતુજારોને બજેટમાં ફાયદો આપ્યો છે.
અતુલ રાજાણીએ બજેટની ભારોભાર ટીકા કરતા ઉમેર્યું છે કે આપબળે વિકસેલા રાજકોટના ઓઇલ એન્જિન ઉદ્યોગ, ઓટોપાર્ટ્સ ઉદ્યોગ અને જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે પણ બજેટમાં કંઇ આશાસ્પદ નથી, જ્યારે પીવીસી અને પ્લાસ્ટિક ઉપર ડ્યુટી વધારી મોંઘુદાટ કરતા કિચનવેર ઇન્ડસ્ટ્રીને ફટકો પડશે.
ગરીબોને અમુક બાબતોમાં સામાન્ય સબસિડી અને માલેતુજારોને રિબેટ આપ્યું છે પરંતુ મધ્યમ વર્ગને તો ઠેંગો જ આપ્યો છે. દેશમાં ઉચ્ચ શિક્ષણ બેફામ મોંઘુ કર્યા પછી હવે એજ્યુકેશન લોન સસ્તી કરીને કેન્દ્ર સરકારે દેવું કરીને શિક્ષણ મેળવવાની સવલત આપી ઘા ઉપર મલમપટ્ટી કરવાની કોશિષ કરી છે.
કેન્સરની દવા સસ્તી કરી છે પરંતુ ખરા અર્થમાં જીવન રક્ષક કહી શકાય તેવી દવાઓ સસ્તી કરી નથી તેમ બજેટને વખોડી કાઢતા અંતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યુ છે.










