News of Friday, 26th July 2024
ભીસ્તીવાડના નામચીન એઝાઝ ટકાએ બેડીમાં દરગાહ નજીક ‘ઘોડીપાસાનો પાટલો' માંડયો'તોઃ ૮ પકડાયા
ગુજસીટોકમાં પકડાયા બાદ તાજેતરમાં જામીન પર છુટેલા ગેંગલીડર ‘ટકા'એ પાંચેક દિવસથી શહેરથી દૂર જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ હતું: ડીસીપી સજ્જનસિંહ પરમારની એલસીબી ઝોન-૧ ટીમ ત્રાટકતાં નાસભાગ મચી ગઇ : ૩ ભાગી ગયાઃ વાહનો નજરે ન ચડે તે માટે દૂર પાર્ક કર્યા હતાં: રોકડા, નવ મોબાઇલ, સાત વાહનો મળી ૩,૦૦,૩૦૦નો મુદ્દામાલ કબ્જે : પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને ટીમનો દરોડોઃ મનરૂપગીરી, સત્યજીતસિંહ અને દિવ્યરાજસિંહની બાતમી : ગુજસીટોકના ગુનામાં જે ગેંગ લિડર હતો તે એઝાઝ ઉર્ફ ટકોઅગાઉ અપહરણ-બળાત્કાર, રાયોટીંગ, જૂગાર, લૂંટ, મારામાી સહિતના ૧૫ ગુનામાં સામેલઃ સાથેનો હાજી જુણેજા પણ ૧૩ ગુનામા, યુસુફ ઉર્ફ બકરો, ઇમ્તિયાઝ ઉર્ફ ઠુઠો, પરેશ ઝાલા અને તુષાર લીડીયા પણ અલગ અલગ ગુનાઓમાં સામેલ

એઝાઝ ટકાના ઘોડીપાસામાંથી પકડાયેલા અન્ય સાત શખ્સો, કબ્જે થયેલા મોબાઇલ ફોન અને વાહનો નજરે પડે છે
રાજકોટ તા. ૨૬: ભીસ્તીવાડમાં રહેતાં અને ગેંગ બનાવી ગુનાખોરી આચરતાં તેમજ ગુજસીટોક હેઠળ આખી ટોળકી સાથે જેલની હવા ખાઇ ચુકેલા નામચીન એઝાઝ ઉર્ફ ટકાએ રાજકોટની ભાગોળે બેડી ગામ નજીક આવેલી દરગાહ પાસે ચાર પાંચ દિવસથી ઘોડીપાસાના જૂગારનો પાટલો ચાલુ કરી દીધાની બાતમી એલસીબી ઝોન-૧ ટીમને મળતાં દરોડો પાડી એઝાઝ સહિત ૮ને પકડી લઇ રોકડ, વાહનો, મોબાઇલ ફોન મળી ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે. દરોડો પડતાં ત્રણ શખ્સ ભાગી ગયા હતાં. ઝડપાયેલામાં એઝાઝ ગુજસીટોકમાં પકડાયા બાદ તાજેતરમાં જેલમાંથી બહાર આવ્યો છે. તે અગાઉ પંદર જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. અન્ય પાંચ શખ્સો પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જાણવા મળ્યા મુજબ એલસીબી ઝોન-૧ની ટીમ દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ગુજસીટોકના ગુનામાં પકડાયા બાદ જામીન પર છુટેલા ગેંગ લીડર ભીસ્તીવાડના એઝાઝ ટકાએ બેડી ગામથી હડમતીયા જવાના રસ્તે ફાટક પછી વાડીવાળા પીરની દરગાહ નજીક જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાડવાનું ચાલુ કર્યુ છે. આ બાતમી મળતાં જ ટીમ ત્રાટકી હતી અને આઠને પકડી લીધા હતાં. ખુલ્લી જગ્યા હોઇ અને અંધારૂ હોઇ તેનો લાભ લઇ ત્રણ શખ્સો ભાગી છુટયા હતાં.
પોલીસે એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ખીયાણી (ઉ.વ.૪૪-રહે. હવા મંઝીલ, ભીસ્તીવાડ, ધંધો ડ્રાઇવીંગ), હાજી ઇસમાઇલ જુણેજા (ઉ.વ.૪૨-રહે. ખોડિયારપરા-૯, ૮૦ ફુટ રોડ, ધંધો-મજુરી કામ), સદામ ઉર્ફ ઇમુ હુશેનભાઇ શેખ (ઉ.વ.૪૮-રહે. ભગવતીપરા સુખસાગર હોલ પાછળ, ધંધો ફ્રુટનો વેપાર), યુસુફ ઉર્ફ બકરો હબીબભાઇ ઠેબા (ઉ.વ.૪૮-રહે. મોચીનગર-૨, શેરી નંબર-૨ શીતલ પાર્ક, ધંધો રિક્ષા ડ્રાઇવીંગ), મેહબુબ અલ્લારખા અજમેરી (ઉ.વ.૪૨-રહે. મેરામબાપાની વાડી શેરી નં. ૩ જામનગર રોડ, ધંધો રૂ પીંજવાનો), ઇમ્તિયાઝ ઉર્ફ ઠુઠો અલ્લારખા શેખ (ઉ.૩૦-રહે. રૂખડીયાપરા-૨, ધંધો ફ્રુટનો વેપાર), પરેશ રમેશભાઇ ઝાલા (ઉ.વ.૩૦-રહે. વિરમાયા પ્લોટ, ધંધો ડ્રાઇવીંગ) અને તુષાર રમેશભાઇ લીડીયા (ઉ.વ.૪૩-રહે. વૈશાલનીગર-૯, ધંધો મજૂરી)ને પકડી લીધા હતાં. પોલીસે રોકડા રૂા.૨૫૮૦૦, બે ઘોડીપાસા, અલગ અલગ મોબાઇલ ફોન રૂા. ૩૯૫૦૦ના અને સાત ટુવ્હીલર રૂા. ૨,૩૫,૦૦૦ના મળી કુલ રૂા. ૩,૦૦,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડો પડતાં ત્રણ શખ્સો ભાગી ગયા હતાં. તેના નામ જુમો ઠેબાપોત્રા (રહે. ભગતવીપરા), અનિલ વેલજીભાઇ ચોૈહાણ (રાજકોટ) અને જાવેદ ઉર્ફ પાઇકુ હુશેનભાઇ કુરેશી (રહે. ભગવતીપરા) હોવાનું પકડાયેલા શખ્સો મારફત પોલીસને જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પાંચેક દિવસથી એઝાઝ ઉર્ફ ટકાએ બેડીથી હડમતીયાના રસ્તે ફાટક પછી આવેલી વાડીવાળા પીરની દરગાહની નજીક આવેલી એક ઓરડીની પાછળના ભાગે ઘોડીપાસાનો પાટલો માંડયો હતો. રમવા આવનારા શખ્સોએ પોતાના વાહનો જૂગારના સ્થળથી દૂર અલગ અલગ રીતે પાર્ક કર્યા હતાં જેથી કરીને પોલીસની નજરે ન ચડે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર ઝોન-૧ની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૧ પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. રવિરાજભાઇ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જાડેજા અને હિતેષભાઇ પરમારે આ કામગીરી કરી હતી. (૧૪.૮)
એઝાઝ ટકા સહિત ૬નો ગુનાહિત ઇતિહાસ
ઞ્જ ઘોડીપાસાના પાટલાના સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો સહિત છનો ગુનાહિત ઇતિહાસ પોલીસે જાહેર કર્યો છે. ગુજસીટોક ગેંગનો સુત્રધાર એઝાઝ અગાઉ અપહરણ-બળાત્કાર, જૂગાર, રાયોટીંગ, લૂંટ, મારામારી, તોડફોડ સહિત ૧૫ ગુનાઓમાં સંડોવાઇ ચુકયો છે. હાજી જુણેજા રાજકોટ, ગોંડલ, ચોટીલા, જેતપુર, ધોરાજીમાં જૂગારના ૧૨ અને જાહેરનામા ભંગના ૧ ગુનામાં પકડાયો હતો. યુસુફ ઉર્ફ બકરો પ્ર.નગરમાં જૂગારમાં, મહેબુબ જામનગરમાં દારૂમાં, ઇમ્તિયાઝ ઉર્ફ ઠુઠો રાજકોટ, ઉનામાં દારૂ, લૂંટ, મારામારી, ચોરી સહિતના પાંચ ગુનામાં, પરેશ ઝાલા જૂગાર, રાયોટીંગ, મારામારીના ૬ ગુનામાં અને તુષાર રાજકોટ, વાસણા પોલીસમાં દારૂ-જાહેરનામા ભંગના ૩ ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
(3:03 PM IST)










