<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

ઇન્‍દિરા સર્કલ પાસે રૈયાધારના રિક્ષાચાલક બાલા પર અન્‍ય રિક્ષાચાલકનો પિતા સાથે મળી છરીથી હુમલો

અગાઉ હોર્ન વગાડવા મામલે સુમિત સાથે ડખ્‍ખો થયા બાદ આજે સુમિતે વચ્‍ચેથી મુસાફરો ભરવા પ્રશ્ને બબાલ કરી પિતા નિતીન ઉર્ફ સાગર ગોહેલને બોલાવી ડખ્‍ખો કર્યો

રાજકોટ તા. ૨૬: શહેરના ઇન્‍દિરા સર્કલ નજીક રિક્ષાચાલકો વચ્‍ચે મુસાફર ભરવા મામલે અને અગાઉ રિક્ષા પાછળ રિક્ષા ઉભી રાખી સતત હોર્ન વગાડવા મામલે થયેલી માથાકુટને કારણે થતાં રૈયાધારના યુવાન પર અન્‍ય રિક્ષાચાલક અને તેના પિતાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતો બાલા દેવાભાઇ બોળીયા (ઉ.વ.૨૮) નામના યુવાનને સવારે દસેક વાગ્‍યે ઇન્‍દિરા સર્કલ જલારામ ચીકી નજીક હતો ત્‍યારે સુમિત ગોહેલ અને તેના પિતા નીતિનભાઇ ઉર્ફ સાગર ગોહેલે મારકુટ કરી છરીથી હુમલો કરી ખભા અને પડખામાં ઘા ઝીંકી દીધા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

બાલાના કહેવા મુજબ પોતે રિક્ષા હંકારે છે અને સુમિત પણ રિક્ષાચાલક છે. થોડા દિવસ પહેલા પોતે આકાશવાણી ચોક પાસે રિક્ષામાંથી મુસાફર ઉતારતો હતો ત્‍યારે સુમિતે પાછળ રિક્ષા રાખી સતત મોટા અવાજે હોર્ન વગાડયા હતાં ત્‍યારે બોલાચાલી થઇ હતી. આજે ઇન્‍દિરા સર્કલે મુસાફર ભરવાનો પોતાનો વારો હતો છતાંસુમિત વચ્‍ચે આવતાં તેને સમજાવતાં  ઝઘડો કર્યો હતો. એ દરમિયાન તેના પિતા પણ આવી ગયા હતાં અને બંનેએ મળી હુમલો કર્યો હતો. બાલાને બીજા બે ભાઇઓ છે. તેના પિતા પશુપાલન કરે છે.

જીમીબેનને પતિએ માર માર્યો

બીજા બનાવમાં૧૫૦ ફૂટ રોડ અયોધ્‍યા ચોક નજીક યોગરાજ નગર શેરી નં. ૨ માં રહેતા જીમીબેન રાજેશભાઈ કારેથા (ઉં.વ.૩૨)ને  પતિએ કોઈ કારણોસર હાથમાં પહેરેલા કડાં વડે માર મારતા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:42 PM IST)