News of Sunday, 28th July 2024
રાજમાર્ગોમાં નડતરરૂપ માત્ર ૪૮ રેકડીઓ જ દેખાઇ
મનપાની દબાણ શાખાની આંખે પાટા ! : છેલ્લા સપ્તાહમાં મંજુરી વિનાના ૧૨૧૪ બોર્ડ-બેનરો ઉતારાયાઃ ૩૩ હજારનો દંડઃ સંબંધિત વિભાગના અધિકારી એસી ઓફીસની બહાર ફિલ્ડમાં સઘન ઝુંબેશ હાથ ધરે તો હનુમાન મઢી ચોકના છોટુનગર કોમ્યુનિટી હોલ, જ્યુબેલી શાક માર્કેટ, પરાબજાર, રૈયા રોડ સહિતના વિસ્તારમાં ૧ દિ'માં ૨૦૦થી વધુ લારી-ગલ્લા જપ્ત થાય

રાજકોટ, તા.૨૭: મ્યુનિ.કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા સપ્તાહમાં રસ્તા પર નડતરરૂપ કુલ ૪૮ રેંકડી, કેબીન અને ૧૨૧૪ બોર્ડ / બેનરો જપ્ત કર્યા , મંજુરી વિનાના ગેરકાયદે તેમજ રૂ.૩૩,૬૮૦/નો વહીવટી ચાર્જ વસુલ કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, શહેરજનોમાં લોકમુખે ચર્ચાતી વિગત મુજબ મનપાની દબાણ શાખા આઠ દિ'માં માત્ર ૪૮ રેકડી, કેબીન જપ્ત કરીને તીર માર્યુ હોય તે કામગીરીનો દેખાવ કરી રહી છે. જો મનપા તંત્રના આ સંબંધિત વિભાગના વડા ખરેખર એસી ઓફીસ બહાર નીકળે અને હનુમાન મઢીથી રૈયા ચોકડી, છોટુનગર કોમ્યુનીટી હોલ, જયુબેલી શાક માર્કેટ સહિતના વિસ્તારમાં ખરેખર ચેકીંગ હાથ ધરવામાં આવે તો રસ્તા પર તથા આજુબાજુ વેપારી અને રાહદારીઓને નડતરરૂપ ૨૦૦ની વધુ લારી ગલ્લા એક જ દીવસમાં જપ્ત થશે.
વધુમાં લોકો કહી રહ્યા છે કે દબાણ શાખા ઉપર જ દબાણ છે કે અન્ય કારણ તે ચર્ચાનો વિષય બન્યો છે.
દબાણ હટાવ શાખા દ્વારા જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ,આહીર ચોક મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતર રૂપ ૪૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
જ્યોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક,ગોવિંદબાગ,નાના મૌવા મેઈન રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક,માધાપર ચોકડી,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૩૨૨ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જંક્શન રોડ,જ્યુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્િમનગર નાલા પાસેથી ૩૫૦ કિલો શાકભાજી, ફળ જપ્ત કરવામાં આવેલ.
પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ,નંદનવન,મવડી વિસ્તાર,મટકી ચોક,સ્વામીનારાયાણ ચોક પરથી રૂ.૮,૮૫૦- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૨૪,૮૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અંબીકા ટાઉનશીપ,કાલાવડ રોડ,યુનિ. રોડ ,સ્પિડવેલ ચોક સુધી,સાધુવાસવાણી રોડ,ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, સંતકબીર રોડ,પેડક રોડ, ભાવનગર રોડ પરથી મંજુરી વિનાના૧૨૧૪ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(10:25 AM IST)










