News of Sunday, 28th July 2024
ભાઇ-ભાભીની હત્યાના ‘ડબલ મર્ડર'ના ચકચારી કેસમાં નાનાભાઇને આજીવન કૈદ
રણછોડનગર વિસ્તારમાં સગર્ભા ભાભી અને સગાભાઇને આરોપી પ્રવિણે છરીના ઘા મારીને હત્યા કરી હતીઃ આરોપીના અન્ય ભાઇ અને બહેન હોસ્ટાઇલ થયા હતાઃ મૃતક દંપતીની ૧૩ વર્ષની જુબાની ઉપરથી ફરીયાદપક્ષે કેસ સાબીત કર્યોઃ આરોપી માનસીક અસ્થિર હોવાની બચાવપક્ષની દલીલોને કોર્ટે નકારી કાઢી સજા ફટકારી

રાજકોટ, તા., ર૭: વર્ષ-૨૦૧૩માં કચરો ફેંકવા બાબતે ઉપરના માળે રહેતા પોતાના મોટાભાઈ અને ભાભીની મધ્ય રાત્રિએ છરીઓના આડેધડ ઘા મારી હત્યા કરનાર નાનાભાઈ પ્રવિણ મણીલાલ મણીયાર હાલ ઉ.વ. ૫૭ ને પ્રિન્સીપાલ સેશન્સ જજ શ્રી વી.બી.ગોહિલે આજીવન કેદની સજા અને રૂ. ૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.
આ કેસની હકીકત એવા પ્રકારની છે કે તા. ૧૬/૦૬/૨૦૧૩ ના રોજ રણછોડનગર શેરી નં. ૨૧/૧ માં રાજ નામના બે માળીયા મકાનમાં ભોંયતળીયે રહેતા આરોપી પ્રવિણ મણીલાલ મણીયાર રાત્રીના સમયે પોતાના ભાઈ અરવિંદ મણીયાર સાથે સુતેલ હતા. મધ્ય રાત્રીએ ફરીયાદી અરવિંદ મણિયારને ઉપલા માળે દેકાર સંભળાયેલ જેથી જાગીને જોયેલ ત્યારે તેમની સાથે રહેતો આરોપી પ્રવિણ મણીયાર ઉપલા માળે તેમના ભાઈ હરેશ મણીયારના ઘરમાં પ્રવેશેલ. આ સમયે આરોપી પ્રવિણના હાથમાં છરી હતી તેમજ તેમને ભાઈ હરેશભાઈ તરફડીયા મારતા હતા અને હરેશભાઈના પત્નિ પુજાબેન લોહી લુહાણ હાલતમાં પડેલ હતા. ફરીયાદી અરવિંદ મણીયારને મરણજનાર ભાઈ હરેશે જણાવેલ કે પ્રવિણે તેઓને છરી મારેલ છે. આ સમયે આરોપી પ્રવિણ ત્યાંથી નીકળી ગયેલ હતો. ફરીયાદી અરવિંદભાઈએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ઈજાપામનાર ભાઈ- ભાભીને હોસ્પિટલ લઈ ગયેલ પરંતુ ત્યાં સુધીમાં બંને મરણ ગયેલ હતા. આરોપી પ્રવિણ મણીયાર સામે તેમના જ ભાઈ અરવિંદ મણીયારે ફરીયાદ આપેલ હતી અને તપાસ દરમ્યાન તપાસનીશ અમલદારે સાહેદોના નિવેદનો નોંધેલા. ગુજરનાર દંપતીની ૮ વર્ષની પુત્રીએ નિવેદન આપી જણાવેલ કે તેણીએ આરોપી પ્રવિણ મણીયારને પોતાના માતા-પિતાને છરીથી અનેક ઘા મારેલ હતા જેના કારણે તેણીના માતા-પિતાનું મળત્યુ થયેલ છે.
આ કેસમાં પુરાવો શરૂ થતા આરોપી પ્રવિણ મણીયારના ભાઈઓ-બહેનો હોસ્ટાઈલ જાહેર થઈ પ્રવિણ મણીયારે પોતાના ભાઈ- ભાભીનું ખુન કર્યાને ઈન્કાર કરેલ હતો. પરંતુ ગુજરનાર દંપતીની સગીર પુત્રીએ ૧૩ વર્ષની વયે જુબાની આપી સમગ્ર બનાવ અંગે વિગતવાર વર્ણન આપેલ હતુ. બચાવ પક્ષે રજુઆત કરવામાં આવેલ હતી કે કુટુંબના પુખ્ત સભ્યો જયારે ખુન થયાનો ઈન્કાર કરતા હોય ત્યારે ફક્ત સગીર દીકરીની જુબાનીના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહી. આ ઉપરાંત તેવો પણ બચાવ લેવામાં આવેલ કે આરોપી માનસીક રીતે અસ્થિર છે તેથી તેમણે ખુન કર્યાનું માની શકાય નહી.
શ્રી સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે કાયદાની જોગવાઈ મુજબ આરોપી માનસીક રીતે અસ્થિર હોવાનો બચાવ ત્યારે જ લઈ શકે જયારે તેણે ખુન કર્યાનું કબુલવામાં આવતુ હોય. હાલના કેસમાં આરોપી પક્ષે જે બચાવ લેવામાં આવેલ છે તે વિરોધાભાસી છે કારણ કે આરોપી માનસીક રીતે અસ્થિર હોવાનું જણાવવા છતા તેમણે ખુન કર્યાનો ઈન્કાર કરવામાં આવે છે. આ ઉપરાંત આરોપીના ભાઈ-બહેનો હોસ્ટાઈલ થયેલ છે તેમની ઉલટતપાસમાં આરોપી માનસીક રીતે અસ્થિર હોવાનો સ્પષ્ટ બચાવ લેવામાં આવેલ છે, પરંતુ સગીર પુત્રી હોસ્ટાઈલ થયેલ નથી ત્યારે આરોપી માનસીક અસ્થિર હોવાનું જણાવવામાં આવતુ નથી. આ ઉપરાંત તપાસનીશ અમલદારની ઉલટતપાસમાં પણ આરોપી માનસીક અસ્થિર હતા તેમ પૂછવામાં આવેલ નથી. આ રીતે આરોપી પક્ષે માનસિક અસ્થિરતાનો બચાવ હોસ્ટાઈલ સાક્ષીઓમાં જ લેવામાં આવેલ છે. વધુમાં તેમ પણ જણાવવામાં આવેલ કે આરોપીના કપડા ઉપર ગુજરનારનું લોહી આવેલ છે તે દર્શાવે છે કે આરોપીએ જ ગુજરનાર દંપતીની હત્યા કરેલ છે. આરોપીના કપડા ઉપરના લોહી અંગે બચાવ પક્ષે કોઈ જ ચોખવટ કરેલ નથી જે હકીકત પણ આરોપી ગુન્હેગાર હોવાનું સાબિત થાય છે. શ્રી સરકાર તરફેની આ રજુઆતોના અંતે પ્રિન્સીપાલ સેશન્સ જજ શ્રી વી.બી.ગોહિલે આરોપીની માનસીક અસ્થિરતાનો બચાવ નકારી પ્રવિણ મણીલાલ મણીયારને હત્યાના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી આજીવન સખ્ત કેદની સજા અને રૂ.૧૫,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે. આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.
સંજયભાઇ વોરા
જીલ્લા સરકારી વકીલ
(10:25 AM IST)










