તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 28th July 2024
ઈન્દિરા સર્કલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનો ડાબો કાન કાપી નાંખ્યો : ત્રણ શખ્શો સામે ગુનો દાખલ
ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો

રાજકોટ :શહેરના ઈન્દિરા સર્કલ પાસે મિત્રના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનને ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી છરી વડે કાન કાપી નાંખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તો આ બાબતે 3 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
શહેરના રૈયા રોડ નહેરુનગરમાં રહેતા શહેબાઝ જુણેજા (ઉ.વ.34)એ પોતાની ફરિયાદમાં સાગર નારણભાઈ, જય પ્રદિપભાઈ નિમાવત અને શુભમ વિજયભાઈનું નામ આપતા તેમની સામે ગુનો નોંધાયો હતો.
શહેબાઝે ફરિયાદમાં જણાવ્યું કે, પોતે ઈન્દિરા સર્કલ પાસે હતો, ત્યારે મિત્ર અફતાબ જૂનાણી સાથે બીજા એક્સેસ ચાલક સાગર તેમની મિત્રો જય નિમાવત અને શુભમે માથાકૂટ કરી હતી. જેથી શહેબાજ તેમને બચાવવા વચ્ચે પડ્યો હતો. આ દરમિયાન આરોપીઓ શહેબાઝ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો.
જ્યારે સાગરે છરી ઝીંકતા ડાબો કાન કપાઈ ગયો હતો તેમજ માથામાં ઈજા થઈ હતી. શહેબાઝે આરોપીની એક્ટિવાની ચાવી કાઢી લેતા આરોપી ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલ તો શહેબાઝને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે
(11:55 PM IST)










