News of Monday, 29th July 2024
મનપાના રેકોર્ડ મુજબ જમીન ફાળવણી યોગ્ય : મ્યુનિ. કમિશનરનો ધડાકો
જમીન વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લપડાક : DILRની માપણી મુજબ બધુ બરાબર : ખાનગી બિલ્ડર દ્વારા જમીન ઉપર કબ્જો કરવામાં આવ્યો હોય તો યુનિવર્સિટી આધાર પુરાવા રજુ કરે : મ્યુનિ.કમિશનરે પત્ર પાઠવ્યો

રાજકોટ, તા. ર૯ : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન ઉપર ખાનગી બિલ્ડર દ્વારા કબ્જો જમાવી બિલ્ડીંગ તૈયાર કરી નાખ્યાની ફરીયાદ યુનિવર્સિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી હતી અને આ જમીનની ફાળવણી મનપાના રેકોર્ડ મુજબ યોગ્ય કરવામાં આવી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે યુનિવર્સિટીને પત્ર પાઠવી જણાવ્યું છે.
માપણી મુજબ બરાબર છતાં યુનિવર્સિટીને આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બાબતે કમિશનરે આ મુદ્દે તટસ્થ તપાસ કરી આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટી.પી. સ્કીમ નં. ૧૬ રૈયા સર્વે નંબર રૈયા ૩૧૮ અને મુંજકા ૪૯ના ફાઇનલ પ્લોટ નંબર ૧ થી ૭ જમીન ૧૮૪૪ ચો.મી. ઉપર ખાનગી કબજે દ્વારા રહેણાકની ઇમારત બનાવી લેવામાં આવી છે. તે ગેરકાયદેસર હોવાનું યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે. પરંતુ તપાસ કરતા માલુમ પડેલ કે, ડીએલઆર મુજબ તમામ જમીનની માપણી કરવામાં આવી છે. જેમાં બહાર આવ્યા મુજબ યુનિવર્સિટીની હદ પુરી થાય છે. અને તેમની દિવાલ છે.
ખાનગી માલીકીની જમીનની હદ શરૂ થાય છે અને આ જમીન ઉપર તેમને કાયદેસર રીતે પ્લાન મંજુર કરાવી પ્રોજેકટ તૈયાર કર્યો છે. કુલ ૪૦૯ એકરમાં યુનિવર્સિટીની જગ્યા આવેલ છે.
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં જણાવેલ કે, જમીન વિવાદ હોવાનો પત્ર યુનિવર્સિટી દ્વારા લખવામાં આવ્યો હતો. જેની તટસ્થ તપાસ કરવામાં આવી છે. તેમજ જમીન પર ખાનગી બિલ્ડરનો કબ્જો કરવામાં આવ્યો હોય તો તેના આધાર પુરાવા યુનિવર્સિટી રજુ કરી શકે છે. તેમ અંત જણાવ્યું હતું.
(3:57 PM IST)










