News of Monday, 29th July 2024
ભરત કુછડીયાની ગઠીયાગીરીઃ ટ્રક અને કાર વેંચાતા લઇ અમુક રકમ ચુકવી વાહનો બારોબાર વેંચી માર્યા
માલધારી સોસાયટીના મિત્ર સૂરજ ડાંગર પાસેથી ભરત અને લખને ટ્રક ખરીદી ૫૦ હજાર ચુકવી બાકીની લોનના ૧૧.૧૭ લાખ ન ભરી ટ્રક વસીમને વેંચી માર્યોઃ બી-ડિવીઝન પોલીસે બંનેને દબોચ્યાઃ વસીમ ઉર્ફ બચ્ચાની શોધખોળ બીજા બનાવમાં ભરતે જલારામ સોસાયટીના બાંધકામના ધંધાર્થી સંજયભાઇ કણઝારાની કાર ૬ લાખમાં ખરીદી ૩ લાખ ચુકવ્યા, બાકીના ૩ લાખ ન આપી સંજયભાઇનું ખોટુ ઓધારકાર્ડ બનાવી કાર કેશોદમાં વેંચી દીધીઃ આ અંગે ગાંધીગ્રામમાં અલગથી ગુનો

રાજકોટ તા. ૨૯: શહેરના કુવાડવા રોડ પર રહેતાં ટ્રક ચાલકે લોનથી લીધેલો નવો ટ્રક વેંચવો હોઇ મિત્ર કાલાવડ રોડ પર મોટા મવા પાસે રહેતાં મિત્ર અને તેની સાથેના શખ્સને વાત કરતાં આ બંનેએ પોતાને જ ટ્રક લેવો છે તેમ કહી ૫૦ હજાર રોકડા આપી બાકીની ૧૧,૧૭,૯૨૦ની લોન પોતે ભરશે તેમ કહી હપ્તાઓ ન ભરતાં અને આ ટ્રક બારોબાર અન્ય એક નામચીન શખ્સને વેંચી દેતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી બે શખ્સને દબોચ્યા છે, ટ્રક જેને વેંચી દેવાયો હતો તેની શોધખોળ થઇ રહી છે. આ ઉપરાંત આ પકડાયા તે પૈકી એક શખ્સે જલારામ સોસાયટીના બાંધકામના ધંધાર્થી સાથે પણ કારનો સોદો કરી ૩ લાખ રોકડા આપી બાકીના ૩ લાખ ન ચુકવી બાંધકામના ધંધાર્થીનું બોગસ આધાર કાર્ડ બનાવી ખોટી સહિઓ કરી કાર કેશોદમાં વેંચી મારતાં ગાંધીગ્રામ પોલીસે અલગથી ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે માલધારી સોસાયટી-૨માં રામજીભાઇ યાદવના મકાનમાં ભાડેથી રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં સુરજ રસિકભાઇ ડાંગર (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ મોટા મવા સ્મશાન પાસે પ્રાગટય સ્કૂલ નજીક રહેતાં ભરત દેવાભાઇ કુછડીયા, તેની સાથે જ રહેતાં મુળ તાલાલાના ગુંદરણ ગામના લખન કાનજીભાઇ નાધેરા અને દૂધ સાગર રોડ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં મુસાપીર નોનવેઝ પાછળની શેરીમાં રહેતાં વસીમ ઉર્ફ બચ્ચો બસીરભાઇ સમા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. સુરજ પાસેથી ભરતે ટ્રક વેંચાતો લઇ બાકી લોનના રૂા. ૧૧,૧૭,૯૨૦ ભરવાના હોઇ તેનું લખાણ કરી આપ્યું હોઇ તેમ છતાં ભરત અને બીજા બે શખ્સોએ લોન ન ભરી ટ્રક બારોબાર ત્રીજાને વેંચી દીધો હતો.
સુરજ ડાંગરે ફરિયાદમાં જણાવ્યું છે મેં જાન્યુઆરી-૨૦૨૩માં અશોક લેલાન્ડ ટ્રક (બડા દોસ્ત) જીજે૦૩બીવાય-૬૨૭૦ રૂપિયા ૧૧,૫૦,૦૦૦માં ખરીદ કર્યો હતો. જેમાં એક લાખ ડાઉન પેમેન્ટ ભરી બાકીના રૂપિયાની ફાયનાન્સમાંથીલોન કરાવી હતી. પાંચેક મહિના પહેલા અચાનક મારે પૈસાની જરૂર પડતાં મારા મિત્ર કાલાવડ રોડ મોટા મવા પાસે રહેતાં મિત્ર ભરત દેવાભાઇ કુછડીયા અને તેની સાથેના લખન કાનજીભાઇ નાધેરાને વાત કરી હતી. ભરત અને લખને પોતાને જ આ ટ્રક ખરીદવો છે તેમ કહેતાં અને મને રૂા. ૫૦ હજાર રોકડા આપતાં સોદો નક્કી થયો હતો. તે વખતે લોનની બાકીની રકમ રૂા. ૧૧,૧૭,૯૨૦ આ બંનેએ ભરવાની રહેશે તેવું નક્કી થયું હતું.
આ પછી મેં ટ્રકનો કબ્જો ભરત અને લખનને મારા ઘરેથી સોંપી દીધો હતો. ત્યારબાદ લખને ૮/૨/૨૪ના રોજ નોટરી વેંચાણ કરાર કરી આપ્યો હતો. પરંતુ ટ્રકનો પહેલો જ હપ્તો બાઉન્સ થતાં મેં ભરત અને લખનને લોનનો હપ્તો ભરી દેવા કહેતાં તેણે હા પાડી હતી. પરંતુ બીજો હપ્તો પણ બાઉન્સ થતાં લખનને મેં ફોન કરતાં તેણે યોગ્ય જવાબ આપ્યો નહોતો. હજુ સુધી આ બંને હપ્તા ભરતાં ન હોઇ અને ટ્રક પણ પાછો આપતાં ન હોઇ મેં તપાસ કરતાં જાણવા મળેલુ કે ભરત અને લખને મળી મારો આ ટ્રક આજીડેમ ચોકડી પાસે અનમોલ પાર્કમાં રહેતાં વસીમ ઉર્ફ બચ્ચો બસીરભાઇ સમાને વેંચી દીધો છે. જેથી મેં પોલીસને જાણ કરી હતી.
બી-ડિવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. મારૂ અને ડી. સ્ટાફની ટીમે ગુનો નોંધી બે આરોપી ભરત કુછડીયા અને લખન નાધેરાને સકંજામાં લીધા છે. વસીમ ઉર્ફ બચ્ચો હાથમાં આવ્યો નથી. તે પણ અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તાલુકા પોલીસમાં પણ ભરત કુછડીયા વિરૂધ્ધ ગુનો નોંધાયો હોઇ ત્યાંની પોલીસ પણ કબ્જો મેળવશે.
બીજા બનાવમાં ગાંધીગ્રામ પોલીસે યુનિવર્સિટી રોડ જલારામ સોસાયટી-૨ બિલીપત્ર એપાર્ટમેન્ટ શેરી નં. ૧૦ રંગતરંગ એપાર્ટમેન્ટ પાછળ રહેતાં અને બાંધકામનો ધંધો કરતાં સંજયભાઇ રમણીકભાઇ કણઝારા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી કાલાવડ રોડ પ્રગતી સ્કૂલ પાસે રહેતાં ભરત દેવાભાઇ કુછડીયા અને તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ઠગાઇનો અને બોગસ દસ્તાવેજો ઉભો કરવાનો ગુનો નોંધ્યો છે.
સંજયભાઇ કણઝારાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કન્સ્ટ્રક્શનનું કામ કરુ છું. મારી પાસે હોન્ડા સીટી કાર જીજે૦૩એચકે-૩૪૪૩ હોઇ તે હરવા ફરવા ઉપયોગ કરતો હોત. આ કાર મારે વેંચવાની હોઇ જેથી મારા મિત્ર ભાવેશભાઇ હરેશભાઇ પીઠડીયાને વાત કરી હતી. એ પછી તા. ૨૩/૩/૨૪ના બપોરે બે વાગ્યે ભાવેશ પીઠડીયાએ મને ફોન કરેલો કે માર મિત્ર ભરત દેવાભાઇ કુછડીયા છે તેને કાર લેવી છે, તમે કાર લઇને વોકહાર્ટ હોસ્પિટલ પાછળ માધવ ટી સ્ટોલ પાસે આવો. જેથી હું ત્યાં કાર લઇને જતાંમારો મિત્ર ભાવેશ અને તેનો મિત્ર ભરત મળ્યા હતાં. ભરતે મારી કાર જોયા બાદ મેં ૬ લાખ કિમત જણાવી હતી. જેથી તે રાજી થયો હતો અને મને ૩ લાખ રોકડા આપ્યા અને બાકીના ૩ લાખ બે મહિનામાં આપી દેશે તેવી ખાત્રી આપી હતી.
ત્યારબાદ મેં તેને બાકીના ૩ લાખ આપશે તે વખતે હું ટીટીઓ ફોર્મમાં સહી કરી આપીશ અને બાકીના ડોક્યુમેન્ટની કોપી આપીશ. ભરતે મને તે વખતે બાકીના ૩ લાખની રકમની સિક્યુરીટી પેટે તેની પત્નિ મમતા રાજ કેશવાલાના મામનો ચેક આપ્યો હતો. કારનો વેચાણ કરાર બીજા દિવસે કરવાનું નક્કી થયું હતું. જેથી મેં કાર અને ઓરીજીનલ આર.સી. બૂક અને બેંક લોન ચુકતે કર્યાના કાગળો આપ્યા હતાં. ત્યારબાદ ૨૪/૩/૨૪ના રોજ ભરત કુછડીયાને ગાડી વેંચાણનો કરાર કરવાનું કહેતાં તેણે ફોનમાં ગલ્લા તલ્લા કર્યા હતાં. આ રીતે એક માસ સુધી કરાર કરી આપ્યો નહોતો. એ પછી મેં એમ.પરિવહન એપ્લીકેશનથી ચેક કરતાં ખબર પડી હતી કે મેં ભરત કુછડીયાને વેંચેલી કાર કેશોદના રાજેશ નરસીભાઇ કોથડીયાના નામે ટ્રાન્સફર થઇ ગઇ છે!
જેથી મેં ૨૦/૬/૨૪ના રોજ જુનાગઢ આરટીઓમાં જઇ આરટીઆઇ મારફત માહિતી માંગતા જાણવા મળેલુ કે મારા નામનું ખોટુ આધારકાર્ડ બનાવી તેમાં મારુ નામ સરનામુ અને ફોટો કોઇ બીજાનો નાખી બોગસ આધાર કાર્ડ બનાવી આરોટીઓના ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી મેં વેંચેલી ગાડી ટ્રાન્સફર કરાવી લેવાઇ હતી. તેમજ આરટીઓમાં અપાયેલી લોનના એનઓસી ફોર્મમાં પણ મારી ખોટી સહી હતી. આ રીતે ભરત કુછડીયાએ મને વિશ્વાસમાં લઇ ૬ લાખમાં મારી કારનો સોદો કરી તે પેટે ૩ લાખ મને આપી બાકીના ૩ લાખ ન ચુકવી બારોબાર મારા નામનું ખોટુ આધાર કાર્ડ બનાવી કોઇનો ફોટો લગાવી કાર બીજાને વેંચી દઇ મારી સાથે ઠગાઇ કરી હતી. આ અંગે મેં પોલીસને જાણ કરી હતી.
તેમ વધુમાં સંજયભાઇ કણઝારાએ જણાવતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં પીએસઆઇ એસ. એલ. ગોહિલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:32 PM IST)










