News of Tuesday, 30th July 2024
પીપળીયાની નકલી શાળામાં ધોરણ ૧ થી ૧૦ના ૨૯ છાત્રોના ભવિષ્ય સાથે ચેડા કરી વાલીઓને ગેરમાર્ગે દોરાયા'તાઃ સંચાલિકા સામે અંતે ફોજદારી
ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીએ કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યોઃ ધોરણ-૧૦ના છાત્રો પરિક્ષા બીજે આપતાં, હાજરી ગોૈરી ઇંગ્લિશ મિડીયમમાં પુરાતી હતી!

રાજકોટ તા. ૩૦: કુવાડવા રોડ પર આવેલા પીપળીયામાં થોડા દિવસ પહેલા ગોૈરી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ નામે ચાર શટરની દૂકાનમાં ચાલતી નકલી સ્કૂલ પકડી લેવાઇ હતી. આ મામલે સંચાલિકા સામે ગુનો નોંધાયો છે. કોઇપણ જાતની સરકારી મંજુરી ન હોવા છતાં તેણીએ ધોરણ-૧ થી ૧૦ના છાત્રોને પ્રવેશ આપી લાયકાત વગરના શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરાવી છાત્રોના ભવિષ્ય સાથે ચેડા કરી તેમજ તેમના વાલીઓને ગેરમાર્ગે દોરી આર્થિક ફાયદો મેળવવાનો ગુનો અંતે દાખલ કરાવાયો છે. તાલુકા શિક્ષણાધિકારીની ટીમે દરોડો પાડયો ત્યારે ત્રણ શટરવાળી દૂકાનમાં ચાલતી શાળામાં ૨૯ બાળકો ભણતાં મળી આવ્યા હતાં.
આ મામલે અંતે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ. જી. સોસાયટી સામે પ્રદ્યુમન રોયલ બી-૨૦૨માં રહેતાં વિમલભાઇ રમેશભાઇ ઉધાસે ગોૈરી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલની આચાર્યા કાત્યાનીબેન તિવારી તેમજ તપાસમાં ખુલે તેની સામે બીએનએસની કલમ ૩૧૬ (૨), ૩૧૮ મુજબ સરકારની કોઇપણ જાતની માન્યતા ન હોવા છતાં રાજકોટના પીપળીયા ગામે નવીનનગરમાં ગોૈરી ઇંગ્લિશ સ્કૂલ ચાલુ કરી તેમાં શૈક્ષણિક લાયકાત વગરના શિક્ષકો રાખી આ સ્કૂલમાં ભણવા આવતાં છાત્રોના સર્ટી અન્ય સ્કૂલમાં રાખી તેમજ માર્કશીટમાં ગોૈરી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલના રબ્બર સ્ટેમ્પ લગાવી છાત્રોના ભવિષ્ય સાથ ેચેડા કરવાનો અને આર્થિક લાભ મેળવવા વાલીઓ સાથે છેતરપીંડી કર્યાનો ગુનો નોંધાવ્યો છે.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિમલભાઇ ઉધાસે જણાવ્યું છે કે હું શીરવાણીયા (વડાળી) પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવુ છું અને તાલુકા પંચાયત કચેરી રાજકોટની શિક્ષણ શાખામાં ઇન્ચાર્જ તાલુકા પ્રા.શિક્ષણાધિકારી તરીકે પણ મારી નિમણુંક થઇ છે. તા. ૪/૭ના રોજ રૂક્શાનાબેન ઘેલાએ એક અરજી કરી હતી કે રાજકોટના પીપળીયા નવીનનગરમાં ગોૈરી પ્રી પ્રાઇમરી સ્કૂલમાં પોતાના બાળકો અભ્યાસ કરે છે તેને બીજી સ્કૂલમાં બેસાડવા હોઇ પોતે સ્કૂલ લીવીંગ સર્ટીફિકેટ લેવા ગયા ત્યારે સંચાલકોએ સર્ટી આપવાની ના પાડી હતી. આ અરજીની તપાસ શરૂ કરાવાઇ હતી. તે અંતર્ગત ૫/૭ના રોજ તાલુકા પંચાયતના બીઆરસી કો-ઓર્ડિનેટર ભરતભાઇ મધુડા, પીપળીયા પ્રાથમિક શાળાના આચાર્ય અમીતભાઇ પરમાર, નાકરાવાડીના મદદનીશ શિક્ષક મનોજભાઇ પરસાણા સહિતના ગોૈરી ઇગ્લિીશ મિડીયમ સ્કૂલ ખાતે તપાસમાં જતાં ત્યાં ચાર દૂકાનોમાં આ સ્કૂલ ચાલતી હોવાનું જણાઇ આવ્યું હતું. એક દૂકાનમાં આચાર્યની ઓફિસ અને ત્રણમાં ધોરણ એલકેજીથી ધોરણ-૧૦ સુધીના છાત્રો અભ્યાસ કરતાં મળી આવ્યા હતાં.
આ શાળાના શિક્ષકો અને આચાર્યની તપાસ કરતાં કાત્યાનીબેન તિવારી આચાર્ય હોવાનું અને એક પુરૂષ તથા એક મહિલા દ્વારા શિક્ષણ કાર્ય ચાલુ હોવાનું જણાયું હતું. ત્રણ દૂકાનમાં બેંચ પર કુલ ૨૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. જેમાં એલકેજીમાં-૦૩, એચકેજીમાં-૦૫, ધોરણ-૧માં -૦૨, ધોરણ-૩માં-૦૨, ધોરણ-૪માં-૦૨, ધોરણ-૫માં-૦૧, ધોરણ-૫માં-૦૪, ધોરણ-૭માં-૦૨, ધોરણ-૭માં-૦૧, ધોરણ-૯માં-૦૧ અને ધોરણ-૧૦માં-૦૨ છાત્રો હતાં. આ બાળકોને કઇ શાળામાં અભ્યાસ કરો છો? તેમ પુછતાં તેમણે ગોૈરી ઇગ્લિંીશ મિડીયમ સ્કૂલનું નામ આપ્યું હતું. આચાર્ય કાત્યાનીબેન તિવારીને સ્કૂલની માન્યતાના આધાર પુરાવા આપવાનું કહેતાં તેણે આવુ કંઇ ન હોવાનું કહ્યું હતું. આમ છતાં તેણી છાત્રોને શાળામાં પ્રવેશ આપી તેમના ભવિષ્ય સાથે ચેડા કરતાં હોવાનું જણાયું હતું.
શાળાના દફતરની ચકાસણી કરતાં સ્થળ પરથી નક્ષત્ર સ્કૂલ રણછોડછનગર વિસ્તારના જુન-૨૦૨૨, જુલાઇ-૨૦૨૨માં કાઢેલા શાળા છોડયાના પ્રમાણપત્રો (સ્કૂલ લીવીંગ સર્ટિફિકેટ) કુલ-૦૬ મળી આવ્યા હતાં. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણ પ્રાથમિક શાળા ગ્રીનલેન્ડ ચોકડીના બે વિદ્યાર્થીઓના ધોરણ-૨ અને ધોરણ-૪ના પ્રગતિ પત્રકો, શ્રી અક્ષર સ્કૂલ બાલાજી પાર્કના ધોરણ-૩,૪ના અને ધોરણ-૨ના માર્કશીટ પ્રોગેસ રિપોર્ટ પણ મળ્યા હતાં. આ ઉપરાંત શ્રી શારદાદેવી ફાઉન્ડેટશ ટ્રસ્ટ-પીપળીયાનો કોરો લેટરપેડ, ગોૈરી ઇગ્લિંીશ મિડીયમ સ્કૂલના કોરા પ્રવેશ ફોર્મ-૧૪, ભરેલા-૬, વિદ્યાર્થીઓના પાસપોર્ટ ફોટા, આધારકાર્ડની નકલો-૨૧, બાળકોના જન્મના પ્રમાણપત્રોની ૩૦ નકલો મળી આવ્યા હતાં.
આચાર્ય કાત્યાનીબેન તિવારીએ તેઓ સ્થળ પર જ આ શાળામાં અભ્યાસ કરતાં ૩૩ બાળકોને શાળા છોડયાના પ્રમાણપત્રો દિવસ-૦૫માં આપી દેશે તેવી હિન્દી ભાષામાં લેખીતમાં બાહેંધરી આપી હતી. આ ઉપરાંત તા.૬/૭ના રોજ ફરી તપાસ કરી છાત્રોના અલગ અલગ ૩૦ વાલીઓના નિવેદન નોંધી ફી ભર્યાની પહોંચ નંગ ૭૧, સાદી ચીઠ્ઠી-૦૩, માર્કશીટ, પ્રગતિ પત્રક-૧૮, ગોૈરી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ દ્વારા અપાયેલી ૧૦ માર્કશીટ સહિતનું સાહિત્ય કબ્જે લીધુ હતું. સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ખુશીસિંગ રાજપૂત, ક્રિષ્નાબેન કુમરખાણીયા, સ્કૂલવેન ચાલક અશોકભાઇ કુમરખાણીયાના પણ નિવેદન નોંધ્યા હતાં.
તપાસમાં એવુ પણ ખુલ્યું હતું કે ધોરણ-૧૦ના ચાર બાળકોએ પરિક્ષા રણછોડનગરની એમ. બી. પટેલ વિદ્યાલય અને ન્ડ રામદેવ વિદ્યાલય ખાતે આપી હતી. પણ તેમની હાજરી ગોૈરી ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે પુરવામાં આવતી હતી. આમ કાત્યાનીબેન તિવારીએ સરકારની કોઇપણ જાતની મંજુરી વગર શાળા ચાલુ કરી લાયકાત વગરના શિક્ષકોને રાખી ગેરકાયદેસર સ્કૂલ ચલાવી પોતાની સ્કૂલમાં બાળકોના સર્ટીઓ રાખી, અભ્યાસ કરાવી છાત્રોના ભવિષ્ય સાથે ચેડા કરી તેમના વાલીઓને ગેરમાર્ગે દોર્યા હોઇ તેની સામે ગુનો નોંધાવાયો છે. તેમ વધુમાં વિમલભાઇ ઉધાસે જણાવતાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
(11:23 AM IST)










