News of Tuesday, 30th July 2024
મિતાણામાં ‘હિટ એન્ડ રન': ખેત મજૂર દાહોદના સુરપાલનું મોત
વાડીએથી ચીજવસ્તુ લેવા નીકળ્યો ત્યારે બોલેરો જેવા વાહનનો ચાલક ઉલાળીને ભાગી ગયોઃ યુવાને રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩૦: ટંકારાના મિતાણા ગામમાં સાંજે હિટ એન્ડ રનની ઘટનામાં દાહોદના વતની ખેત મજૂરનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. અજાણ્યો બોલેરો જેવા વાહનનો ચાલક આ યુવાનને તે પગપાળા જતો હતો ત્યારે ઠોકરે લઇ ભાગી ગયો હતો. ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પણ જીવ બચી શક્યો નહોતો.
જાણવા મળ્યા મુજબ મિતાણામાં અજયભાઇ વાણીયાની વાડીમાં રહી મજૂરી કરતો સુરપાલ ભાવસિંગભાઇ નાઇ (ઉ.વ.૩૫) સાંજે સાડા સાતેક વાગ્યે વાડીએથી નજીકમાં આવેલી દૂકાને કરિયાણા સહિતની ચીજવસ્તુ લેવા માટે ચાલીને જતો હતો ત્યારે નેકનામ રોડ પર અજાણી બોલેરો જેવી ગાડીના ચાલકે તેને ઠોકરે ચડાવ્યો હતો અને ભાગી ગયો હતો. સુરપાલને ગંભીર ઇજા થયાની જાણ થતાં વાડી માલિક સહિતના દોડી ગયા હતાં અને તેને સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં મજૂર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનારને ત્રણ સંતાન છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે ટંકારા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
(11:28 AM IST)










