<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

રૈયાધારના ૪૩ વર્ષિય પરાગભાઇ કતિરાનું હૃદય બેસી જતાં મૃત્‍યુ

મોરબી રોડના ૩૫ વર્ષના મનિષભાઇ ડોડીયા અને ઇન્‍દિરાનગરના ૪૦ વર્ષના કલ્‍પેશભાઇ ડોડીયાએ બેભાન હાલતમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૩૦: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ એક યુવાનનું હાર્ટએટેકથી મૃત્‍યુ થયું છે. રૈયાધાર વિસ્‍તારમાં તેતાલીસ વર્ષના યુવાનને છાતીમાં દુઃખાવો ઉપડતાં હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતાં પરાગભાઇ વિનુભાઇ કતિરા (ઉ.વ.૪૩) રાતે દસેક વાગ્‍યે ઘરે હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોફિકભાઇ જુણાચે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર પરાગભાઇ કલર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. માતા હયાત નથી, પોતે પિતા, પત્‍નિ, પુત્રી સાથે રહેતાં હતાં. પરિવારનો એકનો એક આધારસ્‍તંભ છીનવાઇ જતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

બીજા બનાવમાં મોરબી રોડ જકાતનાકા પાસે મફતીયાપરામાં રહેતો મનિષભાઇ મેરૂભાઇ ડોડીયા (ઉ.વ.૩૫) સાંજે સાડા આઠેક વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. મૃત્‍યુ પામનાર મનિષભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે ચાની હોટેલમાં કામ કરતો હતો. શ્વાસની બિમારી હોઇ તેના કારણે મૃત્‍યુ થયાનું સ્‍વજનોએ જણાવ્‍યું હતું. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં દેવપરા પાસે શાક માર્કેટ નજીક ઇન્‍દિરાનગર મેઇન રોડ પર રહેતાં કલ્‍પેશભાઇ રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૪૦) નામના યુવાન રાતે એકાદ વાગ્‍યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર ચશ્‍માનો ધંધો કરતાં હતાં. તે ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. લાંબા સમયથી બિમાર હોવાનું સ્‍વજનોએ કહ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

(11:32 AM IST)