<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ફાળદંગમાં ૮ ચોપડી ભણેલો હર્ષદ ઉર્ફ કાનો નકલી ડોક્‍ટર બની દવાખાનુ ધમધમાવતો'તો

અગાઉ અસલી ડોક્‍ટરને ત્‍યાં સાતેક વર્ષ કમ્‍પાઉન્‍ડર હતોઃ હવે પોતાનું ક્‍લિનીક ચાલુ કર્યુ'તું : શહેર એસઓજી પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ ગોહેલ, ફિરોઝભાઇ શેખ, વિરદેવસિંહે દરોડો પાડી કાળદંગના જ ૩૪ વર્ષના શખ્‍સને દબોચ્‍યોઃ ઉપેન્‍દ્રસિંહ ઝાલાની બાતમીઃ ૫૦થી ૧૦૦ ફી વસુલતા, ઘરે વિઝીટની ફી ૨૫૦ વસુલતો

રાજકોટ તા. ૩૦: લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં અનેક લેભાગુ નકલી ડોક્‍ટરોને અગાઉ રાજ્‍યભરમાં અલગ અલગ પોલીસે પકડી લીધા છે. જો કે સમયાંતરે આવા ઝોલાછાપ મુન્‍નાભાઇ એમબીબીએસ ઝડપાતા જ રહે છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ અનેક નકલી ડોક્‍ટરોને પોલીસે દબોચીને કાયદાના ઇન્‍જેક્‍શન દીધા હતાં. ત્‍યાં વધુ એક નકલી ડોક્‍ટર ઝપટમાં આવ્‍યો છે. રાજકોટના કુવાડવા તાબેના ફાળદંગ ગામે નકલી ડોક્‍ટર દવાખાનુ ધમધમાવતો હોવાની માહિતી પરથી શહેર એસઓજીએ દરોડો પાડી આઠ ચોપડી પાસ નકલી ડોક્‍ટરને પકડી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ શહેર વિસ્‍તારમાં નકલી ડોક્‍ટરો દાવખાના ખોલીસને લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં હોય તો તેને શોધી કાઢવા સુચના મળી હોઇ તે અંતર્ગત એસઓજીની ટીમ તપાસમાં હતી. એ દરમિયાન હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલાને ચોક્કસ બાતમી મળી હતી કે ફાળદંગ ગામે એક શખ્‍સ વલ્લભભાઇ ગંગદાસભાઇ રામાણીના મકાનમાં દવાખાનુ ચલાવે છે અને તેની પાસે કોઇપણ જાતની ડીગ્રી કે બીજી કોઇપણ માન્‍યતા નથી. આથી ટીમે ત્‍યાં દરોડો પાડી તપાસ કરતાં અંદર દવાખાનામાં એક શખ્‍સ ખુરશી પર બેઠેલો જોવા મળ્‍યો હતો. તેના ગળામાં સ્‍ટેથોસ્‍કોપ લગાડેલુ હતું. ટેબલો પર દવાઓ, બાટલા સહિતની તબિબી સારવારને લગતી ચીજવસ્‍તુઓ હતો.

આ શખ્‍સને દરોડો પાડનારી ટીમે પોલીસ તરીકેની ઓળખ આપી હતી અને તેનું નામ પુછતાં તેણે પોતે હર્ષદ ઉર્ફ કાનો પ્રાગજીભાઇ ચોટલીયા (ઉ.વ.૩૪) હોવાનું તેમજ ફાળદંગ ગામમાં જ કેટલાક સમયથી વલ્લભભાઇ રામાણીના મકાનમાં ભાડેથી રહી અહિ દવાખાનુ ચલાવતો હોવાનું કહ્યું હતું. એસઓજીની ટીમે તેની પાસે મેડિકલ પ્રેકટીસ અંગેની કોઇ માન્‍યતા, સર્ટિફિકેટ હોય તો બતાવવાનું કહેતાં તેણે આવુ કંઇ પોતાની પાસે નહિ હોવાનું અને પોતે આઠ ચોપડી જ ભણેલો હોવાનું કહેતાં પોલીસ ચોંકી ગઇ હતી. નિયમ મુજબ પીએસઆઇ ડી. પી. ગોહેલે ફરિયાદી બની કુવાડવા રોડ પોલીસ મથકમાં બીએનએસની કલમ ૩૧૬ (૨), ૩૧૮ મુજબ ગુનો દાખલ કરાવ્‍યો હતો.

પોલીસે દવાખાનામાંથી દવાઓ, બાટલાઓ, સ્‍ટેથોસ્‍કોપ સહિતનો રૂા. ૧૦૯૮૯નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ ડી. પી. ગોહેલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ,  હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. વિરદેવસિંહની ટીમે આ કામગીરી કરી હતી. ઝડપાયેલો શખ્‍સ અગાઉ અસલી ડોક્‍ટરને ત્‍યાં સાતેક વર્ષ સુધી કમ્‍પાઉન્‍ડર તરીકે નોકરી કરી ચુક્‍યો હોઇ તેનો અનુભવ હતો. આને આધારે હવે પોતે જ નકલી ડોક્‍ટર બની દવાખાનુ ધમધમાવવા માંડયો હતો. તે જેવા દર્દી તે મુજબ ૫૦થી ૧૦૦ કે તેથી વધુ ફી વસુલતો હતો. ઘરે જઇ દર્દીને તપાસવાની વિઝીટનો ભાવ ૨૫૦ રાખ્‍યો હતો.

(11:59 AM IST)