<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

વોર્ડ નં. ૭ના લોકદરબારમાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે શાબ્‍દીક ટપાટપી

મેયર તમારે દ્વારે કાર્યક્રમમાં ૬૩ ફરીયાદો રજુઃ તંત્ર દ્વારા નિકાલની ખાત્રી : પદાધિકારીએ વિપક્ષને ચા-પાણીનું નોતરૂ આપતા પક્ષના કાર્યકરોમાં નારાજગી : લોક દરબાર નર્યુ નાટક-રણજીત મુંધવાનો આક્ષેપ : કામ થાય છે કે નહીં તે જોવા ચુંટણી રણમેદાનમાં આવો -નેહલ શુકલનો સણસણતો જવાબ

રાજકોટ, તા., ૩૦ : શહેર ભાજપ દ્વારા છેલ્લા અઠવાડીયાથી વોર્ડ વાઇઝ લોક દરબારનું આયોજન શરૂ કર્યુ છે. જેમાં પદાધિકારીઓ-અધિકારીઓ હાજર રહી લોકપ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ કરવા કવાયત હાથ ધરી છે. જે અન્‍વયે આજે વોર્ડ નં. ૭ માં લોકદરબારનું આયોજન કરાયું હતું.

લોકદરબાર દરમિયાન પુર્વ મનપાના વિપક્ષી નેતા અને કોંગ્રેસ આગેવાન પ્રવિણભાઇ રાઠોડ, રણજીત મુંધવા સહીતના આગેવાનો હાજર રહયા હતા. આ દરમિયાન રણજીત મુંધવાએ માઇક માત્ર ભાજપના કાર્યકરોને માઇક અપાતુ હોવાનો આક્ષેપ કરતા કોર્પોરેટર નેહલ શુકલ અને મુંધવા વચ્‍ચે શાબ્‍દીક ટપાટપી બોલી હતી. બાદમાં પ્રવિણભાઇ રાઠોડને ૭ મીનીટ પ્રશ્નોની રજુઆત કરી હતી.

કોંગ્રેસ અગ્રણી મુંધવાએ મહાનગરપાલિકાના મેયર નો લોક દરબાર નર્યું નાટક હોવાનુ જણાવી  વોર્ડ વાઇસ લોક દરબાર નું નાટક ચૂંટણી વર્ષમાં  trp અને બીજા મુદ્દાઓને ગેરમાર્ગે દોરવા માટે થઈ  રહયાનું ઉમેર્યુ હતું. લોક દરબાર પ્રજાના પૈસે દેખાડા કરી માત્ર ભાજપના જ કાર્યકર્તાઓને માઈકમાં બોલવાનું અને એમના પ્રશ્નો સાંભળવાનું કહેતા વિવાદ ઉભો થયો હતો. લોકદરબાર મા કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ રાઠોડ અને રણજીત મુંધવા રજૂઆત કરવા માટે માઈક લીધું હતું પણ તુરંત ભાજપના કોર્પોરેટર નેહલ શુકલે કહ્યું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને ચૂંટણી લડેલા આગેવાનો માત્ર લેખિત રજૂઆત કરશે ત્‍યારે રણજીત મુંધવા અને નેહલ શુક્‍લ વચ્‍ચે રજૂઆત બાબતે શાબ્‍દીક રકઝક થતા કોંગ્રેસ આગેવાનો લોક દરબાર છોડી દીધો હતો.

દરમિયાન સ્‍ટેન્‍ડીંગ ચેરમેન જયમીન ઠાકરે કોંગ્રેસ આગેવાનોને જણાવેલ કે તમારા પ્રશ્નો સાંભળવામાં આવે છે અને જો વધુ કાંઇ હોય તો મનપાએ ચા-પાણી પીવા આવજો, ત્‍યાર બાદ ભાજપમાં અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો હતો કે અમને કોઇ દી' આમંત્રણ આપ્‍યું નથી અને કોંગ્રેસને બોલાવ્‍યા છે. વોર્ડમાં લોકોને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા નથી અને કોંગ્રેસને આટલું મહત્‍વ કેમ આપે છે?

આ લોક દરબાર કાર્યક્રમમાં વોર્ડ નં.૭ના નાગરિકો દ્વારા વિવિધ શાખાની કુલ-૬૩ રજુઆતો/પ્રશ્નો રજુ કરવામાં આવી હતી, આ રજુઆતો/પ્રશ્નો ટૂંકા સમયગાળામાં નિકાલ કરવામાં આવનાર છે. લોક દરબારમાં રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગ વાઈઝ પ્રશ્નો નાગરીકો દ્વારા રજુ કરવામા આવ્‍યા હતા.

શાખા / વિભાગનું નામ       સંખ્‍યા૧. સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ ૧૮      ૨. રોશની       ૧ ,    ૩. વેરા વસુલાત   ૩       ૪. બાંધકામ-વો.વ.-ડ્રેનેજ        ૨૨ ૫.  ટી.પી.   ૫ ,     ૬. આરોગ્‍ય      ૧  ૭. દબાણ હટાવ ૭,      ૮. ગાર્ડન        ૧ ૯. ટ્રાફિક ટ્રાન્‍સપોર્ટ    ૧, ૧૦. અન્‍ય વિભાગ  ૨ , ૧૧. એ.એન.સી.ડી.   ૨       કુલ-૬૩

વોર્ડ નં.૭માં યોજાયેલ મેયર તમારા દ્વારે...લોક દરબારમાં વોર્ડ નં.૭ના નાગરિકો દ્વારા લાખાજીરાજ રોડ, ધર્મેન્‍દ્ર રોડ તથા ગરેડીયાકુવા રોડ પર દબાણ દૂર કરવા બાબત, લાખાજીરાજ રોડ પર યુરિનલની નિયમિત સફાઈ કરવા બાબત, બંગડી બજાર તથા સોની બજારમાં રાત્રી સફાઈ કરવા બાબત, વિજય પ્‍લોટમાં આવેલ વોકળાની સફાઈ કરવા બાબત, દાણાપીઠ, પરાબજારમાં રેંકડીઓ કાયમી ધોરણે દૂર કરવા બાબત, મનહર પ્‍લોટમાં ભૂગર્ભ ગટરની લાઇન બદલાવવા બાબત, પાણી વિતરણમાં ફોર્સ ઓછો આવે છે, દાણાપીઠમાં નિયમિત સફાઈ કરાવી આપવા બાબત, રઘુવીરપરામાં નિયમિત સફાઈ કરવા બાબત, વર્ધમાનનગર-પ્રહલાદ પ્‍લોટમાં અશાંત ધારો લાગુ કરવા બાબતની રજુઆત, વર્ધમાનનગરમાં કાયમી સફાઈ કરવા બાબત, ગુરૂકુળ પાસે ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા બાબત, કડિયા પ્‍લોટમાં પેવિંગ બ્‍લોક નાખવા બાબત, ત્રિકોણ બાગ બસ સ્‍ટેન્‍ડ ખાતે બેસવાની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત, ફૂટપાથ પર સુતા રહેતા લોકોને રેનબસેરામાં સ્‍થળાંતર કરાવી આપવા બાબત, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે વધારાની લાઈટ ફિટ કરાવવા બાબત, ભવાનીનગર વિસ્‍તારમાં આર.સી.સી. કરાવી આપવા બાબત, સોની બજારની આસપાસના વિસ્‍તારમાં અશાંત ધારો લાગુ કરવા બાબત, કિશાનપરા ચોકમાં ખુલ્લા પ્‍લોટમાં સફાઈ કરવા બાબત, રામનાથપરા મહાદેવ મંદિર ખાતે રિટેઇનીંગ વોલ બનાવવા બાબત વગેરે મુખ્‍ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થયેલ.

 આ લોક દરબાર કાર્યક્રમના અધ્‍યક્ષ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, વિધાનસભા-૭૦નાં ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક  પક્ષના નેતા  લીલુબેન  જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, દેવાંગભાઈ માંકડ, ડો. નેહલભાઈ શુક્‍લ, શિક્ષણ સમિતિના સભ્‍ય અજયભાઈ પરમાર, નાયબ કમિશનર હર્ષદ પટેલ,  સીટી એન્‍જી. અતુલ રાવલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, ડાયરેક્‍ટર પાર્ક્‍સ એન્‍ડ ગાર્ડન આર.કે. હિરપરા, આરોગ્‍ય અધિકારી ડો. જયેશ વકાણી, એનક્રોચમેન્‍ટ ઓફિસર પરબત બારીયા, નાયબ આરોગ્‍ય અધિકારી ડો. હાર્દિક મેતા, વોર્ડ એન્‍જી.વી.પી.પટેલીયા, મેનેજર કૌશિક ઉનાવા, સિદ્ધાર્થ પંડ્‍યા, વોર્ડ ઓફિસર કમલેશ ઠાકર, અન્‍ય કર્મચારીઓ, વોર્ડ નં.૭ના પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, મહામંત્રી વિશાલભાઈ માંડલીયા, દિપકભાઈ પારેખ, જે.પી.ધામેચા, તથા વોર્ડ નં.૭ના નાગરીકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:05 PM IST)