<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

વેપારી પાસેથી માસીયાઇ ભાઇ સહિત પાંચ જણે ૧ કરોડ ૬૭ લાખનું ૩ કરોડ ૮૧ લાખ વ્‍યાજ ખાધું છતાં ધરાયા નહિ!

મુળ ધોરાજીના યુવાને ૨૦૧૧માં રાજકોટ સ્‍થાયી થઇ શ્‍યામ એન્‍ટરપ્રાઇઝ નામે રેડિમેઇડ કપડાનો વેપાર શરૂ કર્યો હતો : ધંધામાં રોકાણ માટે નાણા લીધા હતાં : હરિનગરના ૩૨ વર્ષિય શ્‍યામ ભુતની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના માસીયાઇ ભાઇ દીપ ટીલવા, પિયુષ ફળદુ, ભરત જાગાણી, રાજદિપસિંહ વાઘેલા, જામનગરના અનિરૂધ્‍ધસિંહ જાડેજા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યોઃ બળજબરીથી ચેક પડાવી લીધા, એક શખ્‍સે કાર પડાવી લીધી : દીપ ટીલવા પાસે ૩ ટકે ૨૫ લાખ લઇ ૫૫ લાખ ચુકવ્‍યા છતાં વધુ વ્‍યાજની માંગણીઃ પિયુષ ફળદુને ૨૭ લાખ સામે અધધધ ૭૦ લાખ ચુકવ્‍યા છતાં વધુ ૨૪.૫૦ લાખની ઉઘરાણીઃ ભરત જાગાણીને ૯૦ લાખ સામે ૧ કરોડ ૫૦ લાખ ચુકવ્‍યા, હજુ ૧ કરોડની માંગણીઃ અનિરૂધ્‍ધસિંહ પાસેથી ૧૫ લાખ લીધા તેના ૫૩ લાખ ચુકવ્‍યા છતાં હજુ ૩૫ લાખની ઉઘરાણીઃ રાજદિપસિંહ પાસેથી ૪૦ લાખના ૫૩ લાખ ચુકવ્‍યા તો'ય વધુ વ્‍યાજની માંગણીઃ શ્‍યામના મિત્રએ લીધેલી રકમનું વ્‍યાજ પણ વસુલ્‍યું: છેલ્લે શ્‍યામને ગામ મુકી મુંબઇ ભાગી જવું પડયું: દોઢેક વર્ષ લપાતા છુપાતા રહી અંતે પોલીસ ફરિયાદ કરી

રાજકોટ તા. ૩૦: વ્‍યાજંકવાદનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. શહેરમાં રહેતાં અને રેડીમેઇડ કપડાનો વેપાર કરતાં યુવાને ધંધાની જરૂરીયાત માટે થઇને અલગ અલગ પાંચ લોકો પાસેથી વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધીમાં ૧,૬૭,૦૦,૦૦૦ વ્‍યાજે લઇ તેની સામે કુલ ૩,૮૧,૦૦,૦૦૦ ચુકવી દીધા હોવા છતાં આ લોકો વધુને વધુ વ્‍યાજ માંગી હેરાન પરેશાન કરી ધમકાવતાં હોઇ આ યુવાન શહેર છોડવા મજબૂર થયો હતો. ગયા મહિને વ્‍યાજખોરી વિરૂધ્‍ધ લોક દરબાર યોજાતાં તેમાં રજૂઆત કરી હોઇ યુનિવર્સિટી પોલીસે તેના આધારે ગુનો દાખલ કર્યો છે. વ્‍યાજખોરો બળજબરીથી ચેક તેમજ કાર પણ લઇ ગયાનું અને ઘરમાં ઘુસી, ઓફિસમાં ઘુસી ધમકીઓ આપતાં હોવાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા ટેલિફોન એક્ષચેન્‍જ પાછળ હરિનગર-૩ સન પ્‍લાઝા એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૨૦૧માં રહેતાં અને કપડાનો ધંધો કરતાં મુળ ધોરાજીના શ્‍યામ દિનેશભાઇ ભુત (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી રાજકોટના દીપ ટીલવા, પિયુષ ફળદુ, ભરત જાગાણી,  જામનગરના અનિરૂધ્‍ધસિંહ જાડેજા, રાજકોટના રાજદિપસિંહ વાઘેલા વિરૂધ્‍ધ આઇપીસી ૩૮૪, ૪૫૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ગુજરાત નાણા ધીરધારની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. વેપારી યુવાને આ બધા પાસેથી વર્ષ ૨૦૧૬થી ૨૦૨૧ સુધી કુલ ૧ કરોડ ૬૭ લાખ રૂપિયા ૩ થી ૫ ટકાના વ્‍યાજે લઇ તેની સામે ૩ કરોડ ૮૧ લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ વ્‍યાજ માંગી ઘરે તથા ઓફિસમાં ઘુસી બળજબરીથી બેંકના ચેક લઇ જઇ તેમજ મારામારી કરી એક શખ્‍સે કાર પણ લઇ જઇ ધમકી આપ્‍યાનો ગુનો નોંધ્‍યો છે.

શ્‍યામ ભુતે જણાવ્‍યું છે કે હું વર્ષ ૨૦૧૧થી રાજકોટમાં રહેવા અને ધ઼ધો કરવા આવ્‍યો હતો. મેં શ્‍યામ એન્‍ટરપ્રાઇઝ પેઢીના નામે રેડીમેઇડ ગારમેન્‍ટનો છુટક જથ્‍થાબંધ વેપાર શરૂ કર્યો હતો. મારે વેપાર વધારવા વધુ મુડી રોકાણની જરૂર ઉભી થતાં માસીના દિકરા દીપ કિરીટભાઇ ટીલવા (રાજકોટ) પાસેથી ૨૦૧૬માં કટકે કટકે બેંકથી અને રોકડેથી ૩ ટકા વ્‍યાજે ૨૫ લાખ લીધા હતાં. તેની સામે મેં તેને કટકે કટકે ૫૫ લાખ મુદ્દલ-વ્‍યાજ ચુકવી દીધા હતાં. આમ છતાં તે હજુ વધુ વ્‍યાજની માંગણી કરે છે. મારો ધંધો સમગ્ર સોૈરાષ્‍ટ્ર કચ્‍છમાં ફેલાયેલો હોઇ મારે ધંધામાં અવાર-નવાર રૂપિયાની જરૂર ઉભી થતી હતી. મેં ૨૦૧૬-૧૭માં પિયુષ ભગવાનભાઇ ફળદુ પાસેથી પણ રૂા. ૨૭ લાખ ૩ ટકાના વ્‍યાજે લીધા હતાં. તેની સામે દર મહિને રોકડા રૂા. ૫૪ હજાર તેને ચુકવતો હતો. મં સિક્‍યુરીટી પેટે ચેક પણ દીધો હતો. આ રીતે પિયુષને કુલ ૭૦ લાખ રોકડા ચુકવી દીધા છે. આમ છતાં તે વ્‍યાજના ૨૪,૫૦,૦૦૦ માંગે છે.

આ પછી મેં ભરત હરિભાઇ જાગાણી પાસેથી ૨૦૧૬-૧૮માં કટકે કટકે ૩ ટકા વ્‍યાજે રૂા. ૪૦ લાખ રોકડેથી લીધા હતાં. તેમજ ૨૦૧૯માં ફરીવાર ૩ ટકે ૫૦ લાખ લીધા હતાં. આ રકમ સામે મેં તેને ૧ કરોડ ૫૦ લાખ ચુકવી દીધા છે. આમ છતાં ભરત ૧ કરોડ માંગે છે. તેણે મેં આપેલા ચેકમાં ૧ કરોડની રકમ ભરી બેંકમાં નાખી રિટર્ન કરાવી મારા વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. ભરતે મારી ઓફિસે આવી બોલાચાલી કરી ઝઘડો કરી મારકુટ પણ કરી હતી.

આ ઉપરાંત જામનગરમાં આવેલા મારા શો રૂમનું સંચાલન પરેશ પટેલ સંભાળતા પરેશભાઇ પટેલના ઓળખીતા અનિરૂધ્‍ધસિંહ સજુભા જાડેજા પાસેથી પાંચ ટકા વ્‍યાજે ૧૫ લાખ લીધા હતાં. તેની સામે મેં તેને ૫૩ લાખ ચુકવી દીધા છે. આમ છતાં તે ૩૫ લાખ માંગે છે, મારી ક્રેટા કાર જીજે૦૪ઇએ-૦૦૩૪ લોન પર લઇ મેં અનિરૂધ્‍ધસિંહને પૈસાની અવેજમાં આપી હતી. એ પછી હું પૈસા આપુ ત્‍યારે ગાડી પાછી આપી દેવાની વાત કરી હતી. ૨૦૨૨-જાન્‍યુઆરીમાં મેં તેન ેવ્‍યાજ આપવાનું બંધ કરતાં મારી ઓફિસે આવી બળજબરીથી મારા પત્‍નિા નામના કોરા ચેક લઇ ગયેલ. મેં તેને ૫૩ લાખ આપી દીધા હોવા છતાં તેણે મને કાર પાછી આપી નથી. હું કાર માંગવા ફોન કરતો તો તે વધુ વ્‍યાજ અને પેનલ્‍ટીની રકમ આપવી પડશે જો નહિ આપે તો ગમે ત્‍યારે મારી નાંખીશ કહી ગાળો દઇ ધમકી આપે છે.

આ ઉપરાંત મારા મિત્ર રોહિત ઉર્ફ પ્રતિક ચોવટીયા સુરત રહેતો હોઇ તેના મિત્ર રાજદિપસિંહ હોઇ તેની સાથે ૨૦૧૯માં મારે ઓળખાણ થઇ હતી. રોહિત ઉર્ફ પ્રતિકે રાજદિપસિંહ ગજેન્‍દ્રસિંહ વાઘેલા (રાજકોટ) પાસેથી ૪૦ લાખ લીધા હોઇ  રોહિત ઉર્ફ પ્રતિક મને સુરતથી આંગડિયા મારફત વ્‍યાજની રકમ મોકલતો હતો, આ રકમ રાજદિપસિંહ રાજકોટની મારી ઓફિસેથી લઇ જતાં હતાં. છએક માસ પ્રતિકે વ્‍યાજ મોકલ્‍યા પછી તેણે વ્‍યાજ ન મોકલતાં રાજદિપસિંહે મારી દૂકાને આવી મને ડરાવી ધમકાવી કહેલું કે પ્રતિકે લીધેલા ૪૦ લાખનું વ્‍યાજ હવે તારે આપવુ પડશે. આથી હું તેને ૪.૫ ટકા લેખે દર મહિને ૧,૮૦,૦૦૦ ચુકવતો હતો.

એ દરમિયાન મારે ધંધામાં જરૂર પડતાં મેં પણ રાજદિપસિંહ પાસેથી ૧૦ લાખ ૫ ટકા વ્‍યાજે લીધા હતાં. મેં તેને ૧૦ લાખ સામે ૫૩ લાખ ચુકવી દીધા છતાં તે વધુ વ્‍યાજ માંગે છે. વળી દીપ ટીલવાએ પણ રાજદિપસિંહને મારી પાસેથી વ્‍યાજ વસુલવા હવાલો આપતાં રાજદિપસિંહે સતત ઉઘરાણી કરી ધમકી આપી હતી અને હેરાન કર્યો હતો. ૨૦૨૨મા રાજદિપસિંહે મારી ઓફિસે આવીને કહેલું કે દીપ ટીલવાને જે વ્‍યાજના રૂપિયા આપવાના છે તે હવે તારે મને આપવા પડશે. ત્‍યારપછી રાજદિપસિંહ મારી ઓફિસે ૨૦૨૨ જુનમાં આવી ધમકાવીને એસપી એન્‍ટરપ્રાઇઝ પેઢીની એચડીએફસી બેંકની ચેક બૂકમાંથી કોરો ચેક ડરાવીને લઇ ગયો હતો. આમ દીપ, પિયુષ, ભરત અને અનિરૂધ્‍ધસિંહ તથા રાજદિપસિંહ મારી પાસેથી મુડી અને વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતાં હોઇ હું ૨૦૨૨ના ઓગષ્‍ટ મહિનામાં મુંબઇ જતો રહ્યો હતો.

આ દરમિયાન રાજદિપસિંહ મારા ઘરે આવેલ અને મારા પત્‍નિને શ્‍યામ ક્‍યાં છે? કહી ધક્કો મારી બેડ રૂમમાં ચેક કર્યુ હતું. એ પછી મારા પરિવારજનોને એલફેલ બોલીને જતો રહ્યો હતો. એ પછી હું અલગ અલગ જગ્‍યાએ છુપાયેલો રહેતો હતો. ૨૮/૬/૨૪ના રોજ પોલીસ કમિશનરો લોક દરબાર યોજાતા તેમાં ફરિયાદ અરજી કરી હતી. જેના આધારે હવે ગુનો દાખલ કરાવ્‍યો છે. તેમ વધુમાં શ્‍યામ ભુતે જણાવતાં યુનિવર્સિટી પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં પીએસઆઇ વી.એન. બોદરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:05 PM IST)