News of Tuesday, 30th July 2024
સાધુ વાસવાણી રોડ પરના જમીન પ્રકરણમાં જેની જવાબદારી થતી હોય તેની સામે પગલા ભરો
કમિશનરને ઉદય કાનગડનો પત્ર : સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વહીવટી પ્રક્રિયા કરીને મંજુરી આપેલ : બાંધકામની કાયદેસરતા જોવાની જવાબદારી વહીવટી તંત્રની

રાજકોટ, તા.૩૦: શહેરના સાધુ વાસવાણી રોડ પરની ૪૭ મીટર જમીનની ફાળવણીના વિવાદ અંગે ધારાસભ્ય અને તત્કાલીન સ્ટેન્ડિગ કમીટી ચેરમેન ઉદય કાનગડે મ્યુ કમિશનરને પત્ર પાઠવી પોતાની કે અન્ય કોઇની જવાબદારી થતી હોય તો કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
ઉદય કાનગડે પત્રમાં જણાવ્યું છે કે સદરહુ જમીન ફાળવણી માટે હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ કમિશનરશ્રી દ્વારા લીગલ અભિપ્રાય મેળવવામાં આવેલ તેવું અમોને દરખાસ્તમાં જણાવવામાં આવેલ, અને ત્યારબાદ સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવેલ.
તાજેતરમાં અખબરોમાં પ્રસિધ્ધ થયેલ સમાચારમાં આ જમીન ફાળવણી બાબતે તત્કાલીન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરી અમારી સામાજિક અને રાજકીય પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકાનો વહીવટ બી. પી. એમ. સી. એકટની જોગવાઇ મુજબ ચાલે છે. કમિશનરશ્રી દ્વારા આ એકટની જોગવાઇ મુજબ સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કરવામાં આવતી દરખાસ્તને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જો સ્ટેન્ડીંગ કમીટી દ્વારા કમિશનરશ્રી તરફથી રજૂ થયેલ દરખાસ્તથી અલગ પ્રકારે નિર્ણય કરવામાં આવેલ હોય તો સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની જવાબદારી ગણી શકાય તેવું અમારૂ સ્પષ્ટપણે માનવું છે. આ કિસ્સામાં કમિશનરશ્રીની દરખાસ્તમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હાઇકોર્ટના ઓર્ડર અન્વયે લીગલ અભિપ્રાય મેળવવામાં આવેલ છે. આ હકીકત ધ્યાને લઇ સ્ટેન્ડીંગ કમિટી દ્વારા દરખાસ્તમાં સુચવેલ હકીકત પરત્વે નિર્ણય કરી જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવેલ છે. અરજદારને ફાળવવામાં આવેલ આ જમીનમાં કોઇ પ્રકારનું બાંધકામ થાય તે કાયદેસર છે કે ગેરકાયદેસર તે જોવાની સંપુર્ણ જવાબદારી ટાઉન પ્લાનીંગ વિભાગ અને વહીવટી વડા તરીકે મ્યુનીસીપલ કમિશનરની ગણાય.
સબબ આ જમીન ફાળવણી અને તેના પર થયેલ બાંધકામમાં કયાંય પણ ગેરરિતિ થઇ હોય તો તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અમારી કોઇપણ જવાબદારી ફીકસ થતી હોય તો અમારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા તેમજ જો મહાનગરપાલિકામાં કોઇપણ અધિકારી/કર્મચારીની જવાબદારી ફીકસ થાય તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવી. તેમ ઉદય કાનગડે પત્રમાં જણાવ્યું છે.
(4:05 PM IST)










