News of Tuesday, 30th July 2024
રોગચાળો વકર્યોઃઅઠવાડીયામાં ૨૨૨૨૦ દર્દીઓ પીડીયુ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં નોંધાયા
વરસાદની ઋતુમાં સોૈથી વધુ પેટના રોગના દર્દીઓ આવ્યાઃ તાવ, શરદી, ઉધરસના કેસો વધ્યા

રાજકોટ તા. ૩૦: વરસાદની ઋતુમાં રોગચાળો વકરી જતો હોય છે. આ સીઝનમાં ખાસ કરીને ઝાડા, ઉલ્ટી, તાવ, શરદી, ઉધરસના કેસ વધી જતાં હોય છે. પેટના દર્દીઓ પણ આ સીઝનમાં વધતાં હોય છે. શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં સતત દર્દીઓ ઉભરાઇ રહ્યા છે. એક અઠવાડીયામાં અહિ કુલ ૨૨૨૨૦ દર્દીઓ નોંધાયા છે. જેમાં પેટના રોગના દર્દીઓ વધુ હતાં. એક પખવાડીયામાં ઓપીડીમાં ૪૨ હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધાનું જણાવાયું છે.
પીડીયુ સિવિલ હોસ્પિટલના સુત્રોના જણાવ્યા અનુસાર અહિ ૨૧-૭થી ૨૭-૭ સુધીમાં કુલ ૨૨૨૨૦ લોકોએ અલગ અલગ ઓપીડીમાં સારવાર લીધી છે. જેમાં ૨૧મીએ ૨૮૪૬ દર્દી, ૨૨મીએ ૪૧૬, ૨૩મીએ ૪૨૦૬, ૨૪મીએ ૩૫૯૪, ૨૫મીએ ૩૫૩૮, ૨૬મીએ ૩૫૭૫ અને ૨૭મીએ ૪૦૪૫ દર્દીઓએ સારવાર લીધાની નોંધ થઇ છે. જેમાં ૧૪મીથી ૨૦મી જુલાઇ સુધીમાં તાવના ૩૨૩ દર્દીઓ સહિત ૧૯૭૪૫ દર્દીઓની ઓપીડી કરવામાં આવી હતી.
હાલમાં ચોમાસાની ઋતુ હોઇ લોકોએ બને ત્યાં સુધી બહારના અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ. સ્વસ્થતા પર વધુ ધ્યાન આપવું જોઇએ. વરસાદી ઋતુમાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્ટી, પેટના દુઃખાવાના દર્દીઓ વધી જતાં હોય છે. પેટ આંતરડાને લગતી તકલીફના પંદર દિવસમાં ૭૭ દર્દીઓને તપાસવામાં આવ્યા હતાં. કોલેરોનો એક કેસ પણ આવ્યો હતો. તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ તમામ ઓપીડીમાં સતત તબિબો સવાર-સાંજ દર્દીઓનું નિદાન સારવાર કરે છે.
(4:58 PM IST)










