<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

રાજકોટ સિવિલમાં ચાંદીપુરાનો પોઝિટીવ રિપોર્ટ ધરાવતી બાળકી સઘન સારવારથી સ્‍વસ્‍થ થઇઃ આજે ૮ દર્દી સારવારમાં

તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, મિડીયા કો-ઓર્ડિનેટર ડો. હેતલ કયાડા, પિડીયાટ્રીક વડા ડો. પંકજ બુચે વિગતો જણાવી અત્‍યાર સુધીમાં ૨૦ કેસ આવ્‍યા તેમાંથી પાંચ પોઝિટીવ હતાં: કુલ ૮ મૃત્‍યુ થયાઃ તેમાં એક કેસ પોઝિટીવ હતો અમારા માટે ખુશીનો દિવસઃ અધિક્ષક ડો. મોનાલી માકડીયા

રાજકોટ તા. ૩૦: ચાંદીપુરા વાયરસને કારણે રાજ્‍યભરનું આરોગ્‍ય તંત્ર દોડધામ કરી રહ્યું છે. આ વચ્‍ચે રાજકોટ પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયેલી એક બાળકી કે જેનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટીવ આવેલો હતો તે બાળકોના વિભાગમાં તમામ તબિબી, નર્સિંગ સ્‍ટાફની સઘન સારવાર દેખરેખ  હેઠળ ૧૧ દિવસ બાદ સંપુર્ણ સાજી થઇ જતાં તબિબો સહિત સમગ્ર ટીમે હરખ વ્‍યક્‍ત કર્યો હતો અને આજે બાળકીને રજા આપી હતી. આ અંગેની વિગતો તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયા, પીડીયાટ્રીક વિભાગના વડા ડો. પંકજ બુચ અને મિડીયા કો-ઓર્ડિનેટર ફોરેન્‍સિક વિભાગના ડો. હેતલ કયાડાએ આપી હતી.

અધિક્ષક ડો. મોનાલી માકડીયાએ જણાવ્‍યું હતું  કે ચાંદીપુરા વાયરસની શંકા ધરાવતાં દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ સંલગ્ન ઝનાના હોસ્‍પિટલમાં અને ત્‍યાંના બાળકોના વિભાગમાં ખાસ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. અહિ તબિબો અને નર્સિંગ સ્‍ટાફ સતત ખડેપગે રહી દર્દીઓની સારવાર, દેખરેખ રાખે છે. તેના ફળ સ્‍વરૂપે સાત વર્ષની નફીસા નામની બાળકી કે જે પરિવાર સાથે પડધરીમાં રહે છે અને તેનું મુળ વતન મધ્‍યપ્રદેશ છે તે સિવિલમાં સઘન સારવારને લીધે સ્‍વસ્‍થ થઇ છે એ અમારા સોૈ માટે ખુબ મોટી ખુશીની વાત છે.

પિડીયાટ્રીક વડા ડો. પંકજ બુચે જણાવ્‍યું હતુંકે જે બાળકી સ્‍વસ્‍થ થઇ તેની ઉમર સાત વર્ષની છે અને તેની સારવાર માટે તબિબો, નર્સિંગ સ્‍ટાફે દિવસ રાત એક કરી દીધા હતાં. આ યુનિટના ડો. પલક હપાણીએ જણાવ્‍યું હતું કે બાળકી ૨૦મીએ દાખલ થઇ હતી. તેને તાવ અને આંચકી આવી હતી. પહેલા સ્‍થાનિક સારવાર લીધી હતી, એ પછી બેભાન થઇ જતાં મોટી હોસ્‍પિટલમાં લઇ જવાયેલ. બાદમાં અહિ સિવિલમાં લાવવામાં આવી હતી. અહિ ચાંદીપુરાના લક્ષણ દેખાતા સારવાર ચાલુ થઇ હતી. બાળકીને લોહી જામી જવું, ગ્‍લુકોઝ ઓછુ થઇ જવું, બ્‍લડ પ્રેસર અને હૃદયના ધબકાર ઘટી જવા સહિતની તકલીફો સામે આવી હતી. ચાંદીપુરાનો રિપોર્ટ પણ પોઝિટીવ આવેલો હતો. બાળકીની સઘન સારવાર કરવામાં આવતાં તે સાજી થઇ હતી અને ફરીથી બધા રિપોર્ટ થતાં તે નોર્મલ આવતાં આજે રજા અપાઇ હતી.

મિડીયા કો-ઓર્ડિનેટર ડો. હેતલ કયાડાએ જણાવ્‍યું હતું કે કોઇપણ બાળકમાં તાવ, આંચકી જેવા લક્ષણ જણાય તો તુરત હોસ્‍પિટલમાં તેનું ચેકઅપ કરાવી લેવું જરૂરી છે. ચાંદીપુરા એ માણસથી બીજા માણસમાં ફેલાય તેવો રોગ નથી આથી જો કોઇ વિસ્‍તારમાં આવુ દર્દી જાહેર થાય તો બીજા લોકોએ નાહકની ચિંતા કરવાની જરૂર નથી. સિવિલ હોસ્‍પિટલમાં ચાંદીપુરાની સારવાર માટે પુરતી વ્‍યવસ્‍થા છે. બેડ, તબિબો, નર્સિંગ સ્‍ટાફ, મેન પાવર્સ, દવા બધુ ઉપલબ્‍ધ છે. પત્રકારોને માહિતી આપતી વખતે સિનીયર તબિબ ડો. એમ. સી. ચાવડા પણ હાજર રહ્યા હતાં.

(5:03 PM IST)