તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
કાલથી અટલ સરોવર ફરી ખુલ્લુ મુકાશે
ગેમઝોનના અગ્નિકાંડ પછી બંધ રખાયેલ ફરવા લાયક સ્થળ ધમધમશેઃ રાઇડઝ હજુ બંધ રહેશે : બગીચા, બોટીંગ, ટ્રોય ટ્રેન, વોક-વે, સાયકલ ટ્રેક, ગ્રામ હાર્ટ, ખાણી-પીણીના સ્ટોલ વગેરે સુવિધા

રાજકોટઃ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવે છે કે, આગામી પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકો નવું નજરાણું ‘‘અટલ સરોવર''ની મુલાકાત લઈ અભિભૂત થાય તે હેતુસર ‘‘અટલ સરોવર'' મુલાકાતીઓ માટે હરવા ફરવા તેમજ નિહાળવા માટે આવતીકાલે તા.૦૧/૦૮ ગુરૂવારથી ‘‘અટલ સરોવર'' ફરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે ‘‘અટલ સરોવર''માં આવેલ એમ્યુઝમેન્ટ પાર્કની વિવિધ રાઇડ્સ મુલાકાતીઓ માટે હાલ બંધ રાખવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘અટલ સરોવર'' રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું નજરાણું કેન્દ્ર સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ટી.પી. સ્ક્રીમ નં.૩૨(રૈયા) વિસ્તારમાં રૂ.૧૩૬/- કરોડના ખર્ચે ‘‘અટલ સરોવર'' અને એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવવામાં આવેલ છે.
‘‘અટલ સરોવર''માં અંદાજે ૪૭૭ મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. ‘‘અટલ સરોવર''નું કૂલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘‘અટલ સરોવર''નું તા.૦૭/૦૩/૨૦૨૪ના રોજ લોકાર્પણ કરવામાં આવેલ તેમજ ૧લી-મે ૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના ગૌરવવંતા દિવસથી રાજકોટવાસીઓને હરવા ફરવાના આ નવું નજરાણું ખુલ્લું મૂકવામાં આવેલ.
‘‘અટલ સરોવર''માં ઉપલબ્ધ સુવિધાઓઃ ગાર્ડન, સ્પેશીયલ ચિલ્ડ્રન ગાર્ડન, ફેરિસ વ્હીલ (૩૦ મીટર એટલે કે ૧૦૦ ફૂટ ડાયામીટર છે), બોટિંગ, ટોયટ્રેઇન, વોકવે, સાઇકલ ટ્રેક, ર્પાકિંગ એરિયા,બે એમ્ફી થીયેટર, એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ, પાર્ટી પ્લોટ, બે(૨) ફૂડ કોર્ટ, ગ્રામ હાટ (શોપિંગ સેન્ટરશોપ્સ), ફ્લેગમાસ્ટ(૭૦ તથા ૪૦ મી. ઊંચા), લાઈટ એન્ડ સાઉન્ડશો વગેરે સુવિધાઓ તથા ‘‘અટલ સરોવર'' વિસ્તારમાં ગ્રામ હાટ માટે કુલ-૪૨ દુકાનોનું નિર્માણ કરવામાં આવેલ છે. બંને ફ્લેગ પોલ પૈકી એક પોલની ઊંચાઈ ૭૦ મીટર છે. જે ગુજરાતનો ઊંચામાં ઊંચો ફ્લેગ પોલ છે. આ ઉપરાંત શોપિંગસેન્ટર તેમજ ૭ ટોઇલેટ બ્લોક છે.
‘‘અટલ સરોવર''ના લોકાર્પણ બાદ ‘‘અટલ સરોવર''ની મુલાકાત માટે રાજકોટના શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના નાગરિકોનો મોટા પ્રમાણમાં ધસારો જોવા મળેલ. પરંતુ, શહેરમાં નાના મૌવા રોડ પાસે આવેલ ટી.આર.પી. ગેમ ઝોનમાં બનેલ આગની દુર્ઘટના બાદ રાજ્ય સરકારશ્રીની સુચના અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘અટલ સરોવર'' મુલાકાતીઓ મુલાકાત માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ. હવે કમિશનર અને પદાધિકારીઓએ શહેરના નવા નજરાણા ‘‘અટલ સરોવર''ની મુલાકાત લેવા શહેરીજનોને આહવાન કરે છે.
(3:12 PM IST)










