<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

રાજકોટ સિવિલમાં ચાંદીપુરાના દર્દીઓની સંખ્‍યા વધીને ૧૧ થઇઃ રાજકોટ, ધ્રાંગ્રધાના વધુ ત્રણ બાળકો સારવારમાં

દ્વારકાથી રાજકોટ આવેલા ૦૫ વર્ષના બાળક, તરઘડીયાની ૭ માસની બાળકી તથા ધ્રાંગધ્રાના ૨ વર્ષના બાળકના સેમ્‍પલ લેવાયાઃ

રાજકોટ તા. ૨: શહેરની સિવિલ હોસ્‍પિટલમાં ચાંદીપુરાના દર્દીઓની સંખ્‍યા વધી રહી છે. વધુ ત્રણ શંકાસ્‍પદ કેસ જાહેર થયા છે. જેમાં દ્વારકાથી હાલ રાજકોટ આવેલા પાંચ વર્ષના એક બાળક, તરઘડીયાની ૭ મહિનાની બાળકી અને સુરેન્‍દ્રનગરથી આવેલા મુળ પાવાગઢના બે વર્ષના બાળકનો સમાવેશ થાય છે. આ ત્રણેયના સેમ્‍પલ લઇ પરિક્ષણ માટે ગાંધીનગર લેબમાં મોકલાયા છે.જાણવા મળ્‍યા મુજબ સિવિલ હોસ્‍પિટલ સંલગ્ન ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ચાંદીપુરાની સારવાર માટે ખાસ આઇસીયુ વોર્ડ ઉભો કરાયો છે. જેમાં ચોવીસ કલાક તબિબો, નર્સિંગ સ્‍ટાફની ખાસ ટીમ ફરજ બજાવે છે. સિવિલમાં વધુ ત્રણ દર્દીને ચાંદીપુરાની શંકા સાથે લાવવામાં આવતાં તેને દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. ૫ાંચ વર્ષના બાળકનો પરિવાર મુળ દ્વારકા જામરાવલનો છે. અહિ આજીડેમ પાસે આ સગા રહેતાં હોઇ બાળકને લઇ પરિવાર અહિ આવ્‍યો હોઇ તેને તાવ સહિતના લક્ષણો હોઇ સિવિલમાં બતાવતાં ચાંદીપુરા હોવાની શંકા ઉપજતાં દાખલ કરાયેલ છે.ડો. હેતલ કયાડાના જણાવ્‍યા અનુસાર અન્‍ય એક ૭ મહિનાની બાળકીને પણ ચાંદીપુરાના લક્ષણો દેખાયા છે. આ બાળકી રાજકોટના કુવાડવાના તરઘડીયાથી આવેલી છે. આ બાળકીની કોઇ ટ્રાવેલ હિસ્‍ટ્રી નથી. જ્‍યારે બે વર્ષના બાળકનો પરિવાર હાલ સુરેન્‍દ્રનગરના ધ્રાંગધ્રામાં રહે છે. આ પરિવાર મુળ પાવગઢનો વતની છે. બે મહિના પહેલા પાવાગઢથી ધ્રાંગધ્રા આવ્‍યો છે. આમ વધુ ત્રણ નવા શંકાસ્‍પદ દર્દી દાખલ થતાં આજે કુલ દર્દીઓની સંખ્‍યા ૧૧ થઇ છે.

 આ ૧૧માંથી ૦૩ દર્દીના રિપોર્ટ પોઝિટિવ છે, ૦૩ના નેગેટિવ છે. જ્‍યારે ૦૫ દર્દીઓના રિપોર્ટ આવવાના બાકી છે.

(2:55 PM IST)