News of Friday, 2nd August 2024
રાજકોટના આંગણે વિવિધ રોગ - નિદાન અને અદ્યતન સારવાર માટે જીમાકોન રાજ્યકક્ષાની કોન્ફરન્સ
તા. ૧૯-૨૦ ઓકટોબરના ઇન્ડીયન મેડીકલ એસોસીએશનની રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં ચેરમેન તરીકે જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયાની વરણી, ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી ડો. સંજય ભટ્ટ, ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહની વરણી

રાજકોટ તા. ૨ : રાજકોટનું તબીબી જગત વધુ એક યાદગાર પળોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત શાખાની ૭૬મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ રાજકોટના આંગણે યોજાઈ રહી છે. આઠ વર્ષ બાદ એલોપેથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની રાજય કક્ષાની કોન્ફરન્સના યજમાન બનવાની તરફ રાજકોટ આઈ.એમ.એ. ને મળી છે જે રાજકોટના તબીબી જગત માટે ગૌરવની અનુભૂતી છે, એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયાએ જણાવ્યુ છે. કોન્ફરન્સના ચેરમેન તરીકે રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયા તથા ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી તરીકે ડો. સંજય ભટ્ટ, ડો. ચેતન લાલસેતા અને ડો. પારસ શાહ ની વરણી કરવામાં આવી છે.
આઈ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને સેકેટરી ડો. મેહુલ શાહએ જણાવ્યુ છે કે, તેમની ગુજરાત આઈ.એમ.એ.ની ટીમ દ્વારા આખુ વર્ષ તબીબોના જ્ઞાનની વૃધ્ધિ સાથે સમગ્ર સમાજને કંઈ ફાયદો થાય લોકો રોગનો ભોગ બનતા અટકે તંદુરસ્ત સમાજની રચના થાય એ હેતુ સાથે લોકજાગૃત્તિની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગ રૂપે યોજાનાર આ તબીબોની રાજય કક્ષાની કોન્ફરન્સ પણ આધુનિક જીવન શૈલીના કારણે થતા રોગ અને તેની સારવાર તથા આ રોગ અટકાવવા આપણે શું કરવું જોઈએ એ જ મુખ્ય મુદ્દા પર આધારીત છે. ગુજરાત આઈ. એમ.એ.ની સળંગ ૭૬મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ દ્વારા તંદુરસ્ત સમાજની રચના માટે નવા વિચારો તબીબોમાં રોપવાનો પ્રયાસ કરવામાં આવશે જેનો સમગ્ર સમાજને કાયદો થશે.ઈન્ડીયન મેડિકલ એસોસીએશનના રાષ્ટ્રીય સેક્રેટરી ડો. અનિલ નાયકે માહિતી આપતા કહ્યું કે, તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજય કક્ષાની કોન્ફરન્સમાં ૨૫૦થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી. તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે.
ગુજરાત આઈ. એમ.એ.ના પ્રેસીડન્ટ રાજકોટના જાણીતા ઈ.એન.ટી. સર્જન ડો. ભરત કાકડીયા અને જીમાકોનના ચેરમેન રાજકોટના જાણીતા પેથોલોજીસ્ટ ડો. અતુલ પંડયાના જણાવ્યા અનુસાર ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ આગામી તા. ૧૯-૨૦ ઓક્ટોબર ૨૦૨૪ (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહી તબીબી ક્ષેત્રે થયેલી અદ્યતન શોધ-સારવાર અંગે જ્ઞાનની આપલે કરશે. ગુજરાત આઈ.એમ.એ.ની રાજય કક્ષાની આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના વિવિધ રોગના નિષ્ણાત તબીબો ખાસ ઉપસ્થિત રહી તેમના જ્ઞાનનો લાભ અને માર્ગદર્શન આપશે. તેમના જણાવ્યા અનુસાર ઈન્ડીયન મેડિકલ એસોસીએશન એ એલોપેથીક તબીબોનું રાષ્ટ્રીય કક્ષાનું સંગઠન છે. ૧૯૨૮માં તેની સ્થાપના થઈ છે. હાલ દેશભરમાં ૩૪ રાજયમાં ૧૭૫૦ થી વધુ બ્રાન્ચમાં ચાર લાખથી વધુ તબીબ મેમ્બર છે. વિશ્વનું સૌથી મોટુ બિનરાજકીય સેવાભાવી સંગઠન છે. દેશની આરોગ્યલક્ષી પોલીસીના ઘડતરમાં તે મહત્વનો ભાગ ભજવે છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે અને જીમાકોન-૨૪ના કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટના જણાવ્યા અનુસાર ઈન્ડીયન મેડિકલ એસોસીએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘર આંગણે આધુનિક તબીબી સારવાર મળી રહે એ માટે દેશભરના દસેક હજાર ગામડા દતક લઈ ‘આઓ ગાઉ ચલે' કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં તબીબો જે તે ગામમાં નિયમીત કેમ્પ કરી લોકોને વિનામુલ્યે તપાસી યોગ્ય નિદાન કરવા સાચે તંદુરસ્ત જીવન શૈલી વિશે માર્ગદર્શન આપે છે.
જીમાકોન-૨૦૨૪ના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. સંજય ભટ્ટ, અને ડો. પારસ શાહે કોન્ફરન્સની થીમ વિશે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર મતલબ કે આધુનિક-અનિયમીત જીવનશૈલીના કારણે થતાં રોગ, હાલ આપણે ભાગ-દોડવાળી, ટેન્શનવાળી જીંદગી જીવીએ છીએ. અનિયમિત- બેઠાડુ અને શ્રમના અભાવવાળી લાઈફ સ્ટાઈલના કારણે ઉદ્ભવતા રોગ હાલ પડકારજનક સ્થિતિમાં જોવા મળે છે. વર્તમાન જીવનશૈલીના કારણે હૃદય રોગ, મગજના રોગ, માનસિક રોગ, ડિપ્રેશન, તાણ, નિરાશા, વધુ પડતી મેદસ્વીતા, સાંધાના-કમરના દુઃખાવા, પેટ-પાચનને લગતા દર્દ ખૂબ જોવા મળે છે. ઈન્ફેક્શથી થતા રોગ કરતા હાલ વાયુ પ્રદુષણ અને આહારમાં ભેળસેળના કારણે લોકો વધુ રોગમાં સપડાય છે. આ બધા પ્રકારના રોગ વિશે લોકોને જાગૃત કરવા અને લોકો આવા રોગમાં નો સપડાય એ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
જીમાકોન-૨૪નાકો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો. હિરેન કોઠારી અને ડો. દિપેશ ભાલાણીના જણાવ્યા અનુસાર ગુજરાત આઈ. એમ. એ. ના. હોદાદારોના માર્ગદર્શન હેઠળ રાજકોટની ટીમ દ્વારા વરસોથી સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે. નિયમીત સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ગામડાના લોકોને ઘર આંગણે નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન ઉપલબ્ધ બને એ માટે નાના સેન્ટરોમાં જઈ વિવિધ સેમીનારો, અકસ્માતના કારણે થતા મોતના બનાવો અટકે એ માટે ટ્રાફીક અવેરનેસના સેમીનારો, વ્યસન મુક્ત સમાજની રચનાના હેતુ સાથે લોક જાગૃતિના કાર્યક્રમો, વિવિધ રોગ વિશે લોકોમાં ફેલાયેલી ગેરસમજો દૂર થાય એ માટેના પ્રયાસો, તંદુરસ્ત બાળક, તંદુરસ્ત માતા, તંદુરસ્ત પરિવારની ભાવના સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
કોન્ફરન્સમાં બે વિશેષ ઓરેશન રાખવામાં આવ્યા છે. જેમાં ડો. એસ. ટી. હેમાણી ઓરેશન અને ડો. પી. આર. ત્રિવેદી ઓરેશન એમ બે ઓરેશનમાં દેશના જાણીતા તબીબ દ્વારા વિસ્તૃત લેક્ચર-માર્ગદર્શન આપવામાં આવશે. કોન્ફરન્સમાં દેશ-વિદેશના અંદાજે બે હજારથી વધુ તબીબો, તબીબી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લેશે.
આઈ.એમ.એ.-રાજકોટના પ્રમુખ ડો. કાંત જોગાણી અને સેક્રેટરી ડો. અમીષ મહેતાના જણાવ્યા અનુસાર આઈ.એમ.એ. દ્વારા તબીબો સતત વિવિધ રોગની વિશ્વકક્ષાની સારવારથી જાણકાર રહે એ માટે તબીબો માટે શૈક્ષણીક અને તાલીમના સેમીનારો યોજાય છે. દર્દીને સારામાં સારી સારવાર મળે એ માટે તબીબોના જ્ઞાનમાં સતત વૃધ્ધિ થતી રહે એ માટે સંસ્થા વિવિધ સેમીનાર યોજી દેશ-વિદેશના જે તે રોગના નિષ્ણાત તબીબોના લેક્ચર રાખે છે. આ ઉપરાંત લોકો રોગ મુક્ત રહે અને તંદુરસ્ત સમાજની રચના ચાય એ માટે લોક જાગૃત્તિના અનેક કાર્યક્રમો નિયમીત રૂપે યોજાય રહ્યા છે. સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ વગેરેનું આયોજન કરવામાં આવતું હોય છે.
જીમાકોન-૨૪ ના સફળ આયોજન માટે રીશેપ્શન કમીટીના ચેરમેન ડો. ડી. કે. શાહ, સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, સુવેનિયર કમીટીના ચેરમેન ડો. જય ધીરવાણી, ઓડિયો વિઝ્યુઅલ કમીટીના ચેરમેન ડો. મિહિર તન્ના, ઈનોગ્રેશન ફંક્શન કમીટીના ચેરમેન ડો. અમીત હપાણી, ફાયનાન્સ કમીટીના ચેરમેન ડો. મયંક ઠક્કર, વેન્યુ અને સ્ટોલ કમીટીના ચેરમેન ડો. સંકલ્પ વણઝારા, એન્ટરટેઈનમેન્ટ કમીટીના ચેરમેન ડો. નિતિન લાલ, હોલ મેનેજમેન્ટ કમીટીના ચેરમેન ડો. વિજય નાગેચા, ડો. સ્વાતિબેન પોપટ, રજીસ્ટ્રેશન કમીટીના ચેરમેન ડો. રશ્મી ઉપાધ્યાય, એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ કમીટીના ચેરમેન ડો. નિતીન ટોલીયા, ફુડ એન્ડ બેવરેજીસ કમીટીના ચેરમેન ડો. કમલેશ કાલરીયા, કીટ એન્ડ મેમેન્ટો કમીટીના ચેરમેન ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. વી. બી. કાસુન્દ્રાની આગેવાની હેઠળ વિવિધ કમીટીની રચના કરવામાં આવી છે
(11:30 AM IST)










