<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ખુબ ઓછા વજન સાથે જન્‍મેલા પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં સઘન સારવાર થતાં ૭૯માં દિવસે યોગ્‍ય વજન મેળવ્‍યું

જન્મ સાથે જ બાળકને ગુંગળામણ થતી હતીઃ ઍક અઠવાડીયુ વેન્ટીલેટર પર રખાયું પછી અલગ અલગ સારવાર અપાઇ ; મેટરનલ ઍન્ડ ચાઇલ્ડ વિભાગની ટીમની અથાક સારવારઃ કાંગારૂ મધર કેર પધ્ધતિનો ઉપયોગ

જન્‍મ સાથે બાળકની જે હાલત તે પ્રથમ તસ્‍વીરમાં અને બીજી તસ્‍વીરમાં તેનું વજન વધી ગયા બાદ સ્‍વસ્‍થ થયું તે તથા કાંગારૂ મધર કેર પધ્‍ધતિથી બાળકને પિતા કઇ રીતે છાતીએ લગાડી રાખે છે તે દ્રશ્‍ય અને ૭૯ દિવસ સુધી સતત બાળકની સારવાર કરી તેને નવુ જીવન બક્ષવામાં સફળતા મેળવનાર તબિબો અને નર્સિંગ સ્‍ટાફની ટીમ જોઇ તથા નવજાત બાળક સાથે ખુશખુશાલ દંપતિ જોઇ શકાય છે

જન્‍મ સાથે જ બાળકને ગુંગળામણ થતી હતીઃ એક અઠવાડીયુ વેન્‍ટીલેટર પર રખાયું પછી અલગ અલગ સારવાર અપાઇ

 

મેટરનલ એન્‍ડ ચાઇલ્‍ડ વિભાગની ટીમની અથાક સારવારઃ કાંગારૂ મધર કેર પધ્‍ધતિનો ઉપયોગ

રાજકોટ તા. ૨: પીડીયુ સિવિલ હોસ્‍પિટલમાં સારી અને સઘન સારવાર અનેક દર્દીઓ માટે લાભકર્તા સાબિત થઇ રહી છે. અનેક ગંભીર દર્દીઓ હસતાં મોઢે ઘરે જતાં જોવા મળે છે. તાજેતરમાં ચાંદીપુરાનો પોઝિટિવ રિપોર્ટ ધરાવતી બાળકીની સારવાર થતાં તે સ્‍વસ્‍થ થઇ હતી અને રજા અપાઇ હતી. ઝનાના હોસ્‍પિટલમાં આવેલા મેટરનલ એન્‍ડ ચાઇલ્‍ડ વિભાગની સારવારને કારણે વધુ એક નવજાત બાળકને નવુ જીવન મળ્‍યું છે. ખુબ ઓછા વજન સાથે જન્‍મેલા બાળકની હાલત જન્‍મથી જ ખુબ ખરાબ હતી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. બાળક છઠ્ઠા મહિને જન્‍મ થયો હોઇ આવી પરિસ્‍થિતિ ઉભી થઇ હતી. વળી વજન માત્ર ૭૪૦ ગ્રામ હતુ. આ બાળકને સતત ૭૯ દિવસ  સારવાર અપાતાં તેનું વજન યોગ્‍ય થઇ ગયું હતું. બાળકને આજે સંપુર્ણ સ્‍વસ્‍થ કરી તેના માતા-પિતાને સોંપાતા તેમણે સમગ્ર તબિબી ટીમ અને નર્સિંગ ટીમનો આભાર માન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટના રવીનાબેન ગોકુલભાઇ લુહાર-નેપાળીને ગત તા. ૧૧/૫/૨૪ના રોજ પ્રસુતીની પીડા ઉપડતાં સિવિલ હોસ્‍પિટલના ઝનાના વિભાગમાં દાખલ કરાઇ હતી. અહિ છઠ્ઠા મહિને તેણે બાળકને જન્‍મ આપ્‍યો હતો. જો કે આ બાળકનું વજન માત્ર ૭૪૦ ગ્રામ જ હતું.

અત્‍યંત ઓછા વજનવાળા માત્ર ૨૬ અઠવાડિયાની પ્રેગનન્‍સી બાદ ખુબ જ વહેલા જન્‍મેલા બાળકની એમસીએચ-પીડીયુ સિવિલ હોસ્‍પિટલ, રાજકોટ ખાતે નોર્મલ ડિલિવરી દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી હતી. બાળકને જન્‍મથી ગંભીર ગૂંગળામણ થતી હોવાથી તુરત વેન્‍ટિલેટર અને અન્‍ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્‍યું હતું. બાળકને એક અઠવાડિયું વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યું હતું, પછી ધીમે ધીમે શ્વાસ લેવાની ક્ષમતા વધતા સીપીએપી (કન્‍ટીન્‍યુઅસ પોઝિટિવ એરવે પ્રેસર) મશીન અને ત્‍યાર બાદ ઓક્‍સિજન પર ખસેડવામાં આવ્‍યું હતું. બાળક ખુબ જ વહેલા જન્‍મને કારણે તેની અલગ અલગ જટિલતાઓ જેવી કે નેક્રોટાઇઝિંગ એન્‍ટરકોલાઇટિસ, એનિમિયા અને પ્રિમેચ્‍યોરિટી ઓફ રેટિનોપેથીથી પણ પીડાતું હતું. એકવાર બાળક સ્‍થિર થઈ ગયા પછી, ધીમે ધીમે માતાનું એક્‍સ્‍પ્રેસ્‍ડ બ્રેસ્‍ટમિલ્‍ક વધારવામાં આવ્‍યું હતું.

માતાના સ્‍તનપાન અને માતા-પિતા બંને દ્વારા અપાતી કાંગારૂ મધર કેરને કારણે બાળકનું વજન વધારવા માટે મોટો ટેકો મળ્‍યો હતો. કાંગારૂ મધર કેર ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂપ સાબિત થયેલી પદ્ધતિ છે કે જેમાં નવજાત શિશુને માતાની છાતી સાથે શિશુના શરીરનો સીધો સંપર્ક થાય તેમ વળગાડીને રાખવામાં આવે છે. અંતે સારવારના ૭૯મા દિવસે બાળકે ૧.૭ કિલો વજન હાંસલ કર્યું હતું. ત્‍યાર બાદ બાળક ખુલ્લી હવામાં યોગ્‍ય રીતે શ્વાસ લેવા સક્ષમ થતા, હૃદયના ધબકારા તથા રક્‍તપ્રવાહ સ્‍થિર થતા અને સારી રીતે સ્‍તનપાન કરતુ થતા , તેને સફળતાપૂર્વક ડિસ્‍ચાર્જ કરવામાં આવ્‍યું હતું. આ વખતે માતા-પિતા બંને ખુશખુશાલ હતાં અને સમગ્ર તબિબી ટીમ, નર્સિંગ સ્‍ટાફ સહિતનો હસતાં મોઢે આભાર વ્‍યક્‍ત કરી વિદાય લીધી હતી.

તબિબી અધિક્ષક ડો. મોનાલી માકડીયાની રાહબરીમાંડો. મનાલી વીરપરીયા, ડો. માનસી શાહ, ડો. રૂપલ, ડો. રીયા, ડો. કુલદીપ, ડો. અશરી તથા નર્સિંગ સ્‍ટાફના નિરમા તાવીયાડ, રિપલ ચોૈધરી, ખુશ્‍બૂ ખોખર અને હેતલ મકવાણાની ટીમે આ નોંધપાત્ર સારવારમાં ભાગ ભજવ્‍યો હતો.

(2:32 PM IST)