<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

પ્ર.નગર, ગાંધીગ્રામ, ભક્‍તિનગર, કુવાડવા, આજીડેમ પોલીસ સ્‍ટેશન ખાતે ‘લોન મેળા'નો સેંકડો લોકોએ લાભ લીધો

અગાઉ પ્રોસેસ કરી ચુકેલા એક વ્‍યક્‍તિને કુવાડવા પોલીસે પાંચ લાખનો ચેક અર્પણ કર્યોઃ વ્‍યાજંકવાદ વિરોધી અભિયાનના ભાગ રૂપે પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં પોલીસનું સરાહનીય પગલુ

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા વ્‍યાજંકવાદને લગતો લોક દરબાર યોજાયો ત્‍યારે તેમાં ભાગ લેનાર લોકોને નાણાકીય જરૂરિયાત હોય તો બેંકનો સંપર્ક કરવો તેવી સલાહ આપ્‍યા બાદ ભોગ બનનાર લોકોએ વ્‍યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ લોન મેળવવાની પ્રક્રિયાથી લોકો અજાણ હોઇ તેવા લોકો સરળતાથી લોન લઇ શકે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાએ તમામ પોલીસ સ્‍ટેશનો ખાતે લોન મેળા યોજી લોકોની દુવિધા દુર કરવા સુચના આપી હતી. તે અંતર્ગત શહેરના અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં લોન મેળા યોજાયા હતાં. જેમાં ભક્‍તિનગર પોલીસ મથકમાં પીઆઈ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં ૭૦, આજી ડેમ પોલીસમાં પીઆઈ એ. બી. જાડેજાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં ૫૬, પ્ર.નગર પોલીસમાં પીઆઈ બી. એમ. ઝણકાતની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં ૬૦ અને કુવાડવા રોડ પોલીસમાં પીઆઈ બી. પી. રજયાની રાહબરીમાં યોજાયેલ લોન મેળામાં ૩૦ લોકો જોડાયા હતા. ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે પણ પીઆઇ બી. ટી. અકબરીની ટીમે લોનમેળો યોજ્‍યો હતો. આ લોન મેળાઓમાં જુદી જુદી બેંકના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને તેમને તેમની જરૂરિયાત પ્રમાણેની લોનની માહિતી આપી ડોકયુમેન્‍ટ લઈ બેંક સમક્ષ જવા સમજુતી આપી હતી. પ્રોસેસ પૂર્ણ થયા બાદ તેમને લોન રૂપે સહાય આપવામાં આવશે કુવાડવા વિસ્‍તારમાં અગાઉ પ્રોસેસ કરી ચૂકેલા મુકેશભાઈ ઝાપડાને પાંચ લાખની લોનનો ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો.

(2:38 PM IST)