News of Friday, 2nd August 2024
હરિઓમ કન્યા વિદ્યાલયના સ્ટુડન્ટસ પોલીસ કમિશનર કચેરીની મુલાકાતેઃ કામગીરી, વિભાગોથી માહિતગાર કરાયા
જવાબદાર નાગરિક બનવા શીખામણ અપાઇઃ પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પૂજા યાદવ, એસીપી બી. વી. જાદવ, પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયાએ વિવિધ મુદ્દે સમજ આપી

રાજકોટઃ શહેરના ભક્તિનગર પોલસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હરિઓમ કન્યા વિદ્યાલયના એસપીસીના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સને પોલીસ કમિશનર કચેરી ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી અને અલગ અલગ વિભાગો, શાખાઓની કામગીરીથી માહિતગાર કરાયા હતાં. આ કચેરી હેઠળના પોલીસ કન્ટ્રોલ રૂમ, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીટીવી વિભાગ, ચલણ રૂમ, વોર રૂમ, સ્પેશિયલ શાખા, લાયસન્સ શાખા, કોમ્પ્યુટર સેલ, શીટ શાખા, પત્ર વ્યવહાર શાખા, ઝોન-૧ ડીસીપી ઓફિસ, ઝોન-૨ ડીસીપી ઓફિસ સહિતના વિભાગોની છાત્રોને મુલાકાત કરાવી આ વિભાગોમાં કેવી કામગીરી થાય છે તેને માહિતી અપાઇ હતી. બાદમાં કોન્ફરન્સ હોલમાં તમામ કેડેટ્સની સાથે અધિકારીઓએ વાર્તાલાપ કરી મહત્વની વિગતોની આપલે કરી હતી. કેડેટ્સને કાયદાનું પાલન કરવા અને જાગૃત તથા જવાબદાર નાગરિક બનવાની શીખામણ અપાઇ હતી. કેડેટ્સ દ્વારા પોલીસ કમિશનરને જીજ્ઞાશાવૃતિથી સવાલો પુછાતા તેના જવાબો અપાયા હતાં. ટ્રાફિક અવેરનેસની માહિતી પણ અપાઇ હતી. અંતમાં તમામને અલ્પાહાર કરાવી ચોકલેટથી મીઠા મોઢા કરાવાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડીસીપી પૂજા યાદવ, એસીપી બી. વી. જાધવ, એસપીસીના રાજકોટ શહેર નોડલ અધિકારી એસીપી એમ. આઇ. પઠાણ, ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા આ મુલાકાતમાં સામેલ રહ્યા હતાં.
(2:40 PM IST)










