<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

શહેરમાં સાયબર ફ્રોડથી ૭ મહિનામાં ૭૦૬૨ લોકોએ ૩૫ કરોડ ગુમાવ્‍યાઃ ૩.૭૯ કરોડ પોલીસે પરત અપાવ્‍યા

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે વિગતો જણાવીઃ એકાઉન્‍ટ ફ્રીઝ કરવામાં નવી પોલીસનો ઉપયોગઃ ફ્રોડની રકમ જ ફ્રીઝ થશે, બાકીની રકમનો જે તે ખાતેધારક ઉપયોગ કરી શકશેઃ રાજકોટ સાયબર ક્રાઇમે ૨૦૦૦ ખાતા કર્યા છે ફ્રીઝ :ગયા વર્ષે ૧૨ મહિનામાં ૭૭૮૩ ફ્રોડની ઘટનામાં ૩૫ કરોડ ગયા હતાં: તેમાંથી ૩.૪૪ કરોડ પાછા અપાવાયા હતાં: આ વર્ષે ૭ મહિનામાં ૬૭.૫૯ લાખના ગુમ થયેલા, ચોરાયેલા ૪૦૩ મોબાઇલ ફોન પરત અપાવાયાઃ ખોટી રીતે ખાતા ફ્રીઝ થયાનું જણાય તો સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો :રાજકોટ પોલીસ દ્વારા ‘સાયબર ક્રાઇમ રિફન્‍ડ યુનિટ'ની સ્‍થાપનાઃ પીઆઇ અને તમામ પોલીસ સ્‍ટેશનના બબ્‍બે કર્મચારીઓની ટીમ ઝડપથી નાણા પાછા મળે તે માટે કરશે કામ

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને પીઆઇ સાયબર ક્રાઇમ એમ. એ. ઝણકાત વિગતો આપતાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૨: સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે, સાયબર ક્રાઇમ પોલીસ આવી ઘટનાઓને અટકાવવા સક્રિય છે આમ છતાં ઉત્તરોતર આ પ્રકારના ફ્રોડ વધતાં જ રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઇમનો વ્‍યાપ વધી ગયો છે. જે ફ્રોડમાં જે ખાતાઓમાં રકમ જતી હોય તે બેંક ખાતાઓને ફ્રીઝ કરવાની સંખ્‍યા પણ વધી જતી હોય છે. દરમિયાન હવે એકાઉન્‍ટ ફ્રીઝ કરવામાં નવી પોલીસી શરૂ થઇ છે તે મુજબ જે રકમ ફ્રોડ સાથે જોડાયેલી હોઇ તેટલી જ ફ્રીઝ થશે, બાકીની રકમ જે તે ખાતેદાર વાપરી શકશે તેમ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું. તેમણે વધુમાં કહ્યું કે રાજકોટ શહેરમાં ગયા વર્ષે ફ્રોડની ૭૭૮૩ અરજીઓ આવી હતી તેની સામે આ વર્ષે ફ્રોડની સંખ્‍યા વધી હોઇ માત્ર ૭ મહિનામાં જ ૭૦૬૨ અરજીઓ આવી છે.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે વિગતો આપતાં જણાવ્‍યું હતું કે સાયબર ફ્રોડના બનાવ બાદ બેંક એકાઉન્‍ટ ફ્રીઝ કરી દેવામાં આવતાં હતાં. તેના કારણે ઘણીવાર જે રકમ ફ્રીઝ થઇ હોય તે અગત્‍યના અંગત કામમાં વાપરવાની હોય તેનો ઉપયોગ જે તે ખાતાધારક કરી શકતો નથી અને આર્થિક મુશ્‍કેલીઓ ઉભી થતી હોય છે. આ રીતે  નિર્દોષ લોકો પણ ફ્રોડના વિક્‍ટીમ બનતાં હોય છે. એવું ન થાય તે ધ્‍યાને રાખી ગુજરાત પોલીસ એક નવી પધ્‍ધતિનો ઉપયોગ શરૂ કરશે. જેમાં જે ખાતામાં ફ્રોડની રકમ ગઇ છે એ રકમને જ હોલ્‍ડ લીયન કરવામાં આવશે, તેને બાદ કરતાં બાકીની રકમ ફ્રીઝ કરવામાં નહિ આવે, જેથી કરીને બાકીની રકમથી જે તે વ્‍યક્‍તિ ટ્રાન્‍જેક્‍શન કરી શકશે. આ તમામ પ્રક્રિયા સાયબર ક્રાઇમ ઓફિસર દ્વારા જ થશે.

આ નવી કાર્ય પધ્‍ધતિ અન્‍વયે આશરે ૨૮ હજાર ખાતા કે જે ફ્રોડ સાથે જોડાયા નથી તેવા ખાતાઓ અનફ્રીઝ કરવાની કામગીરી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આવા ૨૦૦૦ ખાતા ફ્રીઝ કરાયા છે. જે રાજકોટના, રાજ્‍યના બીજા શહેરોના હોઇ શકે છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા રિફન્‍ડની કામગીરી માટે ‘સાયબર ક્રાઇમ રિફન્‍ડ યુનિટ'ની સ્‍થાપના કરવામાં આવી છે. જેમાં સાયબર ક્રાઇમ પીઆઇની સાથે દરેક પોલીસ સ્‍ટેશનના બે બે કર્મચારી જોડાયા છે. આ ટીમ સંલગ્ન કોર્ટ સાથે લાયઝન કરીને વધુમાં વધુ રિફન્‍ડ થાય તેનો પ્રયાસ કરી છે. ડો. પાર્થરાજસિંહ ગોહિલે આગળ જણાવ્‍યું હતું કે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને વર્ષ ૨૦૨૩માં ૭૭૮૩ ફ્રોડની અરજીઓ મળી હતી. જેમાં અંદાજે ૩૫ કરોડની ઠગાઇ થઇ હતી. તે  સામે ૩,૪૪,૨૨,૫૧૦ની રકમ પરત અપાવાઇ હતી. તેની સામે આ વર્ષે ફ્રોડ વધ્‍યું છે, વર્ષ ૨૦૨૪ના ૭ મહિનામાં જ ૭૦૬૨ અરજીઓ આવી છે અને તેની સામે ૩,૭૯,૪૭,૧૦૫ની રકમ પરત અપાવાઇ છે. બાકીની મોટી રકમ કોર્ટ દ્વારા ઝડપથી ઓર્ડર મળ્‍યે જે તે લોકોને પરત મળે તેની કાર્યવાહી ચાલુ છે.

 સામે ફ્રોડની અરજીઓની સંખ્‍યા  વધી રહી છે તેની પાછળનું કારણ એ છે કે સાયબર ક્રાઇમ પોલીસ લોકો છેતરપીંડીના બનાવો સામે વધુ સજાગ થાય તે માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. લોકોમાં અવેરનેસ આવી રહી છે અને તેઓ ફ્રોડ થતાં તુરત જ ૧૯૩૦ ઉપર કોલ કરીને જાણ કરી રહ્યા છે. આ કારણે સાયબર ફ્રોડ પર અંકુશ લાવવામાં પોલીસને મદદ મળી રહી છે.

ઉપરાંત શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોના ગૂમ થયેલા કે ચોરાયેલા મોબાઇલ ફોન પરત અપાવવાની પણ કામગીરી થઇ રહી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૩માં ૭૨,૧૨,૩૨૫ની કિમતના ૫૬૨ મોબાઇલ ફોન પરત અપાવાયા હતાં. આ વર્ષે ૭ મહિનામાં રૂા. ૬૭,૫૯,૫૭૨ની કિમતના ૪૦૩ મોબાઇલ ફોન પરત અપાવાયા છે.

ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્‍યું હતું કે મધ્‍યમ વર્ગના લોકોને સાયબર ક્રાઇમને કારણે આર્થિક માર સહન કરવો પડે છે અને માથે જતાં એકાઉન્‍ટ ફ્રીઝ થઇ જવાને કારણે તેઓ તેના ખાતામાં રહેલી બીજી રકમ પણ વાપરી શકતાં નહોતાં. હવે આ તકલીફનો અંત આવ્‍યો છે. નવી પોલીસી મુજબ જે રકમ ફ્રોડમાં ગઇ હશે એટલી જ ફ્રીઝ થશે, બાકીની રકમ જે તે ખાતેદાર વાપરી શકશે.  સાયબર ક્રાઇમ પોલીસે લોકોને વિનંતી કરી છે કે કોઇને એમ લાગતું હોય કે તેમનું ખાતુ ભુલથી ફ્રીઝ થયું છે તો તુરત બીનસંડોવણીના પુરાવા સાથે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો. જેથી તુરત તપાસ કરી અનફ્રીઝ કરવામાં આવશે.

હાલ રાજકોટમાં સાયબર ક્રાઇમનો વ્‍યાપ વધ્‍યો હોઇ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે ખાસ અભ્‍યાસ ક્રમ પણ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરાયો છે. યુનિવર્સિટીમાં આ અભ્‍યાસ ન્‍યુ એજ્‍યુકેશન પોલીસીનો ભાગ ગણાશે અને કાયદેસરના સબજેક્‍ટ તરીકે માર્ક મળશે. તેમ અંતમાં શ્રી ગોહિલે જણાવ્‍યું હતું. (૧૪.૧૧)

સાયબર ક્રાઇમ કેવા કેવા પ્રકારે થાય છે તે જાણો

ઞ્જફેક આઇડેન્‍ટીટી ફ્રોડ, ઇન્‍વેસ્‍ટમેન્‍ટ-શેર માર્કેટ ફ્રોડ, ક્રેડીટ કાર્ડ ડેબીટ કાર્ડ ફ્રોડ, ઓનલાઇન શોપીંગ ફ્રોડ, વિધઆઉટ શોપીંગ ફ્રોડ, લોન એપ્‍લીકેશન ફ્રોડ, લીંક દ્વારા ફ્રોડ, જોબ ફ્રોડ, બૂકીંગ ફ્રોડ, સોશિયલ મિડીયા ફેક ફેસબૂક આઇડી ફ્રોડ, ટાસ્‍ક ફ્રોડ, કસ્‍ટમર કેર ફ્રોડ, વિથ ઓટીપી ફ્રોડ, ન્‍યુડ વિડીયો કોલથી ફ્રોડ, પેન્‍સીલ જોબ ફ્રોડ, સોશિયલ મિડીયા ફ્રોડ, ઓએલએક્‍સ ફ્રોડ, કેશ બેક ફ્રોડ, કેવાયસી ફ્રોડ, ગીફટ ફ્રોડ, લોટરી ફ્રોડ, ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ ફ્રોડ, એસકોર્ટીંગ ફ્રોડ, ઇન્‍સ્‍યોરન્‍સ ફ્રોડ, ઇલેક્‍ટ્રીસીટી બીલ પેમેન્‍ટ ફ્રોડ, બ્‍લેકમેઇલ ફ્રોડ, મેટ્રોમોનીયલ ફ્રોડ અને બીજા અન્‍ય અલગ અલગ ફ્રોડ.

લોકોએ ફ્રોડથી બચવા અજાણી લીંક ખોલવી નહિ, કોઇ અજાણ્‍યાને ઓટીપી આપવો નહિ, શેર બજારમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં આવી કોઇ અજાણી એપ્‍લીકેશન ડાઉનલોડ કરવી નહિ. ફ્રોડનો ભોગ બનો તો તુરંત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ અથવા સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના હેલ્‍પલાઇન નંબર-૧૯૩૦ ઉપર કોલ કરી ઓનલાઇન ફરિયાદ નોંધાવી દેવી. તેમ પીઆઇ એમ. એ. ઝણકાતે જણાવ્‍યું હતું.

(2:56 PM IST)