News of Friday, 2nd August 2024
રાજકોટ જીલ્લા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલાને ૧૬.પ૮ લાખ પરત અપાવ્યા
મોબાઇલ ફોનમાં અજાણ્યા નંબર ઉપરથી આવતી લીંક કલીક ન કરવા અને ભોગ બનેલાને ૧૯૩૦ પોલીસ હેલ્પલાઇન ઉપર ફરીયાદ કરવા અપીલ

રાજકોટ તા. રઃ રાજકોટ જીલ્લા પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરીકોને ૧૬.પ૮ લાખ પરત અપાવ્યા હોવાનું જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે. જીલ્લા પોલીસ વડા જયપાલસિંહે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઇ વ્યકતી સાયબર ક્રાઇમમાં ભોગ બને છે તો, તેમણે સૌ પ્રથમ સાયબર હેલ્પ લાઇન ૧૯૩૦ નંબર પર શકય તેટલું ઝડપથી ફોન કરી, અને પોતાની કંમ્પલેઇન નોંધાવવાની રહે છે. ત્યારબાદ ૧૯૩૦ પોલીસ હેલ્પ ડેસ્ક તરફથી અરજદારશ્રીની ફરીયાદ રજીસ્ટર કરી, સામાવાળા ફ્રોડ ધારકોના નાણા વખતો વખત ફ્રીઝ કરવામાં આવે છે. આ ફ્રીઝ કરવામાં આવેલ નાણા ભોગ બનનારને પરત અપાવવા માટે અરજીની તપાસ કરનાર અમલદાર દ્વારા અરજદારશ્રીની કોર્ટમાં દાખલ કરવાની અરજી તૈયાર કરાવવી, અને કોર્ટ રાહે ભોગ બનનારને નાણા પરત અપાવવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ તરફથી ગઇ તા. રર-૦૬-ર૦ર૪ના રોજ યોજવામાં આવેલ લોક અદાલતમાં રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાગરીકોના કુલ ૧૬.પ૮ લાખ જેટલી રકમના કોર્ટ ઓર્ડર કરવામાં આવેલ છે. જીલ્લા પોલીસ દ્વારા નાગરીકોને અમલ કરાઇ છે કે, આપના મોબાઇલ પર અજાણ્યા નંબરોમાંથી આવતા ફોનકોલ તથા વોટસએપમાં આવતી વેબસાઇટની લીંક, બેંકની લીંક, પર કલીક કરશો નહીં, અજાણ્યા મોબાઇલ નંબરના વિડીયો કોલ રીસીવ કરવા નહીં, અને વોટસએપ/ટેલીગ્રામ/ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર આવતી જાહેરાતોમાં નાણાકીય ઇન્વેસ્ટમેંન્ટ કે ટાસ્ક કલીયર કરવા બાબતેની જાહેરાતોમાં નાણાકીય વ્યવહાર કરશો નહીં.
(3:30 PM IST)










