News of Friday, 2nd August 2024
યુનિવર્સિટી કેમ્પસમાં સીટી બસે સાયકલને હડફેટે લઇ ૧ર વર્ષના હેત્વીકનો પગ કચડી નાખ્યો
સાધુવાસવાણી રોડ પર રહેતા પિતા અલ્પેશભાઇ કાસુંદ્રાની બસ ચાલક સામે ફરીયાદ

રાજકોટ, તા. ર : શહેરની યુનિવર્સિટી કેમ્પસમાં એથ્લેટીક ગ્રાઉન્ડમાં આરએમસીની સીટી બસના ચાલકે સાયકલને હડફેટે લેતા ૧ર વર્ષના તરૂણનો પગ કચડી નાખી ગંભીર ઇજા કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નંદ એમ્પાયર ૩-વીંગ ફલેટ નં. ૩૧૦ર માં રહેતા અલ્પેશભાઇ જસમંતભાઇ કાસુંદ્રા (ઉ.વ.૪ર) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં આરએમસીની સીટી બસ નં. જી.જે. ૩ બીઝેડ-૮૪૯ નંબરના ચાલક વિરેન્દ્રસિંહ રાહુભા જાડેજા સામે ફરીયાદ નોંધાવી છે.
અલ્પેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. પોતાને સંતાનમાં એક પુત્ર હેત્વીક (ઉ.૧ર) ધોરણ -૭ માં અભ્યાસ કરે છે. ગત તા. ર૬ ના રોજ પોતે તથા પુત્ર હેત્વીક બંને અલગ અલગ સાયકલ લઇને યુનિવર્સિટી કેમ્પસની અંદર સાયકલીંગ કરવા માટે ગયા હતાં. અને એથ્લેટીક ગ્રાઉન્ડ પાસે પહોંચતા અમુલ પાર્લર વાળો સીધો રોડ જે ઓથલેટીક ગ્રાઉન્ડ પાસે વણાંક વળે છે. ત્યાં એક સીટી બસ પુરઝડપે આવીને વણાંક લેતી હોઇ જેથી પોતે તથા પુત્ર બંને સાયકલ લઇને સાઇડમાં ઉભા રહી ગયા અને બસ ચાલકે પુરઝડપે આવી પુત્ર હેત્વીકને સાયકલ સાથે હડફેટે લેતા બસનું આગળનું વ્હીલ પુત્ર હેત્વીકનો ડાબા પગ પર ફરી વળતા પગ કચડાઇ જતા ગંભીર ઇજા થઇ હતી. બાદ એક કારમાં સ્ટર્લીંગ હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે તેને સીનર્જી હોસ્પિટલમાં ખસેડાયો હોઇ હાલ તેની સારવાર ચાલુ છે. આ બનાવ અંગે પોતે યુનિવર્સિટી પોલીસ મથકમાં જીજે.૩.બીઝેડ-૮૪૯ નંબરની સીટી બસના ચાલકે ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. એસ.આઇ. શેખે તપાસ હાથધરી છે.
(4:12 PM IST)










