News of Friday, 2nd August 2024
પ્રિ-સ્કુલ નોંધણી નિયમમાં રહેલી વિસંગતતા દુર કરી નવી પોલીસી બનાવોઃ ગુજરાત ઇન્ડીપેન્ડન્ટ પ્રિ-સ્કુલ એસો.
નિતી- નિયમોમાં ફેર વિચારણા કરો, રાજયભરમાં ૪૦ હજાર પ્રિ-સ્કુલના ત્રણ લાખથી વધુ લોકો પોતાનો રોજગાર મેળવી રહયા છેઃ સંસ્થા હંમેશ સરકારશ્રીના આદેશનું પાલન કરશે

રાજકોટઃ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ આસોસીશનનાં ગુજરાતભરમાંથી આવેલ કમિટીના સભ્યો દ્વારા તાજેતરમાં આવેલ પ્રિ-સ્કૂલની ફરજિયાત નોંધણી માટેની પોલિસીમાં રહેલ વિસંગતાઓ જેવી કે બિયુ, નોંધણી ફી, આધાર ડાયસ, ફાયર સેફટી, ૧૫ વર્ષનો ભાડાકરાર, બાલવાડી વર્ગ, યુ ડાયસ, ફરજિયાત ટ્રસ્ટ હેઠળ જ આવરવું વિગેરે મુદાઓ ઉપર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ઘડવામાં આવેલ પોલિસી અને ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ NEP અને ECCE મુજબ તેમજ GDCR માં સૂચિત પ્રિ-સ્કૂલનાં પરમિસેબલ યુસેજમાં વિસંગતતાઓ બાબતે સ્પષ્ટતાઓ તેમજ સરળ ન્યાયિક પોલિસીના રિવીજન માટેની રજૂઆત રાજકોટ, સુરત અમદાવાદ, વડોદરા તેમજ ગાંધીનગર પ્રિસ્કૂલ આસોસીશનના મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા શિક્ષણમંત્રી શ્રી, મુખ્યમંત્રીશ્રી, શિક્ષણ સચિવશ્રી, મહિલા અને બાળવિકાસ મંત્રીશ્રી, તમામ જિલ્લાના કલેકટરશ્રી, શિક્ષણાધિકારીશ્રી, તેમજ તમામ મહાનગરોના મ્યુ.કમિશ્નરશ્રીને રજૂઆત કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૦ માં આવેલ NEP અને ECOEમાં ભારત સરકાર દ્વારા ૨ થી જ વર્ષના બાળકો માટે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવેલ પરંતુ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં અમુક વિસંગતાઓ હોય રજીસ્ટ્રેશનમાં અડચણો પડતી હોવાથી તેવી નીતિઓ અને નિયમોમાં ફેર વિચારણા કરી NEPમાં રહેલ હેતુઓ મુજબની પોલિસી તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
ગુજરાતભરમાં રહેલ ૪૦ હજાર પ્રિ-સ્કુલમાં ત્રણ લાખથી પણ વધુ લોકો પોતાનો રોજગાર મેળવી રહ્યા છે ત્યારે NEP તેમજ ECCE માં સૂચવ્યા મુજબ જો બધાને સાથે રાખીને પોલિસી તૈયાર કરવામાં આવે તો તમામ સ્ટેક હોલ્ડર્સ એટલે કે આવી નાની પ્રિ-સ્કૂલોમાં ભણતા ૪૦ લાખથી પણ વધુ બાળકો, માતાપિતા, તેમજ સંચાલકોને તેનો યોગ્ય વિકાસ થાય તેવી તક મળી શકે અને NEPમાં સૂચવ્યા મુજબના લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારને સરળતા રહે તે માટે પ્રિ-સ્કૂલ સંચાલક મંડળ હંમેશા તૈયાર રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવેલ હતી.
NEPનો મુખ્ય હેતુ તો બાળકોને કવાલીટી એજ્યુકેશન તેમજ ડ્રોપ આઉટ રેટીઓ ઘટે એ છે અને ૩ થી ૬ વર્ષનું બાળક ઘરની નજીકમાંજ પ્રારભિક શિક્ષણ મેળવી શકે તેવો છે, જે ખરા અર્થમાં સ્ટેન્ડ અલોન પ્રિ-સ્કૂલો ઘણા વર્ષોથી કરી રહી છે અને તેની નોંધ યુનિસેફ દ્વારા પણ લેવામાં આવેલી છે.
તસ્વીરમાં ગુજરાત ઇન્ડીપેન્ડન્ટ પ્રિ-સ્કુલ એસોસીએશનના સભ્યો સર્વશ્રી મિલનભાઇ દોશી, વિશાલભાઇ મહેતા અને જયભાઇ પાઢ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:31 PM IST)










