News of Friday, 2nd August 2024
ગુજરાતમાં બસ ઓપરેટર પાસેથી અલગથી ટેક્ષ ભરાવાય છેઃ બસો ડીટેઇન કરાય છેઃ આવેદન
કેન્દ્રની ATTP યોજના અમલમાં છે છતા... રાજકોટ ટ્રાવેલ્સ એસો.નું કલેકટરને આવેદનઃ કેન્દ્રની યોજનાથી ઓપરેટરોને લાભ થયો છે... રાજકોટ ટ્રાવેલ્સ એસો.ના અગ્રણીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.

રાજકોટ તા. ર :.. શહેર ટ્રાવેલ્સ એસો. એ કલેકટરને આવેદન પાઠવી ઓલ ઇન્ડીયા ટુરીસ્ટ પરમીટ (ATTP) સંદર્ભે રજૂઆતો કરી હતી.આવેદનમાં જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા બસ ઓપરેટરને વર્ષ ર૦ર૧ માં વન નેશન વન ટેક્ષ હેઠળ (ATTP) નો લાભ આપવામાં આવેલ. જેથી અમારા વ્યવસાયને ખુબ જ પ્રોત્સાહન મળેલ છે. જેનો ખુબ જ મોટો લાભ ઓપરેટર તેમજ પેસેન્જરને મળેલ છે.
હાલ ગુજરાતમાં આર. ટી. ઓ. અધિકારી દ્વારા (ATTP) વેલીડ નથી ગણતા અને બસો ડીટેઇન કરી ગુજરાત રાજયનો અલગથી ટેક્ષ ભરાવે છે, જે સરકારના નિયમ વિરૂધ્ધનું કામ છે.(ATTP) અન્ય રાજયમાં ચાલે છે તો ગુજરાત રાજયમાં આર. ટી. ઓ. અધિકારી દ્વારા શા માટે કરવામાં આવે છે. સરકાર (ATTP) (વન નેશન વન ટેક્ષ) જે લઇ આવ્યા છે તે ખુબ જ સરાહનીય નિર્ણય છે. જેનાથી ટુરીસ્ટને ખુબ જ ફાયદો થાય છે. બીજા રાજયમાં જવા માટે સરળતા રહે છે અને પ્રવાસનને વેગ મળે છે. તો આપને વિનંતી કે આ બાબતે યોગ્ય તપાસ કરી અમારી બસોને ડીટેઇન કરતી અટકાવવા સુચના આપવા માંગણી છે.
(4:36 PM IST)










