તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 5th August 2024
મોજશોખ પુરા કરવા પુર્વ કર્મચારી ઘનશ્યામસિંહે ત્રણ મિત્રો સાથે મળી ચોરી કરી'તીઃ તમામ મુદ્દામાલ કબ્જે
પરાબજારની મહેતા સેલ્સ એજન્સી ચોરીનો ભેદ બે દિવસમાં ઉકેલાયો : ૪,૫૨,૮૮૨ની કિમતનો કેડબરી, ફેર એન્ડ લવલી, માચીસ, ગોદરેજ અને ડવ સાબુ, ઇનો, નવરત્ન તેલ, કોલગેટ, ડટોલ, ગાર્નીયર હેર કલરનો જથ્થો તેમજ બે મોબાઇલ, રોકડા ૪૮૦૦, બે રિક્ષા મળી રૂા. ૫,૨૮,૬૮૨નો માલમત્તા જપ્ત થઇ : પોપટપરાના રિક્ષાચાલક ઘનશ્યામસિંહ ઉર્ફ ઘનો ઝાલા, તેના મિત્રો જંગલેશ્વરનો કિશન ગેડાણી, પોપટપરાનો ભગીરથસિંહ ઝાલા અને મુળ યુપીનો હાલ જંગલેશ્વરમાં રહેતો સદામ અંસારી પકડાયા : પોપટપરાનો ઘનો ઝાલા છએક વર્ષ પહેલા મહેતા એજન્સીમાં નોકરી કરી ચુક્યો હોઇ ક્યાંથી અંદર ઘુસાય તે જાણતો હતોઃ પાછળની શેરીમાં થાંભલા પરથી જોખમી રીતે ઉપર ચડી નળીયાવાળા મકાનમાં જઇ ત્યાંથી દૂકાનની બારી તોડી અંદર ઘુસ્યા'તા : ચોરેલો માલ રિક્ષાના બે ફેરા કરી પોપટપરામાં મકાન પાસે પટમાં છુપાવી માથે તાલપત્રી ઢાંકી દીધી'તીઃ વેંચવા માટે સેમ્પલ લઇ વેપારીઓને બતાવવા નીકળ્યાઃ પણ માલ વેંચે એ પહેલા પકડાઇ ગયા

રાજકોટ તા. ૫: શહેરના પરા બજારમાં શુક્ર-શનીવારની રાતે મહેતા સેલ્સ એજન્સી નામની દૂકાનમાં ત્રીજા માળે આવેલી બારીની ગ્રીલ કાપી અંદર ઘુસી સાડા ચાર લાખથી વધુના માલસામાનની ચોરી કરવામાં આવી હતી. ત્રણ બુકાનીધારી તસ્કરોએ બાજુની શેરીના
સાતેક કેમેરા તોડી નાખ્યા બાદ આ દૂકાનમાં ત્રાટકી હાથફેરો કર્યો હતો. કલાકોમાં આ ચોરીનો ભેદ એલસીબી ઝોન-૨ ટીમે ઉકેલી નાંખી અહિ છએક વર્ષ પહેલા કામ કરી ચુકેલા પોપટપરાના શખ્સ અને તેના ત્રણ મિત્રોને દબોચી લઇ ચોરી કરેલો ૪.૫૨ લાખનો સામાન, બે રિક્ષા, રોકડ, મોબાઇલ મળી કુલ રૂા. ૫,૨૮,૬૮૨નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોજશોખ માટે રૂપિયાની જરૂર હોઇ પ્લાન ઘડી આ દૂકાનમાં ત્રાટક્યા હતાં. જો કે ચોરાઉ સામાન વેંચે એ પહેલા ચારેય પકડાઇ ગયા હતાં.
ચોરીની ઘટના જાહેર થતાં એ-ડિવીઝન પોલીસે દૂકાન માલિક પ્રહલાદ પ્લોટ-૨૬/૪૨માં રહેતાં નિલેષભાઇ શશીકાંતભાઇ મહેતા (ઉ.વ.૫૦)ની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ની ટીમો પણ કામે લાગી હતી. દરમિયાન પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે આઇવે પ્રોજેક્ટના કેમેરા, કમાન્ડ કન્ટ્રોલ રૂમના કેમેરા અને અન્ય સીસીટીવી ફુટેજ તથા હ્યુમન સોર્સિસને આધારે તપાસ શરૂ કરતાં પાક્કી માહિતી મળતાં તેના આધારે પોપટપરા રઘુનંદન સોસાયટી-૧/૪ના ખુણે રહેતાં ઘનશ્યામસિંહ ઉર્ફ ઘનો કુલદિપસિંહ ઝાલા (ઉ.વ.૨૭) તથા તેના મિત્રો પોપટપરા રઘુનંદન સોસાયટી-૫માં રહેતાં ભગીરથસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૬), જંગલેશ્વર-૨૧ તેમજ પોપટપરા કૃષ્ણનગર-૩/૫ના ખુણે રહેતાં કિશન લાલજીભાઇ ગેડાણી (ઉ.વ.૨૫) અને મુળ યુપીના ગોંડા જીલ્લાના તેલીયા ગામના હાલ જંગલેશ્વર-૨૫માં રહેતાં સદામ જાવીદઅલી અંસારી (ઉ.વ.૨૦)ને દબોચી લીધા હતાં.
આ ચારેયએ મહેતા સેલ્સ એજન્સીમાંથી ચોરેલો માલસામાન પોપટપરામાં ઘર નજીક પટમાં છુપાવી માથે તાલપત્રી ઢાંકી દીધી હતી અને ચોરેલા સામાનના સેમ્પલ લઇ વેંચવા માટે છુટક વેપારીઓને બતાવવા નીકળ્યા હતાં. જો કે માલ વેંચે એ પહેલા ચારેયને પકડી લેવાયા હતાં. પોલીસે અલગ અલગ વસ્તુઓના બોક્સ જેમાં ફેર એન્ડ લવલી, કેડબરી, સ્પીડ માચીસ, ગોદરેજ સાબુ, ડવ સાબુ, ઇનો, નવરત્ન ઓઇલ, ડેટોલ, ગાર્નીયર હેર કલર મળી રૂા. ૪,૫૨,૮૮૨નો માલસામાન તેમજ ૫૦ હજારની રિક્ષા જીજે૦૩ડબલ્યુ-૩૯૩૪, રોકડા રૂા. ૪૮૦૦ અને ૨૧ હજારના બે મોબાઇલ ફોન મળી રૂા. ૫૨૮,૬૮૨નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ ઘનશ્યામસિંહ ઉર્ફ ઘનો અને કિશન ડ્રાઇવીંગ કરે છે, ભગીરથસિંહ પ્રાઇવેટ નોકરી અને સદામ મજુરી કરે છે. ચારેય મિત્રોને મોજશોખ માટે રૂપિયાની જરૂર હોઇ ચોરીનો વિચાર આવતાં ઘનશ્યામસિંહે પોતે છએક વર્ષ પહેલા મહેતા સેલ્સ એજન્સીમાં નોકરી કરી હોઇ તેમાં લાખોનો માલસામાન પડયો રહેતો હોવાનું અને અંદર કઇ રીતે ઘુસી શકાય તે પોતે જાણતો હોવાનું કહેતાં ચારેય પ્લાન ઘડી શુક્ર-શનિની રાતે પરા બજારમાં રિક્ષા લઇને પહોંચ્યા હતાં. પાછળની શેરીમાં દૂર રિક્ષા રાખી બુકાની બાંધી ચારેય જણા આવ્યા હતાં. પહેલા સીસીટીવી કેમેરા ચોર્યા હતાં. બાદમાં દૂકાનની પાછળના ભાગે આવેલા થાંભલા પર ચડી ખુબ જ જોખમી રીતે નળીયાવાળા મકાન પર અને ત્યાંથી જ્યાં ચોરી થઇ તે દૂકાનની બારી પાસે પહોંચી સળીયા તોડી અંદર ઘુસ્યા હતાં.
ચોરી કર્યા બાદ બે જણાએ બોક્સ બહાર ઉતાર્યા હતાં. જે બોક્સ રિક્ષામાં ભરી કિશન સહિતના બે જણા પોપટપરામાં મુકી આવ્યા હતાં. બીજા ફેરામાં દૂકાનમાં રહેલા બીજા બે જણાને તેડવા આવ્યા ત્યારે વધઘટ માલસામાન ભરી ગયા હતાં. કિશન અગાઉ માલવીયાનગર પોલીસમાં દારૂના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશ ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૨ ટીમે આ ડિટેક્શન કર્યુ હતું. ઝડપાયેલા ચારેય મિત્રોએ પોતાના મોજશોખ પુરા કરવા માટે પ્લાન ઘડી આ ચોરીને અંજામ આપ્યો હતો. જો કે માલ વેંચે એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં. (૧૪.૭)
પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમનું ડિટેક્શન
ઞ્જપીએસઆઇ આર. એચ. ઝાલા સાથે એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, અજયભાઇ બસીયા, કોન્સ. શક્તિસિંહ ગોહિલ, ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઇ વાધીયા, કુલદિપસિંહ રાણા, ધારાભાઇ ગઢવીએ આ ડિટેક્શનની કામગીરી કરી હતી.
(3:30 PM IST)










