<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રાજકોટમાં દારૂના ભાવમાં ‘પેટી'એ રૂા. ૪૦૦૦નો ભાવવધારો !

લ્‍યો... આમા મોંઘવારી બાકી રહી ગઇ'તી : શ્રાવણ માસમાં ભાવ ઘટે પરંતુ આતે વધ્‍યા !! : ‘દેશી' દારૂની ડ્રાઇવમાં ૭૯ દરોડા પાડયા'તાઃ ‘વિદેશી'નો વારો ક્‍યારે ? માત્ર ૧૦ સ્‍થળે ત્રાટકે પોલીસ અથવા ફોન કરે તો વાવટા સંકેલાઇ જાય !!

રાજકોટ તા. ૬ : કહેવત છે કે ગરીબની વહુ સૌની ‘ભાભી' એ મુજબ દેશી દારૂના ધંધાર્થીના ઘેર પોલીસ મહેમાન બની હતી પરંતુ ડગરા જેવા સોનાના ચેન પહેરતા માલેતુજાર ઇંગ્‍લીશના વેપારીઓનો પોલીસે હજુ ડ્રાઇવમાં વારો લીધો નથી ત્‍યારે લોકોમાં શંકા-કુશંકા ઉભી થાય તે પહેલા જો માત્ર દસ જ સ્‍થળે દરોડા પડે અથવા જાણકાર પોલીસ મિત્રો ફોન કરી દયે તો ફટાફટ ધંધા બંધ થઇ જાય એમ હોવાનું મનાય છે. આヘર્યની વાત તો એ છે કે શ્રાવણ માસમાં ‘પ્‍યાસી'ઓની સંખ્‍યા ઘટતી હોવાના કારણે દારૂના ધંધામાં મંદી આવી જતી હોય છે પરંતુ હાલમાં ઉલ્‍ટી ગંગા જોવા મળે છે કોઇ અગમ્‍ય કારણોસર રાજકોટ શહેરમાં છૂટથી મળતા વિદેશી દારૂમાં પેટીએ રૂા. ૪૦૦૦નો તોતીંગ ભાવ વધારો ઝીંકાયાના વાવડ મળી રહ્યા છે.

કોંગ્રેસે જ્‍યારે પોલીસ કમિશનર કચેરી ખાતે સાગઠીયા કટકીકાંડ પ્રશ્ને રજૂઆત કરી ત્‍યારે કમિશનર કચેરીના પ્રાંગણમાં પ્રેસને જતા અટકાવ્‍યા અને પ્રેસ નારાજ થતા જ ‘ધંધા બંધ'નો લાકડીયો તાર દારૂના ધંધાર્થીને ગયો હોવાનું કહેવાય છે જેથી બે દિવસ દારૂનો ધંધો સાવ બંધ હતો પરંતુ ત્રીજા દિવસે જ બજાર ફરી ખૂલી ગઇ હતી.

અને દારૂ પિનારાના નસીબ ફુટલા કે બે દિવસના ‘ડ્રાય ડે' બાદ શહેરમાં દારૂના ધંધાર્થીઓએ દારૂની પેટીમાં રૂા. ૪ હજારનો ભાવ વધારો ઝીંકી દીધો હતો એમ કહેવાય છે કે ચોટીલા તરફથી જંગલેશ્વર નજીક આવતા અને બાદમાં ‘કટીંગ' થઇ જતા વિદેશી દારૂમાં રાજકોટમાં સપ્‍લાય થતી દારૂની બ્રાન્‍ડમાં મુખ્‍ય (૧) રોયલ સ્‍ટેગ (ર) આર.સી. (૩) ગ્રીન લેબલ (૪) મેકડોવેલ નં. ૧ (૫) બ્‍લેન્‍ડર (૬) ૮ P.M. (૭) ઓલ સીઝન્‍સ વિગેરે છે. જ્‍યારે ચપલામાં એન્‍ટીકવીટી અને બી-૭ નો સમાવેશ થાય છે. બીયરમાં બડવાઇઝર અને ફોસ્‍ટર મુખ્‍ય છે.

એમ કહેવાય છે કે, અગાઉ દારૂની પેટી (૧૨ બોટલ) મેકડોવેલ નંબર-૧ અને ગ્રીન લેબલ હોલસેલમાં ૪૫૦૦ અને રીટેઇલમાં દારૂના ધંધાર્થીને ૫૫૦૦માં પૂરી પાડવામાં આવતી જે દારૂના છૂટક વિક્રેતા બોટલના ૯૦૦ થી ૧૦૦૦ રૂપિયામાં વેચતા એટલે કે પેટીના ૯૦૦૦ ઉપજતા જ્‍યારે ઓલ સીઝન્‍સ, આર.સી. અને રોયલ સ્‍ટેગ ૭૦૦૦માં હોલસેલ, રીટેઇલમાં ૮૦૦૦ વેચાતી છૂટક વિક્રેતા ૧ બોટલ ૧૦૦૦માં વેંચતા એટલે ૧ પેટીના ૧૨૦૦૦ ઉપજતા એટલે કે એક પેટી વેંચનારાને પેટીએ રૂા. ૫૦૦૦ નફો મળતો.

છેલ્લા વિસેક દિવસથી પેટીએ રૂા.૪૦૦૦ જેવો તોતીંગ ભાવવધારો જથ્‍થાબંધ સપ્‍લાયરો તથા છુટક વિક્રેતાઓએ ઝીંકી દીધો છે. હાલમાં એક બોટલ ૧ર૦૦ થી ૧૪૦૦માં વેચી રહયા છે. જયારે ઉંચી જાતની બ્‍લેન્‍ડરની બોટલ જે અગાઉ ૧ર૦૦ થી  ૧૪૦૦માં મળતી તેના હાલમાં રૂા. ર૦૦૦ લેવાઇ રહયા છે.

પ્‍યાસીઓના ખિસ્‍સામાં પણ આરામથી રાખી શકાય તેવા ‘ચપલા' (સેમ્‍પલીયા)માં રાજકોટમાં એન્‍ટીકવીટના ચપલા સહેલાઇથી મળી જાય છે. જે ૧૮૦ એમએલના હોય છે અને તેની કિંમત રૂા.પ૦૦ તથા બી-૭ના એક ચપલાના રૂા. ૩૦૦ છે. બીયર પણ માંગો ત્‍યારે અને માંગો તેટલો શહેરમાં મળી રહે છે. જે પરમીટ રૂમમાં રપ૦ થી ર૭પમાં મળે છે પરંતુ કાળાબજારમાં રૂા.૪૦૦નો ભાવ વસુલાય છે.

જયારે શ્રીમંતો, કારખાનેદારો માટે ઉંચી જાતના સીંગલ માર્ટ સ્‍કોચ વહીસ્‍કીમાં (૧) રેડ લેબલ (ર) બ્‍લેક ડોગ (૩) બેલેન્‍ટાઇન આસાનીથી મળી રહે છે અને શહરેમાંસુનિલ નામનો સોનાના જાડા ચેઇનવાળો શખ્‍સ કે જે પોલીસમેનનો ભત્રીજો હોવાનું કહેવાય છે તે માંગો તેટલો ને માંગો ત્‍યારે દારૂ પુરો પાડી શકે છે અને આヘર્યની વાત એ છે કે વર્ષો બાદ પણ ગમે તેટલા ઉચ્‍ચ અધિકારીઓ આવ્‍યા અને ગયા પરંતુ આ શખ્‍સ સામે એક પણ પોલીસ કેસ નોંધાયો નથી.

શહેરમાં તંત્રની અમિદ્રષ્‍ટિના કારણે દેશી દારૂના ધંધા બેફામ ફુલ્‍યા ફાલ્‍યા છે. જીલ્લા પોલીસની હદમાં દારૂ બને અને શહેર પોલીસની હદમાં દારૂ ખુલ્લેઆમ વેંચાય છે. ત્‍યારે તાજેતરમાં શહેર પોલીસ દ્વારા વહેલી સવારથી દેશી દારૂના ૭૯ વેચાણ કેન્‍દ્રો ઉપર પોલીસ ત્રાટકી હતી અને લગભગ પ૩ ને ઝડપી લીધા હતા. જેમાં રપ તો મહિલા બુટલેગરો હતી.

દેશીમાં તો પોલીસને વહેલી સવારથી મહેનત લેવી પડી હતી અને ૭૯ સ્‍થળોએ ત્રાટકવું પડયું હતું. વિદેશી દારૂમાં મુખ્‍ય સપ્‍લાયર શહેરમાં ૮ થી ૧૦ જ છે. જથ્‍થાબંધ સપ્‍લાયર ૮ થી ૧૦ છે એટલે જો પોલીસ ડ્રાઇવ કરવી હોય તો જાજા કાફલાની કે સ્‍ટાફની જરૂર જ નથી અમુક જાણકારો તો વ્‍યંગમાં એવી વાત કરી રહયા છે કે પોલીસે ડ્રાઇવ પણ કરવાની જરૂર નથી. અશોક, ધમો, મુન્નો, હિરેન અને યોગી, ભરત વાવડી, સામામાંઠે બાલી સહીત ૮ થી ૧૦ ને સૌ-સૌના નજીકના બાબુઓ દ્વારા ફોન કરો એટલે રાજકોટના વિદેશી દારૂનું નેટવર્ક થઇ જાવ સાવ ઠપ્‍પ !!

રાજકોટ કરતા ગોંડલમાં

દારૂ-બીયર મળે છે સસ્‍તા !

રાજકોટમાં દેશી દારૂ તો તમામ વિસ્‍તારોમાં વેંચાય છે તો ઇંગ્‍લીશ દારૂ માટે પણ દારૂડીયાઓને દૂર જવુ પડતુ નથી. પરંતુ પ્‍યાસીઓની એક જ વ્‍યથા છે કે રાજકોટના બંધાણીઓને ગોંડલ કરતા દારૂ-બીયર મોંઘો મળે છે. ગોંડલમાં ટીનુભાના દયાભાવથી વિદેશી દારૂની બોટલ રાજકોટ કરતા ગોંડલમાં ૩૦૦ થી ૪૦૦  રૂપિયા સસ્‍તી મળે છે. જયારે પિયરમાં પણ ડબલે રૂા. ૧પ૦ સસ્‍તી મળે છે અને વળી પાછો દારૂ પણ સ્‍ટાન્‍ડર્ડ જયારે રાજકોટમાં વેંચાતો દારૂ ચોટીલા નજીક જ બનતો હોવાની  ચર્ચા છે જે ગમે ત્‍યારે ‘લઠ્ઠાકાંડ' કરાવી શકે.

રાજકોટ શહેરમાં અમુક બુટલેગરોને  પાયલોટીંગની સુવિધા પણ પૂરી પડાતી હોવાની ચર્ચા

રાજકોટમાં વિદેશી દારૂ છડેચોક વેંચાય છે અને દસેક મુખ્‍ય બુટલેગરોના નેજા હેઠળ પ૦૦ જેટલા છૂટક દારૂના ધંધાર્થીઓ ચોકકસ મહાનુભાવોની રહેમ નજર હોય પેટીયુ રળી રહ્યાના અહેવાલ વચ્‍ચે એક ચર્ચા એવી પણ છે કે એક બુટલેગર કે જેના અહીં જવાની હિંમત હજુ સુધી કોઇ દાખવી શકયા નથી. ત્‍યારે બુટલેગરો એટલા બધા સબંધુ રાખ્‍યુ હોય છે કે કયારેક અમુક પોલીસમેનો જેમ કચ્‍છમાં બુટલેગરના વાહનોનું પાયલોટીંગની સુવિધા મહીલા પોલીસ આપતા તેમજ કયારેક દારૂ ભરેલ ટ્રક કે વાહનોને પાયલોટીંગની સવલત પણ અપાતી હોવાનું ચર્ચાય છે.

(2:57 PM IST)