તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
સહકારી ક્ષેત્રે નવો વળાંક : જિલ્લા બેંક સામેની અરજી પાછી ખેચતુ હરીફ જુથ
જયેશ રાદડિયા સંચાલિત બેંકમાં ભરતી પધ્ધતિ સામે જાડેજા - ઢાંકેચા જુથે ફરીયાદ કરેલ : સમાધાન કે શરણાગતિ ? બિનશરતી તખ્તો ગોઠવાયાનો દાવો : રાજકીય ક્ષેત્રે પ્રભાવ પાડતા નવા સમીકરણો

રાજકોટ તા. ૬ : જિલ્લાના સહકારી ક્ષેત્રે તાકાતપૂર્વક એકબીજા સામે લડતા બે જુથો વચ્ચે અચાનક તાલમેલ થઇ ગયાના વાવડ છે. કેટલાક સહકારી અગ્રણીઓની મધ્યસ્થીથી ભાજપના બે જુથો પૈકી જયેશ રાદડિયાના હરીફ જાડેજા - ઢાંકેચા જુથે જિલ્લા સહકારી બેંકની ભરતી પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી ગંભીર પ્રકારની અરજી હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધાનું જાણવા મળે છે. શરણાગતિ કે સમાધાન ? તે મુદ્દે ચર્ચા જાગી છે. ભાજપ સામે સંકળાયેલા સહકારી ક્ષેત્રના આ નવા સમીકરણની રાજકીય ક્ષેત્રે પણ અસર પડે તેવી સંભાવના છે.
સહકારી આગેવાનો હરદેવસિંહ જાડેજા, પરસોતમ સાવલિયા અને વિજય સખિયાએ જયેશ રાદડિયાના નેતૃત્વ હેઠળની રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં કર્મચારીઓની ભરતીમાં નીતિ નિયમોનો સરેઆમ ભંગ થયાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં અરજી કરેલ. રાજ્ય સરકારમાં પણ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરેલ. હાઇકોર્ટમાં છેલ્લા બે વર્ષમાં આ કેસમાં વખતોવખત મુદ્દત પડી હતી.
કાનૂની લડાઇની સાથે ભાજપના જ આ બંને જુથો વચ્ચે રાજકીય સંઘર્ષ પણ ચાલતો રહ્યો હતો. બંને જુથો વચ્ચેની લડાઇ પૂર્ણ કરાવવા અમૂક પાટીદાર નેતાઓ અને રાજકીય તથા સહકારી અગ્રણીઓએ વારંવાર પ્રયાસો કરેલ. આખરે આ પ્રયાસો સફળ થયા છે. જાડેજા - નીતિન ઢાંકેચા જુથે કેસ પાછો ખેંચી લેતા સમાધાનનો રસ્તો ખૂલ્યો છે. બંને જુથોએ બિનશરતી હાથ મિલાવ્યાનું કહે છે.
રાજકોટ માર્કેટ યાર્ડ સહિતની સહકારી સંસ્થાઓ અને મોટાભાગની સ્થાનિક મંડળીઓમાં રાદડિયા જુથનો હાથ ઉપર રહેતા હરીફ જુથ નરમ પડયું હતું તેથી સમાધાન તરફની ગતિ વધી હતી તેમ સહકારી ક્ષેત્રમાં ચર્ચા છે. અરવિંદ તાળા, મગનભાઇ પટેલ, ડાયાભાઇ પીપળિયા સહિતના આગેવાનોએ બે જુથો વચ્ચેનું અંતર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બંને સામસામે રહેવાના બદલે સાથે રહીને સહકારી ક્ષેત્રે કામ કરવા માંગે છે તેવી વાતો થઇ રહી છે. હાલ હરીફ જુથે પીછેહઠ કરતા રાદડિયા જુથની તાકાત વધ્યાનું કહેવાય છે.(૨૧.૨૧)
(3:41 PM IST)










